Wednesday, September 10, 2014

પ્રવચન એક સીમાચિહ્ન

શિકાગો પ્રવચન - પ્રવચન એક સીમાચિહ્ન

01.jpgસપ્ટેમ્બર મહિનાની 11મી તારીખ સમગ્ર ભારતવર્ષ માટે એક વિશેષ અને ઐતિહાસિક દિન છે. 1893ના આ દિવસે સ્વામી વિવેકાનંદ નામના એક નર-કેસરીએ પોતાના નાનકડા પ્રવચનમાં કરેલી સિંહગર્જનાથી ભારતવર્ષ અને હિન્દુત્વનો સમગ્ર વિશ્ર્વમાં ડંકો વાગી ગયો.
શિકાગો ખાતે ભરાયેલી વિશ્ર્વધર્મ પરિષદમાં ત્યાંની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ‘હાલ આફ કોલંબસ’ તરીકે ઓળખાતા સભાખંડમાં સો ફૂટ લાંબી અને પંદર ફૂટ પહોળી વ્યાસપીઠ પર બેઠેલા વિશ્ર્વમાંથી આવેલા અનેક ધર્મના પ્રતિનિધિઓથી જે વાતાવરણ બનેલું તે અવર્ણનીય છે. સ્વામીજીનો વેશ જોઈને પ્રમુખશ્રીને પણ તેમના વક્તવ્ય અંગે શંકાઓ હતી. આખરે તેમનું નામ બોલાયું. પછીનું વર્ણન કરતાં સ્વામીજીએ જ કહેલું કે ‘મારું હૃદય ધ્રૂજી ઊઠ્યું અને જીભ લગભગ સુકાઈ ગઈ.’ આગળ આવતાંની સાથે જ તેમની અંદર જાણે કે એક મહાન શક્તિ જાગી ઊઠી. સ્વામીજીનો ચહેરો દેદીપ્યમાન થઈ ઊઠ્યો. દ્ષ્ટિના એક સપાટામાં આખા પ્રેક્ષક સમુદાયને આંખોમાં સમાવી દીધો. સહેજ નેત્રો મિંચાયાં ત્યાં શ્રી રામકૃષ્ણનું જ્યોતિર્મય સ્વરૂપ દેખાયું અને મનમાં સરસ્વતીનું સ્મરણ કરીને સ્વામીજી બોલ્યા, ‘અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો’ ...પશ્ર્ચિમની પ્રજાએ આવું ઉદ્બોધન કદી સાંભળ્યું ન હતું. કાન બહેર મારી જાય એવો તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલુ રહ્યો. પછી તો શબ્દ આપોઆપ પ્રગટ થતા ગયા... શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા, આસપાસનું વાતાવરણ ભૂલી ગયા.
તેમના ઐતિહાસિક પ્રવચનમાં તેમણે કહેલી કેટલીક વાતોને અહીં રજૂ કરીશું. તેમનું સમગ્ર વ્યાખ્યાન સહજપ્રાપ્ય બની શકશે. તેમણે કહેલું કે ‘સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું.’ આગળ તેમણે ઉમેર્યું કે ‘જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્ર્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્ર્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા ધર્મ તરીકે સ્વીકારીએ છીએ.’ ...સંસ્કૃત જેમના આત્માની ભાષા હતી તેવા સ્વામીજી તેમના પ્રવચનમાં સંસ્કૃતના બે શ્ર્લોકોનો (શિવમહિમ્ન સ્તોત્ર અને ગીતા) ઉલ્લેખ ભૂલી શક્યા નહીં.
પ્રવચન એક સીમાચિહ્ન
  • 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે હિન્દુધર્મ અને ભારત વિશે અધૂરી, અધકચરી સમજ ધરાવનારા કે અજ્ઞાન ધરાવનારા સૌ લોકોના મન પર ભારતની મહાનતા સ્થાપી તેથી તે દિગ્વિજય દિન કહેવાય છે.
  • પ્રવચનના ચાર દિવસ પહેલાં સ્વામીજી અનિશ્ર્ચિતતા, પીડા અને યાતનામાં સબડતા હતા. તેમનું પ્રવચન વિધિની એક યોજના જ હતી.
  • તેમનું પ્રવચન સાંભળીને વિશ્ર્વ એક સુખદ આંચકો પામીને અવાક બની ગયું.
  • તે સમયે સ્વામીજીની આંખો અને ચહેરા પરનું તેજ, તેમની અસ્ખલિત વાણી, તેમનો આત્મવિશ્ર્વાસ, તેમનો પ્રભાવ, તેમનું સંમોહન... એ બધાંનું વર્ણન, સભામાં બેઠેલા અસંખ્ય લોકોએ જુદી જુદી  રીતે કર્યંુ.
  • બીજા દિવસે છાપાંઓએ સ્વામીજી પર આફરિન થઈને પ્રશંસાનાં પુષ્પો વેર્યાં. તેમના ભાષણને ‘સર્વશ્રેષ્ઠ’ કહ્યું.
  • એક ભારતીય અથવા હિન્દુ સંન્યાસી તરીકેની પહેચાન સાથે તેઓ મંચ પર બિરાજમાન હતા. એક ભારતીય, ભારતીય તરીકે પ્રગટ થાય ત્યારે વિશ્ર્વને કઈ રીતે પ્રભાવિત કરી શકે તેનો સ્વામીજી શ્રેષ્ઠ આદર્શ છે.
  • તે વ્યાખ્યાનના તરંગો 120 વર્ષો પછી આજે પણ આ ભૂમિ પર પ્રવર્તમાન છે અને તેટલી જ તાજગીભરી અસર સૌના હૃદય પર કરે છે.
  • હિન્દુ ધર્મ શું છે ? ભારત શું છે ? તેની મહાનતા અને ભૂમિકા શું છે તેનો પરિચય પોતાના નાનકડા પ્રવચન થકી વિશ્ર્વને તો તેમણે કરાવ્યો, પરંતુ ઘરઆંગણે ભારતવાસીઓને પણ પુન: કરાવ્યો. મુસ્લિમો અને અંગ્રેજોના આક્રમણ પછી પોતાની અસ્મિતા ભૂલીને નિર્માલ્ય બનેલ ભારતીય પ્રજા માટે પણ સ્વામીજીનું જીવન અને પ્રવચન નવજીવન આપ્નારું બની ગયું.                

વર્તમાન સંદર્ભ
અનેક ગ્રંથો અને વિદ્વાનો ભારતનો પરિચય આપે તેવો સચોટ પરિચય સ્વામીજીના શિકાગો પ્રવચનમાંથી મળે છે. તેમના તમામ શબ્દો આજે પણ સાચા છે. આ પ્રવચન સાચા ભારતની પહેચાન છે. આ પ્રવચન જેણે વાંચ્યું નથી તે સાચો ભારતીય નથી.

No comments:

Post a Comment