Tuesday, September 9, 2014

જાપાન સરકાર માટે પ્રજાનું રક્ષણ અને પ્રજા માટે રાષ્ટ્રીયતા અહીં સર્વોપરી છે

જાપાન
સરકાર માટે પ્રજાનું રક્ષણ અને પ્રજા માટે રાષ્ટ્રીયતા અહીં સર્વોપરી છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન સાથેની મિત્રતાની ગાંઠ મજબૂત રીતે બાંધી પાછા ફર્યા છે. આમ તો ભારત સાથે જાપાનનો ઇતિહાસ અતૂટ રહ્યો છે પણ હવે આ અતૂટતામાં દ્ઢ મૈત્રીનો ઉમેરો થયો છે.
આપણા બૌદ્ધિકો, લેખકો, નેતાઓને તમે જાપાન વિશે કહેતા ખૂબ સાંભળ્યા હશે. કાર્યક્ષમતા, સ્વચ્છતા, રાષ્ટ્રીયતાનાં ઉદાહરણ આપવાં હોય તો તેમાં જાપાન મોખરે આવે છે. આવા જાપાન સાથે ભારતનો ગાઢ મૈત્રીસંબંધ બંધાઈ રહ્યો છે ત્યારે આવો, જાપાન વિશે થોડું જાણીએ...

બે-બે પરમાણુ હુમલાઓ સહન કરનાર વિશ્ર્વમાં એક માત્ર દેશ જો કોઈ છે તો તે જાપાન છે. 
બીજા વિશ્ર્વયુદ્ધમાં ભાંગી ગયેલું જાપાન                                                                                                 આજે આર્થિક રીતે આટલું બધું સધ્ધર કઈ રીતે થઈ ગયું?


ઊગતા સૂરજનો દેશ એટલે જાપાન... જાપાન શબ્દ ચીની ભાષાના ‘જિમ્પોજ’ શબ્દ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે સૂર્યનો દેશ. અહીંના લોકો સ્વયંને સૂર્યનાં સંતાન માને છે. કદાચ સૂર્યની ઉપાસનાના કારણે જ જાપાનને અનેક શક્તિ મળી ગઈ હોય તેવું લાગે છે. 1945નો અમેરિકા દ્વારા થયેલ પરમાણુ હુમલો અને 2011માં ફકુશિમાની પરમાણુ દુર્ઘટના સૌને યાદ હશે જ! બે-બે પરમાણુ હુમલાઓ સહન કરનાર વિશ્ર્વમાં એક માત્ર દેશ જો કોઈ છે તો તે જાપાન છે. છતાં જાપાન આજે અડીખમ છે. આવું કેમ? બીજા વિશ્ર્વયુદ્ધમાં ભાંગી ગયેલું જાપાન આજે આર્થિક રીતે આટલું બધું સધ્ધર કઈ રીતે થઈ ગયું? આ પ્રશ્ર્નોનો જવાબ જાપાનના ભૂતકાળમાં છુપાયેલો છે.
ગ્રંથાલયના ખોવાયેલા જગતમાં ઇન્ટરનેટ પરથી જાપાન વિશે જે માહિતી મળી છે તે આ સંદર્ભે જાણવા જેવી છે. જાપાનની પ્રજાની ખુમારી, કાર્યદક્ષતા અને સ્વદેશીપણાની વાત આજે બધા કરે છે પણ ત્યાંની પ્રજામાં આ બધું આવ્યું ક્યાંથી તેની વાત લગભગ કોઈ કરતું નથી. જાપાનની પ્રજામાં આજે સદ્ગુણોનો ભંડાર છે, તે આર્થિક રીતે સધ્ધર છે તો તેની પાછળ ત્યાંના રાજાઓની દીર્ઘદ્ષ્ટિ છે. જેમ ભારતમાં જાતિવાદ એક ભયંકર સડાની જેમ ઘૂસી ગયો છે, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતું ધર્માંતરણ, મુસ્લિમવાદ જેમ ભારતમાં આજે છે તે બધું 1850ની આસપાસ જાપાનમાં હતું. પણ આજે જાપાનના લોકો માટે રાષ્ટ્રીયતા માત્ર એક જ છે અને એ છે જાપાની... Be Japanese, Buy Japanese અહીંના લોકોના લોહીમાં છે. આવું થયું કઈ રીતે... તો તેનો જવાબ ઇન્ટરનેટની એક વેબસાઇટ ‘હિન્દુસમય’ પર પોસ્ટ કરાયેલા ‘વર્ણ-વ્યવસ્થા’ના લેખમાંથી મળ્યો છે.
આ લેખમાં લખવામાં આવ્યું છે કે 1850ની આસપાસ જાપાનમાં પણ ચાર પ્રકારની જાતિઓ હતી. કોવેત્સુ, શીનવેત્સુ, બામવેત્સુ અને સમુરાઈ... ઊંચ-નીચનો વિચાર આ ચારેય જાતિઓમાં હતો. કોવેત્સુ પોતાને સૂર્યનાં સંતાન માનતા, શીનવેત્સુ પોતાને ચંદ્રનાં સંતાન માનતા. બામવોત્સુ આવું કઈ માનતા નહિ પણ સમુરાઈ પોતાને ક્ષત્રિય માનતા. ત્યારે જાપાનની સેનામાં માત્ર સમુરાઈ જાતિના લોકોની જ ભરતી થતી. આ ઉપરાંત અહીં અછૂતો પણ હતા જેને ઈનિન, ઈત્તા અને હ્યાસ્કો કહેવામાં આવતા. ચામડાનો વેપાર, કબર ખોદવાનું કામ, મેલું ઉપાડવાનું કામ આ લોકો કરતા. આવી વર્ણ-વ્યવસ્થા, છૂતાછૂતનો ફાયદો તે વખતે ખ્રિસ્તી ધર્મના મિશનરીઓએ લીધો. જાપાનમાં તેમણે ધર્માંતરણનું મિશન ચાલુ કરી દીધું. પછાત જાતિના લોકો આ મિશનરીઓના કહેવામાં આવી પણ ગયા. ધીરે ધીરે બૌદ્ધના આ અહિંસક દેશમાં ખ્રિસ્તી મિશનરીઓએ લોકોને ગૌવધ કરવા તરફ પણ વાળી દીધા હતા. જેવું આજે ભારતમાં થઈ રહ્યું છે તે સમયે જાપાનમાં મોટા પાયે ધર્માંતરણ થયું.
આવા સમયે ભારતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શ‚આત થઈ. એવું કહેવાય છે કે આ સંગ્રામે જાપાનીઓને જગાડ્યા. તેમને લાગ્યું કે આ ધર્માંતરણનું કામ ચાલુ રહેશે તો જાપાન ભારતની જેમ અંગ્રેજોનું ગુલામ બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1945 પહેલાં જાપાનને એકવાર પણ કોઈ હરાવી શક્યું નહોતું. આવા દેશ સામે ધર્માંતરણ, વર્ણ-વ્યવસ્થા, અસ્પૃશ્યતાનો પડકાર આવ્યો હતો.
તે સમયે જાપાન 286 રાજાઓ અને જુદી જુદી જાતિઓમાં વહેંચાયેલું હતું. આવા સમયે જાપાનીઓમાં માંગ ઊઠી કે આ વર્ણ-વ્યવસ્થાને તોડશું તો જ જાપાન આગળ વધશે. જાપાનના અનેક રાજાઓએ આ માંગ સ્વીકારી લીધી. સૌથી પહેલાં મત્તા પ્રાંતના સ્વદેશભક્ત રાજાએ પોતાનું રાજ્ય ટોકિયોના મહારાજા ‘મૈકડો’ને સોંપી દીધું અને પોતે એક ઝૂંપડીમાં રહેવા ચાલ્યા ગયા. તેનું અનુકરણ જાપાનના અન્ય 285 રાજાઓએ કર્યું. જાપાનનું કેન્દ્ર હવે જાપાન-નરેશ મૈકડોનું રાજ્ય બન્યું. અહીંના લોકોમાં આ મહારાજાનું ખૂબ માન હતું. રાજાનો પડ્યો બોલ ઝીલવા જાપાનીઓ તૈયાર હતા. આથી વર્ણ-વ્યવસ્થાને તોડવા જાપાન-નરેશ મૈકડોએ સૌથી પહેલાં 1868માં એક આદેશ કર્યો કે પછાત જાતિનાં મકાનો, ઝૂંપડીઓ, વસાહતોને તોડી પાડવામાં આવે અને આ બધા લોકોને ઉચ્ચજાતિના લોકોની વચ્ચે વસાવવામાં આવે અને જે આ વ્યવસ્થાને માનવા તૈયાર ન થાય તેને સખત સજા કરવામાં આવે... બસ, આ આદેશ સાથે જાપાનમાં વર્ણ-વ્યવસ્થા તૂટી ગઈ. રાજાઓની આ આહુતિની ફલશ્રુતિ એ રહી કે કોબેત્સુ, શીનવેત્સુ, બામવેત્સુ, સમુરાઈ, ઈનિન, ઇત્તા, હ્યાસ્કો... આ જે વર્ણવિભાગ હતો તે નષ્ટ થઈ ગયો અને એક નવી જાતિ ઊભી થઈ. એ જાતિ એટલે ‘જાપાની કોમ’ આજે જાપાન સાથે ભારતના સંબંધ ગાઢ થઈ રહ્યા છે ત્યારે એવું નથી લાગતું કે ભારતમાં પણ એક જ કોમ હોવી જોઈએ... હિન્દુસ્તાની કોમ... આવું શક્ય છે?!
ભારતની ઉન્નતિનો માર્ગ જાપાનની આ વર્ણ-વ્યવસ્થાની કથામાંથી નીકળી શકે તેમ છે. રાજાઓની ઉદારતાથી તેમની પ્રજામાં સદ્ગુણો આવ્યા છે. ભારતના નેતાઓએ પણ પોતાની ઉદારતાથી ભારતીય લોકોમાં સદ્ગુણોનો વિકાસ કરવાની જ‚ર છે.
એવું કહેવાય છે કે 1945 સુધી જાપાનને વિશ્ર્વનો કોઈ પણ દેશ હરાવી શક્યો નથી. પ્રજાની સુરક્ષા માટે જ 1945માં જાપાન-નરેશ હીરોહિતોએ હથિયાર હેઠાં મૂક્યાં હતાં. 1945નો એ સમય અને તે વખતની ઘટનામાં જ જાપાનની આર્થિક સધ્ધરતાનાં કારણો છુપાયેલાં છે. પરમાણુ હુમલામાં આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલો દેશ સધ્ધર કઈ રીતે બન્યો? સમ્રાટ હીરોહિતોના કારણે!
જાપાની લોકો પોતાના રાજા હીરોહિતોને સૂર્યપુત્ર માનતા. લોકો રાજાની સામે આંખ પણ મીલાવતા નહિ. એક પ્રકારનું માન આપતા. તે વખતે વિશ્ર્વમાં ઈટાલી, જર્મની અને જાપાનનું વર્ચસ્વ હતું. આથી આ ત્રણેય દેશોની મિત્રતા પણ સારી હતી. પણ 1945માં બીજા વિશ્ર્વયુદ્ધમાં શું થયું? બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ધીરે-ધીરે ઈટાલીમાં મુસૌલિનીનો અંત આવ્યો અને જર્મનીમાં હિટલરે આત્મહત્યા કરી લીધી. જાપાન એકલું પડી ગયું. આવામાં અમેરિકાએ પરમાણુ બોમ્બથી જાપાન પર હુમલો કર્યો. જાનહાનિથી જાપાન-નરેશ ડરી ગયા. હથિયાર હેઠાં મૂકી દીધાં. રાજા હીરોહિતોએ અમેરિકાની બધી માંગ સ્વીકારી લીધી.
હવે જે દેશની પ્રજા માટે પોતાનો રાજા જ સર્વેસર્વા હોય તે દેશમાં જ તે રાજાને બંદી બનાવવો કેટલું અઘરું કામ કહેવાય? અમેરિકાને આ વાતનો અંદાજ હતો માટે અમેરિકાએ આ ન કર્યું. જાપાનમાં લોકતંત્ર સ્થાપિત કરવા યુદ્ધવિરામ બાદ જ્યારે અમેરિકાના જર્નલ મેક આર્થરનું જંગી વિમાન ટોક્યોમાં ઊતર્યું ત્યારે અમેરિકાના સૈનિકો સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા. આ સૈનિકોને લાગ્યું કે જાપાની લોકો અમને હવે નુકસાન નહિ પહોંચાડે ત્યાર પછી જ મેક આર્થર વિમાનની બહાર આવ્યા. મેક આર્થરે પહેલાં રાજા હીરોહિતોની મદદથી જાપાનની સેનાને સમજાવ્યું કે તમારો રાજા એક સાધારણ ઇન્સાન છે. તેની સામે આંખમાં આંખ મીલાવી ઊભા રહી શકાય. આ સમયે અમેરિકા અને જાપાન વચ્ચે એક કરાર થયો. જાપાનનું ‘નિ:શસ્ત્રીકરણ’ કરવામાં આવ્યું. કરારમાં જાપાનના રાજાની શક્તિને નહિવત્ કરી દેવાઈ. જાપાની ડાઇટ (સંસદ)ની શક્તિને વધારવામાં આવી. જાપાનના નરેશ હીરોહિતો માત્ર એક કામચલાઉ વ્યવસ્થાના અધ્યક્ષ બનીને રહી ગયા. ડાઇટમાં બહુમત સરકારનો વડો (વડાપ્રધાન) દેશનો કાર્યભાર સંભાળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આવા સમયે રાજા હીરોહિતોએ એક નવી જવાબદારી સંભાળી. તેમને ખબર હતી હવે જમાનો લડવાનો નથી. આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવાનો છે. તેમણે પોતાની આખી જિંદગી જાપાનને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં ખર્ચી નાખી. આજે રાજા હીરોહિતોનું નામ દરેક જાપાનીના મનમાં વસે છે.
જાપાનનો ધર્મ શિંટો ધર્મ છે. જાપાનની સંસ્કૃતિ જેટલી જૂની છે તેટલો જ જૂનો આ ધર્મ છે. છઠ્ઠી શતાબ્દીમાં ચીનના માર્ગે બૌદ્ધ ભિક્ષુઓ થકી ભગવાન બુદ્ધનો સંદેશ જાપાન પહોંચ્યો. પછી અહીં બૌદ્ધ ધર્મનો વિસ્તાર થયો. ઈસાઈ અને ઇસ્લામી ધર્મના લોકો આજે અહીં રહે છે પણ ખૂબ ઓછા, અહીં માત્ર જાપાનીઓ જ રહે છે.
જાપાની બનો... જાપાની ખરીદો...
આર્થિક સધ્ધરતા હાંસિલ કરવા 1950-60ના દાયકામાં જાપાનમાં એક મોટા પાયે સ્વદેશી આંદોલન થયું. Be Japanese, Buy Japanese (જાપાની બનો, જાપાની ખરીદો) નામનું આ આંદોલન સફળ પણ રહ્યું. તે સમયે અમેરિકન કંપ્નીઓનો માલ જોઈ જાપાની લોકો ગુસ્સે થતા અને કહેતા કે, ‘અમેરિકાનો માલ ખરીદવો તેના કરતાં મરી જવું સારું...’ એવું કહેવાય છે કે આજે પણ જાપાની લોકો સ્વદેશી વસ્તુ પહેલાં ખરીદે છે.
આજના જાપાનને ઊભું કરવામાં ત્યાંની પ્રજાનો ફાળો અદ્ભુત છે. જાપાની હંમેશાં કહેતા હોય છે કે જાપાનની આર્થિક સધ્ધરતા વિદેશી નિવેશ, વિદેશી ટેક્નોલોજી, વિદેશી કંપ્નીઓના કારણે નથી પણ અહીંની ખમીરવંતી, કાર્યશીલ સંકલ્પબદ્ધ પ્રજાને કારણે છે. 60ના દાયકામાં અહીં અમેરિકાની વસ્તુઓ ખૂબ વેચાતી, કારણ કે જાપાનની બનાવટની વસ્તુની ગુણવત્તા સારી ન હતી. આંદોલન પછી જાપાને આ બધી બાબતો પર ધ્યાન આપ્યું. ધીરે-ધીરે જાપાનની ટેક્નોલોજીમાં રીસર્ચ કરવામાં આવ્યું. આજે વિશ્ર્વમાં ટેક્નોલોજી બાબતે જાપાનના સિક્કા પડે છે.
જાપાનના લોકો એટલા બધા મહેનતુ છે કે તેઓ 16-17 કલાક કામ કરે છે. જાપાનીઓનું કદ નાનું હોય છે પણ વિચાર ખૂબ મોટો હોય છે, જેને દુનિયા સ્વીકારે છે. જાપાને મોટા ઘટાદાર વૃક્ષને બોનસાઈ બનાવી નાખ્યા. અમેરિકાએ મોટી-મોટી ગાડીઓ બનાવી, જાપાને તેને નાની કરી નાખી, જે પેટ્રોલ પણ ઓછું ખાય અને જગ્યા પણ ઓછી રોકે... આજે એવી એક પણ વસ્તુ નથી જે જાપાનમાં બનતી ન હોય. જાપાનનું ઉત્પાદન અઢળક છે અને આ ઉત્પાદનમાં જાપાનની આર્થિક સધ્ધરતા છે.
જાપાનના લોકોની કાર્યદક્ષતા, શાંતપણું, સંકલ્પબદ્ધતા, અનુશાસન, રાષ્ટ્રીયપણું તેમના રાજાઓની દેન છે, જેનું પરિણામ આજે જાપાન ભોગવી રહ્યું છે. જાપાનના લોકોનું સાર્વજનિક જીવન આજે વિશ્ર્વ આખામાં વખણાય છે.
2011માં જાપાનમાં ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીના પત્રકાર અમૃત ઢિલ્લન જાપાન ગયા. જાપાનથી પરત ફરીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેમણે એક લેખ લખ્યો. જાપાની લોકો વિશે આ લેખ ઘણું બધું કહી જાય છે. શ્રી ઢિલ્લન લખે છે કે -
સાર્વજનિક જીવનમાં એક પણ જાપાની તમને બૂમો પાડતો, જ્યાં ત્યાં થૂંકતો, અસ્તવ્યસ્ત, ધક્કા-મુક્કી કરતો, કોઈને હેરાન કરતો જોવા નહિ મળે. તે હંમેશાં શાંત, સહિષ્ણુ અને નિયમાનુકૂલ વ્યવહાર કરનારો જ હશે. ભીડભાડવાળી જગ્યાએ પણ તે તમને વિનમ્રતાથી, સાવધાનીથી, કોઈને પણ અવરોધક બન્યા વિના ચાલતો દેખાશે. જાપાનનાં સાર્વજનિક સ્થળો પર તમને ભીડ દેખાશે, પણ હો-હલ્લો નહિ સંભળાય. ભૂકંપ આવ્યો ત્યારે પણ જ્યારે પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓની સરકાર દ્વારા વહેંચણી થતી હતી ત્યારે કોઈ ધક્કામુક્કી ન હતી. લૂંટફાટ-તોડફોડનું અહીં નામોનિશાન નથી. આપદા સમયે પણ સંયમ અને શાંતિ નામનું આભૂષણ જાપાનીઓ જાળવી રાખે છે.
જાપાનમાં ચોરી થતી નથી. ટેક્સી ડ્રાઇવર વધારે પૈસા લેતો નથી. તમારું પાકીટ કે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો જાપાની લોકો તેને નજીકના પોલીસ સ્ટેશને પહોંચાડી દે છે. આ જાપાન છે... આ જાપાનના લોકો છે. હવે આવા જાપાન સામે આપણા વડાપ્રધાન મિત્રતા ગાઢ કરીને આવ્યા છે. જાપાન 2 લાખ 10 હજાર કરોડનું રોકાણ ભારતમાં કરશે. ભારતમાં સ્માર્ટ સીટી બનાવશે, બુલેટ ટ્રેન દોડાવશે, ગંગાની સફાઈ કરવા ટેક્નોલોજી આપશે... આ બધી લાંબા ગાળાની પરિયોજનાઓમાં જાપાન રોકાણ કરશે. આનાથી ભારતની આર્થિક સ્થિતિ જ‚ર મજબૂત થશે પણ આપણે યાદ એ રાખવાનું છે કે જાપાનની જેમ ભારતની વર્ણ-વ્યવસ્થા તૂટી શકે તેમ છે? શું આપણે સ્વદેશી અપ્નાવો આંદોલનને સફળ ન બનાવી શકીએ? શું આપણા નેતાઓ જાપાનના રાજાઓની જેવી ઉદારતા દાખવી એક પ્રેરણાત્મક વાતાવરણ ઊભું ન કરી શકે? જાપાનમાંથી આપણે આ શીખવાનું છે. શીખવા જેવું છે...

No comments:

Post a Comment