Wednesday, September 24, 2014

નવરાત્રીમાં યોજાતી એક વિશિષ્ટ પરંપરા

નવરાત્રીમાં યોજાતી એક વિશિષ્ટ પરંપરા  લીલાપુરની ભવાઈ


08.jpgગુજરાતની લોકસંસ્કૃતિમાં ભવાઈ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભવાઈના પિતામહ ગણાતા અસાઈત ઠાકરે ભવાઈના 365 જેટલા વેશ રચ્યા છે. જે અનેક રીતે તેના વિશિષ્ટ તત્ત્વો ધરાવે છે. આજે પણ રાજ્યમાં અનેક સ્થળે ભવાઈના વેશ ભજવાય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે ભજવાતી ભવાઈ એક વિશિષ્ટ અને આગવી પરંપરા ધરાવે છે. લીલાપુરમાં ભજવાતી ભવાઈની શરૂઆત એક સદી પહેલાં થઈ. બન્યું એવું કે ત્યાંના બ્રાણો શ્રી રવિશંકર મહેતા, શ્રી કાળીદાસ રાવલ અને શ્રી કેશવલાલ જાની કાંઝ ગામે ગયેલા. ત્યાં ચૈત્રમાસમાં ભવાઈ ભજવાય. ત્યાંની ભવાઈ જોઈ લીલાપુરના બ્રાણોને પોતાના ગામમાં પણ આવી ભવાઈ ભજવાવી જોઈએ એમ થયું. એ બધાએ પોતાની ઇચ્છા શ્રી ભાઈશંકર લાલજી મહેતાને જણાવી. તેમણે પ્રસ્તાવ વધાવી લીધો. આમ, માતાજીની ભક્તિની શ્રદ્ધામાંથી જન્મેલી એક ઇચ્છા આજે ‘એક સદીથી એક પરંપરા’ બની ગયેલ છે.
લીલાપુરમાં ભવાઈ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ સાતમ, આઠમ અને નોમ દરમિયાન ભજવાય છે, પણ તે માટેની તૈયારી તો જળઝીલણી એકાદશી - ભાદરવા સુદ અગિયારસના રોજ માતાજીને કંકોત્રી લખીને કરવામાં આવે છે. જળઝીલણી એકાદશીને દિવસે લખાતી કંકોત્રી દ્વારા નવરાત્રીમાં થનાર ભવાઈમાં પધારવા માતાજીને આમંત્રણ અપાય છે.
આસો મહિનાની સાતમના દિવસે એટલે કે સાતમા નોરતાની સાંજે બે-ત્રણ બ્રાણો માતાજીને લેવા માટે મંગળદીવેથી ભવાઈની સાખીઓ બોલ્યા પછી ગરબી ગાતાં ગાતાં ગામને પાદર જાય છે. ત્યાર બાદ બ્રાણો સાથે અન્ય લોકો તેમની પાછળ સાઝ સાથે માતાજીને તથા માતાજીને લેવા ગયેલ બ્રાણોને લેવા માટે જાય છે. વાજતેગાજતે સૌ માતાજીને ચોકમાં લઈ આવે છે. ચોકમાં આવ્યા બાદ બે બ્રાણો માતાજીનો પડ સાધે પડ જગાડે છે. (ભૂમિ પૂજન કરે છે) ઉપરાંત ભવાઈ - રમનારને ઈજા ન થાય અને માતાજી એમનું રક્ષણ કરે એ માટે પણ પડ બંધાય છે. ત્યાર બાદ સાયંકાળની આરતી થાય છે. આરતી બાદ માતાજીની મંગળ દીવાએ - નક્કી કરેલ સ્થાને સ્થાપ્ના થાય છે. માતાજીની સ્થાપ્ના બાદ સાખી બોલાય છે અને ઘીની જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે વિનંતી કરવામાં આવે છે કે, ભવાઈ રમનાર ભાઈઓ માતાજીના પડમાં કોઈ પણ પ્રકારનો વેરભાવ મનમાં રાખશો નહીં, ને મા જગદંબાની યથાશક્તિ ભક્તિ કરશો. ઘીના દીવાની જ્યોત સાડા ત્રણ દિવસ સુધી અખંડ રાખવામાં આવે છે. દશેરાના દિવસે માતાજીનો પડ વધાવવામાં આવે છે. અહીંથી ભવાઈ રમનાર સૌ વાજતેગાજતે મંગળ દીવે જાય છે અને ત્યાં ઘૂઘરો છૂટે છે.

હવે અન્ય લોકો પણ આ ભવાઈમાં ભાગ લે છે

લીલાપુરની ભવાઈ લગભગ લીલાપુરના બ્રાણો દ્વારા જ ભજવાતી. જોકે હવે આવું રહ્યું નથી. અન્ય ભક્તો પણ ભાગ લે છે. નવરાત્રીના દિવસોમાં લીલાપુરના વતની બ્રાણો લીલાપુર આવી જાય છે.
સાતમ, આઠમ અને નોમના દિવસો દરમિયાન ભજવાતા વેશોમાં ગણપતિ, જૂઠણ, ભોઈરાજ, ભોયણ, કંસારા, ગટારામ, મુંડા, બહુચરાજી, શંકર પાર્વતી, મિયાં-બીબી - સામલિયા ને બ્રાણોના વેશો ઘણે ભાગે ભજવાય છે. આમાં ગટારામ, કંસારા, બહુચરાજી, સામલિયો, મુંડા, મિયાં-બીબીના વેશો લોકોને વધુ ગમે છે.
ભવાઈની સફળતાનો આધાર તેના સંવાદો છે. સરળ, રોજબરોજની બોલીમાં અને મર્માળા, મર્મસ્પર્શી હોય છે અને આને લીધે છે જીવંતતા આવે છે. કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે તાદાત્મ્ય સધાય છે. તેથી જ લગભગ આખી રાત ચાલતી આ ભવાઈમાં સહેજેય થાક લાગતો નથી કે રજૂઆત નિરસ બનતી નથી અને દર્શકને જકડી રાખે છે.
સ્ત્રીપાત્ર અંગે એક વિશિષ્ટ બાબત છે. જે ભાઈ સ્ત્રીનું પાત્ર લે છે તેમણે મંગળ દીવો પ્રગટાવે ત્યારથી બંગડી પહેરવી પડે. દશેરાના દિવસે ઘૂઘરા છૂટે ત્યારે જ બંગડી કઢાય. જોકે આ પ્રથા હાલ ચુસ્તપણે પળાતી નથી.
પોશાક અને સજાવટને અભિનયનું અંગ ગણવામાં આવ્યું છે. લીલાપુરની ભવાઈના વેશોના પાત્રોનો ‘આહાર્ય’ પણ પરંપરાગત છે. સ્થાનિક મંડળ આ પોશાક ધરાવે છે.
ભવાઈમાં સામાન્ય રીતે ભૂંગળ, પખવાજ, નરઘાં ઝાંઝ અને હારમોનિયમનો ઉપયોગ વાદ્ય તરીકે થાય છે.
એક સદી પહેલાં શરૂ થયેલ ભવાઈ પરંપરા આજે પણ અસ્ખલિત ચાલી રહી છે. માતાજી પ્રત્યેની ભક્તિને લઈને ઉદ્ભવેલ ભવાઈ પરંપરા આજે તો લીલાપુર ગામના ધાર્મિક અને સામાજિક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે.                     

No comments:

Post a Comment