Wednesday, September 24, 2014

ગુજરાતનો ગૌરવવંતો મહોત્સવ નવરાત્રી

ગુજરાતનો ગૌરવવંતો મહોત્સવ નવરાત્રી
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
21.jpg
નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમિયાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘૂમવા ઊમટી પડે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશરની આ કાવ્યપંક્તિને અનુરૂપ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્સવની ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીઓ પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ગાંડા કરી મૂકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘૂમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.
નવરાત્રી એટલે નવ દિવસ આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિ. હિન્દુ ધર્મમાં પાંચ દેવો મુખ્ય રીતે પુજાય છે - ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્તિ મા. દરેક જીવાત્માના જીવનમાં માતાનું સ્થાન હંમેશાં ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ વધારે હોય છે. માતા એ જનની છે - બાળકનું લાલનપાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિ - તેથી જ માતાનું અનેરું સ્થાન હોવાથી હંમેશાં માતાને પહેલાં પ્રણામ કરવામાં આવે છે. ઈશ્ર્વરમાં પહેલાં માતાના સ્વરૂપ્નું નિરૂપણ કરવામાં આવે છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવત્વમેવ બંધુશ્ર્ચ સખા ત્વમેવત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ
ત્વમેવ સર્વમ્ મમ્ દેવ દેવ.

તેથી જ નવરાત્રી દરમિયાન માતાની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઊજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે, પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9  દુર્ગોત્સવ -
આસો સુદ 1 થી આસો સુદ 9
મહા સુદ 1 થી મહા સુદ 9
આ ચારેય નવરાત્રીઓમાં દેવી સંપ્રદાયવાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્ત્વ વધુ છે.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
યોગાનુયોગ આ બંને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રીરામનાં પ્રાદુર્ભાવનો દિવસ અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્રતટથી પ્રયાણ કર્યંુ હતું. 

No comments:

Post a Comment