Sunday, September 28, 2014

VIDEO: 'USમાં વસતા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો'; પાંચ મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન, 75 મિનિટ સંબોધન

મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સતત 75 મિનિટ સુધી સંબોધન કર્યું.



(મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે NRIsને સંબોધતા વડાપ્રધાન મોદી)

- ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આપેલું ભાષણ 80 દેશમાં લાઈવ જોવા મળ્યું
- હજારો લોકોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિશાળ સ્ક્રિનમાં મોદીનું ભાષણ લાઈવ જોયું
- પીઆઇઓ કાર્ડ હોલ્ડર્સ માટે મોદીએ આજીવન ભારતીય વિઝા આપવાની જાહેરાત કરી
-  ડેમોક્રેસી, ડેમોગ્રાફી ડિવીડન્ડ અને ડિમાન્ડ ભારતની ત્રણ મોટી તાકાત
- ભારતે મંગળયાન અમદાવાદના રિક્ષા ભાડા કરતાં પણ સસ્તામાં પહોંચાડ્યું
'હું નાનો માણસ છું, ચા વેચતાં વેચતાં અહીં આવ્યો છું, મારે નાના લોકો માટે મોટા કામ કરવા છે'
અમેરિકાપ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કસ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત એક ભવ્ય સમારંભમા નરેન્દ્ર મોદીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, એક જમાનો હતો કે, જ્યારે ભારતને સાપોનો અને કાળા જાદુ કરનારાઓનો દેશ માનવામાં આવતો હતો પરંતુ આજે ભારતે આઈટીમાં કમાલ કરી બતાવી છે. હવે ભારતના યુવાનો માઉસ ફેરવીને સમગ્ર દુનિયાને ફેરવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયાનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તેના માટે અમેરિકામાં વસતા ભારતીયોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. લોકસભા ચૂંટણી જીતાડીને લોકોએ તેમના ખભે જે જવાબદારી મૂકી છે તેને તેઓ નિષ્ઠાથી નિભાવશે અને કોઈને નીચાજોણાનો સમય નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રચાયા બાદ તેમણે ૧૫ મિનિટનું પણ વેકેશન લીધું નથી.
૨૧મી સદી ભારતની છે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને સૌથી યુવાન દેશનું સંમિશ્રણ છે માટે તેની વિકાસની સંભાવનાઓ પણ અમાપ છે. તેના સામર્થ્યને આજે અમેરિકાએ પણ સ્વીકાર્યું છે કે, ૨૧મી સદી ભારતની છે.
મોદીનું સ્ટેજ દર ૧૫ મિનિટે ૩૬૦ ડિગ્રી ફરતું હતું
મેડિસન સ્ક્વેરમાં મોદી માટે ૬ ફૂટ વ્યાસનું એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, જે દર ૧૫ મિનિટના અંતરાલે ૩૬૦ ડિગ્રી ફરતું રહેતું હતું. આ સાથે જ ન્યૂયોર્કના સુપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદીના ભાષણને લાઇવ બતાવવામાં આવ્યું હતું. મોદીના સન્માન સમારંભમાં એક ગવર્નર અને ૪૫ સાંસદએ ભાગ લીધો હતો. મોદીએ જાહેરાત કરી કે અમદાવાદમાં આ વખતનો ભારતીય દિવસ ઉજવવાશે.
NRI ગંગાની સફાઈમાં યોગદાન આપે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડેમોક્રેસી, ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને ડિમાન્ડ આ ત્રણેય વસ્તુઓ દુનિયામાં ફક્ત ભારત પાસે જ છે. ભારતે ગંગા શુદ્ધિકરણ અને સ્વચ્છતા અભિયાન છેડયું છે. ગંગાની સફાઇ માટે તમે પણ યોગદાન આપો.
પ્રવાસન હેતુ માટે વિઝા ઓન અરાઇવલની જાહેરાત
મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વિઝા ધરાવનાર લોકોને લાઇફ લોંગ વિઝા આપવામાં આવશે. જે લોકો લાંબા સમયથી ભારતમાં રહે છે તેમને વારંવાર પોલીસ સ્ટેશનોમાં જવાની જરૃર નહીં રહે. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન (પીઆઇઓ) અને ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વચ્ચેના તફાવતને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકોને ભારતીય મૂળની પત્ની નથી ધરાવતા તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે મોદીએ પીઆઇઓ અને ઓસીઆઈ સ્કીમને એક કરી દેવાની જાહેરાત કરી હતી. અમેરિકન નાગરિકોને લાંબા સમયના વિઝા આપવાની અને વિઝા ઓન અરાઇવલની સાથે જ એનઆરઆઈઓ માટે ટૂંક સમયમાં જ એક નવી સ્કીમની જાહેરાત કરવાની વાત પણ કરી હતી.
સેન્ટ્રલ પાર્કમાં વિશ્વશાંતિની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક ખાતે રોક સમારંભમાં વિશ્વશાંતિ માટે આહ્વાન કર્યું હતું. મોદીએ પાંચથી સાત મિનિટ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. સમાપ્તિ મોદીએ સંસ્કૃતના શ્લોક સાથે કરી હતી.૧૫મી ઓગસ્ટેના રોજ લાલ કિલ્લા પરથી આપેલાં ભાષણમાં કરેલા સફાઇનાં આહ્વાનનો વડા પ્રધાને ન્યૂયોર્કમાં પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે યુવાશક્તિ વિશ્વને બદલી નાખશે. વિશ્વભરમાં સ્વચ્છતા અને ગરીબી ઉન્મૂલન માટે અભિયાન ચલાવી રહેલાં સંગઠન ગ્લોબલ સિટિઝનના કાર્યકરોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ન્યૂયોર્કવાસીઓ તમે કેમ છો... ટેલિવિઝન, સ્માર્ટફોન,ટેબ્લેટ અને લેપટોપ પર કાર્યક્રમ જોઇ રહેલાં લોકોને નમસ્તેનું અભિવાદન કર્યું હતું.
મેડિસન સ્ક્વેર ખાતે પત્રકાર રાજદીપ સરદેસાઈ પર હુમલો
મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે નરેન્દ્ર મોદીનાં ભાષણ પહેલાં કેટલાક મોદીસમર્થકોએ ભારતીય પત્રકાર રાજદીપ સરદેસાઈ પર હુમલો કર્યો હતો. એમ માનવામાં આવે છે કે કેટલાક મોદીસમર્થકો સાથે ચડભડ થયા બાદ ધક્કામુક્કીની નોબત આવી હતી. રાજદીપે જણાવ્યું હતું કે મેડિસન સ્ક્વેર ખાતે કેટલાક મૂર્ખો પણ હતાં.

No comments:

Post a Comment