Wednesday, September 24, 2014

હિન્દુ પરંપરામાં વર્ષમાં પાંચ નવરાત્રિની ઉજવણી

હિન્દુ પરંપરામાં વર્ષમાં પાંચ નવરાત્રિની ઉજવણી

નવરાત્રિ નવ દિવસ માટે જ ઉજવાય છે અને મા શક્તિની આરાધનાના પર્વ તરીકે ઉજવાય છે. ભારતમાં વસંત નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ, શરદ નવરાત્રિ, પૌષ નવરાત્રિ અને માઘ નવરાત્રિ એમ પાંચ નવરાત્રિની ઉજવણી કરાય છે.
વસંત નવરાત્રિ કે ચૈત્ર નવરાત્રિ

વસંત નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. વસંત નવરાત્રિ સાથે જોડાયેલી દંતકથા પ્રમાણે આ નવરાત્રિની ઉજવણીની શરૂઆત કૌસલરાજ સુદર્શને કરી હતી. રાજકુમારી શશિકલાના સ્વયંવરમાં તેણે સુદર્શનને પસંદ કર્યો અને બંનેનાં લગ્ન થઈ ગયાં તે પછી યુદ્ધજીતે તેની સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં દેવીએ સુદર્શનની તરફદારી કરી તેથી યુદ્ધજીતે તેમની મજાક ઉડાવી. દેવીએ ક્રોધે ભરાઈને યુદ્ધજીત અને તેની સેનાનો નાશ કરી દીધો હતો. તે પછી દેવીએ સુદર્શનને હવન કરી આ પ્રસંગની ઉજવણી કરવા કહ્યું. સુદર્શને ભારદ્વાજ ઋષિની મદદથી હવન કર્યો અને એ સાથે જ ચૈત્ર નવરાત્રિની ઉજવણી શરૂ થઈ. આ નવરાત્રિ ઉત્તર ભારતમાં વધારે ઉજવાય છે.

ગુપ્ત  નવરાત્રિ

ગુપ્ત નવરાત્રિ અષાઢ અથવા ગાયત્રી અથવા શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે. આ નવરાત્રિ અષાઢ માસમાં ઉજવાય છે. આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત રીતે માં શક્તિની આરાધના કરાય છે. ખાસ કરીને પ્ાૂર્વ ભારતનાં રાજ્યોમાં આ નવરાત્રિની ઉજવણી વધારે થાય છે. પ્ાૂર્વ ભારતમાં માં શક્તિને જીવનનું પ્રેરકબળ માનવામાં આવે છે અને તે કારણે તેમની ભક્તિ સૌથી વધારે થાય છે.

શરદ નવરાત્રિ

શરદ નવરાત્રિ મહાનવરાત્રિ મનાય છે કેમ કે તે સૌથી વધારે ઉજવાય છે. સૌથી વ્યાપકપણે ઉજવાતી આ શરદ નવરાત્રિ આસો માસમાં ઉજવાય છે. તેને શરદ નવરાત્રિ કહે છે, કેમ કે શરદ ઋતુ દરમિયાન તેની ઉજવણી કરાય છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે. આ નવરાત્રિ દરમિયાન ગરબા ગાવાની અદ્ભુત પરંપરા ગુજરાતમાં વિકસી. આ પરંપરા છેક અગિયારમી સદીમાં અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે. બંગાળી પરંપરામાં પણ આ દિવસો દરમિયાન દુર્ગાપૂજા થાય છે તેના કારણે પણ શરદ નવરાત્રિ વધારે પ્રચલિત છે પણ નવરાત્રિને વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં ગુજરાતીઓનો ફાળો મોટો છે.

માઘ નવરાત્રિ

એ પછી આવતી માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે. માગશર મહિનામાં ઉજવાતી આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત રીતે શક્તિની આરાધાન કરીને ઇચ્છિત ફળ મેળવી શકાય છે તેવી માન્યતા છે. સ્વાભાવિક રીતે જ આ નવરાત્રિની ઉજવણી પણ પ્ાૂર્વ ભારતનાં રાજ્યોમાં વધારે થાય છે. આ નવરાત્રિ દરમિયાન પણ નવ દિવસ સુધી જાહેરમાં ઉત્સવ મનાવવાની પરંપરા છે.

પૌષ  નવરાત્રિ

પૌષ નવરાત્રિ દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. આ નવરાત્રિ દરમિયાન પણ ઉત્સવની જેમ તેની ઉજવણી કરવાને બદલે પૂજાપાઠ કરવાનું ચલણ વધારે છે.
દરેક નવરાત્રિની પરંપરા અનોખી છે અને તેનો સમય છે તે પણ ઋતુઓને ધ્યાનમાં રાખીને જ અસ્તિત્વમાં આવ્યો છે. 

No comments:

Post a Comment