Tuesday, September 9, 2014

દેશમાં સૌ કોઈ બોલે  હા, આ હિન્દુરાષ્ટ્ર છે


ગોવાના નાયબ મુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિસોઝાએ તા. 25/7/2014ના રોજ કહ્યું કે, ‘‘આ હિન્દુરાષ્ટ્ર છે જ. હિન્દુસ્તાનમાં રહેનારા બધા લોકો હિન્દુ છે અને હું પણ ખ્રિસ્તી હિન્દુ છું.’’ આ વાત સમાચાર જગતમાં વહેતી થઈ ગઈ.
અને તે પછી તા. 11/8/2014ના રોજ રા.સ્વ.સંઘના વડા મોહનજી ભાગવતે ભુવનેશ્ર્વરમાં એક કાર્યક્રમમાં કહ્યું, ‘‘જો ઈંગ્લેન્ડમાં રહેનારા તમામ લોકો અંગ્રેજ કહેવાય, અમેરિકામાં રહેનાર અમેરિકન કહેવાય, જર્મનીમાં રહેનાર જર્મન કહેવાય તો પછી હિન્દુસ્તાનમાં રહેનાર તમામ લોકોને હિન્દુ કેમ ન કહેવાય? તમામ લોકોની સાંસ્કૃતિક ઓળખ એક જ છે. દેશમાં રહેનારા તમામ લોકો આ મહાન સંસ્કૃતિના વારસદારો છે. કોઈ પણ ધર્મમાં માનતા હોય કે ન હોય તેઓ સૌ હિન્દુ છે.’’

હિન્દુના નામે વંટોળ

ભાગવતજીના આ વિધાને તુલ પકડ્યું. આ પ્રકારનું વિધાન સંઘના વરિષ્ઠ અધિકારીએ કંઈ પહેલીવાર નથી કર્યંુ. સંઘના સ્થાપ્નાકાળથી જેટલા સરસંઘચાલક થયા, તે સૌ આ જ વાત કરતા આવ્યા છે, પણ આ વખતે ભાજપા સરકાર કેન્દ્રમાં હોવાને કારણે વરાળમાંથી વંટોળ બનાવી દીધો, પરંતુ ભાગવતજીએ જે વાત કરી તે કોઈ પણ કસોટીમાં સત્ય સાબિત થાય તેમ છે.
આ પ્રસંગો વાંચો અને વિચારો

સૌ પ્રથમ તો આપણે દેશ અને વિદેશના જુદા જુદા મહાનુભાવોએ આ દેશ વિશે કહેલા શબ્દોનું પુન: સ્મરણ કરવા માટે થોડા દ્ષ્ટાંતો જોઈએ.

(1) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે Hinduism is not a religion, It is a commonwealth of religions અર્થાત્ હિન્દુમાં બધા જ પંથો, સંપ્રદાયો સમાઈ જાય છે. ભારતમાં પ્રવર્તતા બધા પંથોને માટે સહિયારો ‘હિન્દુ’ શબ્દ વાપરી શકાય.
(2) વિદ્વાન અર્થશાસ્ત્રી ડૉ. જય દુભાષી કેટલાંક વર્ષો પૂર્વે ફ્રાન્સના પેરીસ શહેરના અરપાર્ટ પર ઉતર્યા. ફ્રેંચ કસ્ટમ અધિકારીએ પાસપાર્ટ જોઈને કહ્યું, ‘‘તમે હિન્દુ છો?’’ દુભાષીએ ઉત્તર આપ્યો, ‘‘હું ઈન્ડિયન છું.’’ ફ્રેંચ અફસર તેમની સામુ જોઈ રહ્યો અને બોલ્યો, ‘‘હા, પણ તમે હિન્દુ છો.’’ કહી પાસપાર્ટ પર સ્ટેમ્પ મારી દીધો. પછી દુભાષીને ખબર પડી કે ફ્રેંચ ભાષામાં ભારતીય માટે Indian નામનો શબ્દ જ નથી. જે શબ્દ છે તે ‘હિન્દુ’ છે. ઈન્ડિયન અને હિન્દુ વચ્ચેનો ફરક ફ્રેંચ ભાષામાં ખાસ છે જ નહીં. દુભાષી લખે છે કે એ પછી હું ઘણીવાર ફ્રાન્સ ગયો છું અને મેં મારી જાતને હિન્દુ તરીકે જ ઓળખાવી છે. (ચંદ્રકાન્ત બક્ષીના એક ગ્રંથમાં આ પ્રસંગ સવિસ્તર વાંચવા મળશે.)
(3) હવે એક મુસ્લિમ વિદ્વાને સાચા હૃદયથી બોલેલા શબ્દો જોઈએ. સન 1884માં લાહોરમાં ઈન્ડિયન અસોસિયેશનની સભામાં જેમને બ્રિટિશરાજે સર નો ઈલકાબ આપ્યો હતો, તેવા પ્રખર વિદ્વાન સર સૈયદ અહમદખાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘‘હિન્દુ અને મુસલમાન આ બંને જાતિઓને હું એક જ શબ્દથી સંબોધિત કરું છું અને તે શબ્દ છે ‘હિન્દુ’. જે લોકો હિન્દુસ્તાનમાં રહે છે તે બધા હિન્દુ છે.’’ સર સૈયદ અહમદે પંજાબના હિન્દુઓને સંબોધન કરતાં કહ્યું કે, ‘‘હિન્દુસ્તાન કા પ્રત્યેક નિવાસી અપ્ને કો હિન્દુ કહ સકતા હૈ, મુજે ખેદ હૈ કિ આપ લોગ મુઝે હિન્દુ ક્યોં નહીં કહતે? (આ માહિતી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના પુસ્તક ‘ખંડિત ભારત’માં આપેલી છે. વાચકોને વાંચવા વિનંતી.)’’
(4) સુપ્રિમ કોર્ટના એક સમયના જજ મહંમદ કરીમ ચાગલાએ ખૂબ સ્પષ્ટ શબ્દોમાં પોતાની ઓળખ આપતાં કહ્યું હતું કે, "By religion I am Muslim but by nationality I am Hindu.'' ચાગલાજીએ હિન્દુને ધર્મ નહીં, પણ રાષ્ટ્રીયતા કહી છે. તેમણે કહ્યું, ""All Muslims living in this country are Hindu by race.'' ભાગવતજીએ આ જ વાત કહી છે ને?
(5) હવે એક પ્રખર સમાજવાદી નેતાના શબ્દો જોઈએ. ડૉ. રામમનોહર લોહીયા ચુસ્ત સમાજવાદી. સામાન્ય રીતે સમાજવાદી કેવા હોય છે તે સમજવા લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ સામે ધ્યાનથી જુઓ અને સાંભળો એટલે ખબર પડે કે સમાજવાદી નેતા કેવા હોય છે, પરંતુ હંમેશાં સત્ય જોવા અને બોલવા ટેવાયેલા, અનેક સમાજવાદીઓના ગુરુતુલ્ય ડૉ. રામમનોહર લોહીયાએ સન 1966માં દિલ્હી ખાતે સાવરકર સ્મારક ટ્રસ્ટની સભામાં બોલતાં કહ્યું હતું કે  તેમનો સંપ્રદાય ગમે તે હોય તો પણ ભારતમાં વસતા સૌ કોઈ હિન્દુઓ જ છે તે બાબતમાં હું સાવરકર સાથે સહમત છું.’’
(6) હવે એક પ્રખર ડાબેરી એવા પારસી સજ્જનના શબ્દો જોઈએ; શ્રી ‚સી કરંજિયા સામ્યવાદી સાપ્તાહિક Blitzમાં વર્ષો સુધી તંત્રી તરીકે કાર્યરત હતા, તેમની વિચારધારા સામ્યવાદી હતી, પરંતુ પાછલી કારકિર્દીમાં અનેક ગ્રંથોના વાચન પછી તેમની મૂળભૂત વિચારધારા જ બદલાઈ ગઈ. તેમણે નિખાલસતાપૂર્વક કહ્યું કે, ‘‘હિન્દુત્વ હી હમારી અસ્મિતા હૈ, જૈસે જૈસે મૈં વેદોં કા ગહન અધ્યયન કર રહા હૂઁ, મુજે પ્રતિત હોતા હૈ કિ ઉસમેં સંપૂર્ણ વિશ્ર્વ કા જ્ઞાન નિહિત હૈ.’’
(7) હવે એક ખ્રિસ્તી મહાનુભાવના શબ્દો સાંભળીએ. બેરિસ્ટર વી. વી. જ્હાન તામિલનાડુના એક આદરણીય ખ્રિસ્તી સજ્જન. તેઓને નિવૃત્તિ પછી ભારતીય જનસંઘ મદ્રાસ એકમના અધ્યક્ષ બનવાનું નિમંત્રણ મળેલું, તેઓ સંઘના વડા ગુરુજી ગોળવલકરને મળવા ગયા ત્યારે ગુરુજીએ હળવી પળોમાં કહ્યું કે, ‘તમને જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંબંધોની જાણકારી છે ને? ત્યારે વી. વી. જ્હાને કહ્યું, ‘‘હું પૂરતી વિચારણા કર્યા બાદ જ જનસંઘમાં જોડાયો છું અને પછી મહત્ત્વના શબ્દો બોલ્યા કે ‘‘આખરે આ હિન્દુ રાષ્ટ્ર છે, તે દેખીતી હકીકતનો સૌએ સ્વીકાર કરવો જોઈએ.’’
(8) જ્યાર્જ ફર્નાન્ડિઝ જેવા સમાજવાદી સક્યુલર નેતા 4 જાન્યુઆરી, 1991માં બનારસના પરાડ સ્મૃતિભવનમાં વ્યાખ્યાન આપવા ગયા, ત્યાં તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ‘‘આ દેશમાં ભાઈચારો કાયમ રાખવા માટે જ‚રી છે કે અહીં રહેવાવાળા મુસલમાનો, ઈસાઈ, બૌદ્ધો એ સચ્ચાઈનો સ્વીકાર કરે કે હિન્દુ તેમના પૂર્વજો છે અને હિન્દુઓ માને કે મુસલમાન અને ઈસાઈ તેમની ઔલાદ છે Muslims and christians must believe that Hindus are their anscestors and Hindus must believe that muslims and christians are their projeny.''
(9) જામા મસ્જિદના ઈમામ સૈયદ ઈમામ બુખારી જ્યારે એકવાર હજ કરવા મક્કા ગયા ત્યારે ત્યાંના નિવાસી મુસ્લિમે તેમને પૂછ્યું, ‘ક્યા આપ હિન્દુ હૈ?’ બુખારીએ જવાબ આપ્યો ‘નહીં, મેં મુસલમાન હું.’ પછી બુખારીએ સામેથી પૂછ્યું ‘આપ્ને મુજે હિન્દુ કયોં કહા? તો નિવાસીએ જવાબ આપ્યો કે હિન્દુસ્તાનથી જે આવે છે તે હિન્દુ છે.’
- યાદ રાખો કે મહાત્મા ગાંધીએ આઝાદ ભારત માટે રામરાજ્ય શબ્દ વાપર્યો હતો. ભાગવતજી આ દેશને રામરાજ્ય કહે તો?
- નેતાજી સુભાષચંદ્ર બોઝે ‘જયહિન્દ’નો નારો આપ્યો હતો. દરેક વડાપ્રધાન લાલ કિલ્લા પરથી કરેલા ભાષણના અંતે જયહિન્દ બોલે છે. અમે પૂછીએ છીએ આ ‘હિન્દ’ એટલે શું? શું માત્ર સનાતનીઓનો કે દેશના તમામ લોકોનો?
- કવિ ઈકબાલે દેશભક્તિનું ગીત રચ્યું હતું. ‘‘સારે જહાઁ સે અચ્છા, હિન્દોસ્તાઁ હમારા.’’ આ હિન્દોસ્તાઁ એટલે શું? આ હિન્દોસ્તાઁમાં માત્ર હિન્દુઓ જ આવે કે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ વગેરે બધા આવે? જો આવતા હોય તો આ દેશમાં હિન્દુ શબ્દ માટે આટલો અપપ્રચાર કેમ ?
- પાકિસ્તાનના પ્રત્યેક મુસ્લિમ વડાપ્રધાન આ દેશ માટે ‘હિન્દુસ્તાન’ શબ્દ વાપરે છે. હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તેમના મનમાં શું માત્ર સનાતનીઓ જ છે કે બધા જ ધર્મ વંશના લોકો? જવાબ સાવ સ્પષ્ટ છે.
- થોડા વર્ષો પહેલાં આ દેશમાં આલ ઇન્ડિયા મુસ્લિમ કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સ કટ્ટરતાવાદી મુસ્લિમો દ્વારા યોજાઈ હતી. પણ આ કોન્ફરન્સનું નામ તેમણે શું રાખ્યું હતુ ખબર છે? નામ રાખ્યું Muslims Hindustani Sammelan. આ નામમાં હિન્દુસ્તાની શબ્દ રાખવાનું પ્રયોજન શું હશે?
- આપણા દેશની કોંગ્રેસની સરકારે ઉદ્યોગગૃહોના કેટલાક નામ આપ્યાં છે તે જુઓ
- હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ
- હિન્દુસ્તાન મશીન ટુલ્સ
- હિન્દુસ્તાન એરોનેટિક
- હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ...
...શું આ બધી કંપ્નીઓ માત્ર સનાતની હિન્દુઓની પ્રતિનિધિ છે કંપ્નીઓના આ નામ રાખનાર પંથનિરપેક્ષ નેતાઓના મનમાં હિન્દુસ્તાન શબ્દ વિષે કયા પ્રકારની સમજણ હશે?

...તો હિન્દુ કોને કહેવાય?

પ્રશ્ર્ન એ થાય છે કે આ બધી વૈચારિક ગરબડ શી રીતે થઈ? કોણે કરી? હિન્દુ વિશેની સાવ સ્પષ્ટ સમજણને ગુંચવી દેવામાં કેમ આવી?
ઉત્તર એ છે કે હિન્દુને ધાર્મિક પંથ સાથે જોડી દેવાની કુટિલ ચાલને કારણે આવું બન્યું છે. સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે ઇસ્લામ, ખ્રિસ્ત, જૈન, બૌદ્ધ, યહુદી, શૈવ, વૈષ્ણવ, શાકત, શીખ, વીરશૈવ આ બધા પંથો  (Religions) છે. જેમના (1) કોઈ ચોક્કસ સ્થાપક છે. (2) કોઈ ચોક્કસ ધર્મપુસ્તક કે ધર્મગ્રંથ છે (3) ચોક્કસ પ્રકારની ધાર્મિક વિધિ છે તે બધા પંથ કહેવાય.
હિન્દુ શબ્દ પંથવાચક નથી. હિન્દુ અને ઇસ્લામ બેઉની ક્યારેય સરખામણી કરી શકાય નહીં. કારણ કે ઇસ્લામ એ ઉપાસના પદ્ધતિ દર્શાવતો શબ્દ છે, જ્યારે હિન્દુ એ રાષ્ટ્રવાચક શબ્દ છે. રામ, કૃષ્ણ આદિ દેવદેવીઓમાં માનનારને વૈદિકધર્મી અથવા સનાતન ધર્મી કહી શકાય. પણ કોઈ એવી વ્યક્તિ છે જે કોઈ ઈશ્ર્વર અથવા પૂજાપદ્ધતિમાં શ્રદ્ધા ધરાવતી નથી તે વ્યક્તિને સનાતની ન કહી શકાય પણ હિન્દુ તો અવશ્ય કહી શકાય. હિન્દુમાં બધા જ પ્રકારની શ્રદ્ધા ધરાવતા લોકો સમાવિષ્ટ છે, કારણ કે હિંદુ શબ્દને રાષ્ટ્રજીવન સાથે સંબંધ છે. ચોક્કસ ઈશ્ર્વર કે પૂજાપદ્ધતિ સાથે નહીં. તેથી આ દેશના મુસ્લિમો, ખ્રિસ્તી, બૌદ્ધો, નાસ્તિકો પોતાની જાતને હિંદુ તરીકે ઓળખાવે તે જ યોગ્ય છે.

‘હિન્દુ’ વિશે સર્વોચ્ચ
અદાલતનું અર્થઘટન

‘હિન્દુ’ વિશે ભારતની સર્વોચ્ચ અદાલતે 1996માં પ્રસિદ્ધ ચુકાદો આપતાં કહ્યું છે કે હિન્દુ એ કોઈ ધાર્મિક પંથ નથી. જેમ ઇસ્લામ ખ્રિસ્ત છે તેમ. હિન્દુ એ તો એક જીવનપદ્ધતિ છે It is the way of life. એ દ્ષ્ટિએ જોઈએ તો આ દેશમાં હજારો વર્ષોથી જે જીવનપદ્ધતિ વિકસી છે તે જીવનપદ્ધતિ હિન્દુ જીવનપદ્ધતિ છે. એટલે અહીં રહેતો મુસલમાન, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી સૌ કોઈ હિન્દુ છે.

આપણા દેશનું સૌથી પ્રાચીન
નામ શું છે?

આપણો દેશ વિવિધ નામોથી ઓળખાતો આવ્યો છે - (1) બ્રાવર્ત (2) આર્યાવર્ત (3) ભારતવર્ષ (4) સપ્તસિંધુ અથવા હિંદુસ્થાન (5) અને ઇન્ડિયા. આ પાંચેય નામોમાં આપણું સૌથી પ્રાચીન નામ કયું? તો ઉત્તર મળે છે સપ્તસિંધુ એ આપણા રાષ્ટ્ર માટેનું સૌથી જૂનુ નામ છે. ઋગ્વેદમાં આપણા રાષ્ટ્ર માટે ‘સપ્તસિંધુ’ શબ્દ પ્રયોજાયો છે. આ સિંધુ શબ્દ પરથી આજનો બદલાયેલો પ્રાકૃત શબ્દ ‘હિન્દુ’ પ્રચલિત થયો. પારસીઓના ધર્મગ્રંથ ‘શાતીર’માં આ દેશને હપ્ત-હિન્દવ કહ્યો છે. 2400 વર્ષ પહેલાં પર્સીપોલીના મેદાનમાં રાજા દરાયસના શિલાલેખમાં આપણા માટે ‘હિન્દુ’ શબ્દ કોતરાયો છે. પર્શીયનો અને યવનો સ ને બદલે હ બોલતા હોવાથી સિંધુનું નામ હિન્દુ બોલવાનું શ‚ થયું આમ આપણા દેશને હિન્દુ દેશ તરીકે ઓળખવાનું શ‚ થયું.

આટલું ધ્યાનથી સમજો

આર્યાવર્તનો આર્ય શબ્દ ગુણવાચક છે. વૈદિક શબ્દ ધર્મવાચક છે. ભરતખંડ કે ભારતવર્ષ શબ્દ સીમાદર્શક અને વ્યક્તિનો નિર્દેશ કરતો શબ્દ છે. ઇન્ડિયા શબ્દ અંગ્રેજોએ આપ્યો છે. જ્યારે ‘હિન્દુ’ શબ્દ સંસ્કૃતિદર્શક રાષ્ટ્રવાચક શબ્દ છે. ભાગલા પછી પાકિસ્તાનમાં લોકો ગયા તે પોતાને ભારતીય નહીં કહી શકે પણ હિન્દુ તો અવશ્ય કહી શકશે.
પ્રારંભમાં આપણા દેશનું નામ સપ્તસિંધુ અર્થાત્ હિન્દુ દેશ હતું પણ સમય જતાં આ દેશ હિન્દુ દેશને બદલે આર્યાવર્ત, બ્રાવર્ત અને પછી ભારતવર્ષ તરીકે ઓળખાવા લાગ્યો. આમ આપણા દેશનાં નામ બદલાવા લાગ્યાં. આ દરમિયાન આપણા દેશનું ‘હિન્દુ’ નામ ભુલાવા લાગ્યું. પરંતુ વિદેશીઓએ તો ‘હિન્દુ’ નામ જ યાદ રાખ્યું. જ્યારે શક, હુણ, કુષાણ અને ઇસ્લામના આક્રમણો શ‚ થયાં ત્યારે ફરી પાછું આ હિન્દુ નામ ચમકી ઉઠ્યું. વિદેશી આક્રમકો સામે સંઘર્ષ કરતાં કરતાં ફરી આપણી ‘હિન્દુ’ તરીકેની ઓળખ તરોતાજા બની ગઈ. એટલા જ માટે આપણા દેશના સૌથી પ્રાચીન વેદકાલીન ‘હિન્દુ’ નામ માટે અવશ્ય આપણે સૌએ ગૌરવ લેવાની ઘડી આવી ગઈ છે.

વિદેશીઓ પોતાની રાષ્ટ્રીયતા
માટે શું કહે છે?

(1) બ્રિટનના વડાપ્રધાન કેમ‚ને આક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં છપાયેલ બાઈબલની 400મી વર્ષગાંઠે પ્રવચન કરતાં બેધડક કહ્યું કે બ્રિટન એ ક્રિશ્ર્ચિયન દેશ છે અને તે બાઈબલે શીખવેલી નૈતિકશક્તિ (moral power)ને કારણે છે. આમ બાઈબલ બ્રિટનના જીવનનો આધાર છે એમ ખુલ્લી રીતે કેમ‚ને કહ્યું. જ્યારે આપણા દેશના વડાપ્રધાન જાપાનના વડાપ્રધાનને ‘ગીતા’ ભેટમાં આપે છે તો બવંડર જાગે છે. બ્રિટનમાં 15% લોકો ખ્રિસ્તીધર્મી નથી, 25% લોકો એંગ્લીકન ખ્રિસ્તી નથી તો પણ કેમ‚ને બિન્ધાસ્ત કહ્યું કે બ્રિટન પ્રોટેસ્ટંટ ક્રિશ્ર્ચિયન દેશ છે.
(2) 2001માં અમેરિકામાં ટ્વીન ટાવરનો ભુક્કો બોલાવી દેનાર મુસ્લિમ આતંકવાદીઓના ભયાનક કૃત્ય પછી અમેરિકન લેખક હટીંગ્ટને Who are we? નામનું પુસ્તક લખ્યું. તેમણે અમેરિકન પ્રજાને પ્રશ્ર્ન પૂછ્યો કે આપણે અમેરિકનો કોણ છીએ? આપણી ઓળખ કઈ? હટીંગ્ટન  એના જવાબમાં કહે છે કે We are anglo-sexon, english speaking christiansછીએ. તેમણે બેધડક કહી દીધું કે અમે અંગ્રેજી બોલનાર અગ્લો-સેક્સન ક્રિશ્ર્ચિયન છીએ. અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગને 1983નું વર્ષ બાઈબલ વર્ષ તરીકે ઘોષિત કરેલુ અને એના માટે રીગન સરકારે ભારે મોટુ સરકારી બજેટ મંજૂર કરેલું. આપણા દેશમાં સરકાર ગીતાવર્ષ ઉજવે તો?
(3) જર્મની પોતાની રાષ્ટ્રીય ઓળખ માટે સાવચેત થયું હોય તેવું લાગે છે. જર્મનીમાં અનેક દેશોના લોકો આવવાથી જર્મનીની ઓળખ ઉપર ખતરો ઊભો થયો છે તેવું જર્મનોને લાગી રહ્યું છે. હવે જર્મન નેતાઓ બોલવા લાગ્યા છે કે અમે જર્મન સંસ્કૃતિ, જર્મન ઓળખ અને જર્મન મૂલ્યોના આગ્રહી છીએ. વર્તમાન સમયમાં ઊભી થયેલી સાંસ્કૃતિક બહુલતા cultural plurality અમને મંજૂર નથી.
(4) ઇન્ડોનેશિયા અગાઉ વૈદિકધર્મી દેશ હતો પણ ઇસ્લામના આક્રમણને કારણે ત્યાંના લોકોએ ઇસ્લામ સ્વીકારી લીધો પણ પોતાના પૂર્વજો અને સંસ્કૃતિ સાથેનો સંબંધ યથાવત્ રાખ્યો. આ મુસ્લિમધર્મી દેશમાં ઘેરઘેર રામાયણ વંચાય છે. ઇન્ડોનેશિયાના રાજદૂત એક વાર ભારત આવ્યા. તેમની એક પુત્રીનું નામ લક્ષ્મી અને બીજાનું નામ મેઘાવતી. આ રાજદૂતને મળવા દિલ્હીના મુલ્લા મૌલવીઓ આવ્યા. દીકરીઓના હિન્દુ નામ સાંભળી થોડીક કડવાશ પણ વ્યક્ત કરી તો રાજદૂતે જવાબ આપ્યો. ...Due to some circumstances we have changed our religion but we have not changed our forefathers. અર્થાત્ વિશેષ પરિસ્થિતિમાં અમે અમારો મઝહબ બદલ્યો છે પણ અમે અમારા પૂર્વજો, પરંપરા બદલ્યાં નથી. મુસ્લિમધર્મી ઇન્ડોનેશિયાવાસીઓએ પોતાની ઓળખ યથાવત રાખી. શું ભારતના મુસ્લિમો પણ આવું વલણ ન લઈ શકે? અને પોતાને હિન્દુ તરીકે ન ઓળખાવી શકે?

જરા પડોશી દેશો તરફ પણ જુઓ

ભારતના નકશા તરફ જરા નજર કરો. ભારતની આસપાસના દેશોની શી ઓળખ છે? 1974ના સંવિધાનમાં જાહેર કરવામાં આવ્યું કે શ્રીલંકા લોકશાહી-સમાજવાદી સિંહલ બૌદ્ધ દેશ રહેશે. જોકે શ્રીલંકામાં સિંહાલીઓ 74% છે. તમિળો 18% છે તો પણ શ્રીલંકામાં બૌદ્ધધર્મ રાજ્યધર્મ છે. અફઘાનિસ્તાનમાં ડાબેરી ઝોકવાળી સરકાર (રશિયા તરફી) હતી ત્યારે પણ તેના બંધારણમાં ઇસ્લામિક શબ્દ ઉમેરવામાં આવ્યો. નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. પાકિસ્તાન અને મલેશિયાનો રાજ્યધર્મ ઇસ્લામ છે. બ્રદેશનો રાજ્યધર્મ બૌદ્ધ છે. થાઈલેન્ડ અને સિયામમાં બૌદ્ધ રાજાશાહી છે. બ્રદેશમાં ધાર્મિક વિભાગના અલગ મીનિસ્ટર છે. 1972માં પાકિસ્તાનના બંધારણમાંથી ‘સેક્યુલર’ શબ્દ ઝીયા-ઉર-હક્કે કાઢી નાખ્યો. આ છે આપણા દેશની આજુબાજુના દેશોની સ્થિતિ. આ બધાથી આપણો દેશ અલગ પડે છે...
ભારત સિવાયના અનેક દેશોએ ધર્મ આધારિત રાષ્ટ્રીયતાને પોતાની ઓળખ બનાવી છે પણ હિન્દુસ્તાન જ એવો દેશ છે જેણે કોઈ ચોક્કસ ઉપાસના પદ્ધતિ નહીં પણ રાષ્ટ્રીય પરંપરા, મૂલ્યો, ઇતિહાસ અને સમાન જીવનશૈલીને રાષ્ટ્રીયતાનો આધાર બનાવી છે આ અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સમગ્ર વિશ્ર્વે ભારતે પાસેથી આ વાત શીખવી પડશે. પણ સૌથી મોટો યક્ષપ્રશ્ર્ન એ છે કે પ્રાચીન ભારતના આ વૈચારિક વારસાને વર્તમાન ભારત સર્વસહમતીથી સ્વીકારે છે ખરો?
આજે યુરોપ્ના યુવાનો પુછે છે કે...
આજે અમેરિકા અને યુરોપ્ની યુનિવર્સિટીઓના ગોરા વિદ્યાર્થીઓ તેમના પ્રોફેસરોને પ્રશ્ર્નો પૂછે છે કે આપણો ઇતિહાસ શું માત્ર 2000 વર્ષ જ જૂનો છે? અમને ઈશુના જન્મથી જ શ‚ થતો ઇતિહાસ કેમ ભણાવાય છે? ઈશુ પહેલાંનો આપણો ઇતિહાસ શો હતો અમે તે જાણવા માગીએ છીએ. શું ભારતના મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણ એવું ન પૂછી શકે કે અમારા પૂર્વજોએ ઇસ્લામ સ્વીકાર્યો તે પહેલાંનો અમારો ઇતિહાસ શો હતો? સંઘના વડા શ્રી ગુરુજીએ કહેલું કે ભારતના મુસલમાનોનો ઇતિહાસ મહંમદ ગીઝનીથી શ‚ થતો નથી, તેમનો ઇતિહાસ ગીઝની પહેલાં થયેલા તેમના પૂર્વજો સાથે પણ જોડાયેલો છે.
ઈસાના આગમનની તિથિને સંસ્કૃતિનું આરંભબિંદુ ગણવું હવે અમેરિકા-યુરોપ્ના બુદ્ધિજીવીઓને ભારે પડી રહ્યું છે. પશ્ર્ચિમની નવી પેઢી હવે પોતાનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માગે છે. આપણા દેશના ધર્મપરિવર્તિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓની આધુનિક પેઢી પણ યુરોપિયન યુવાનોની માફક શું પ્રશ્ર્ન ન પૂછી શકે કે ઇસ્લામ અને ખ્રિસ્તી સંપ્રદાયમાં અમારા પૂર્વજોનો પ્રવેશ થયો તે પહેલાંનો અમારો ઇતિહાસ શો હતો?
જો આમ થાય તો આ નવી પેઢીને પોતાના સંપૂર્ણ ઇતિહાસની ખબર પડે અને તેઓ અવશ્ય ગૌરવપૂર્વક પોતાની જાતને ફ્રાન્સિસ ડિસોઝાની માફક મુસ્લિમ-હિન્દુ કે ખ્રિસ્તી-હિન્દુ કહેતાં ક્યારેય ખચકાશે નહીં.

No comments:

Post a Comment