Tuesday, June 2, 2015

પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો સમારોપ

રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંત
પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો સમારોપ

૩૦ મેના રોજ હળવદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત પ્રાંતના પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો હતો. ૨૦ દિવસ ચાલેલા સંઘ શિક્ષાવર્ગના આ સમાપન સમારોપમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી ડૉ. કે. એમ. આચાર્ય, મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંતના સહપ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, વર્ગાધિકારી - શ્રી પ્રફુલ્લગિરિ ગૌતમગિરિ ગૌસ્વામી, વર્ગકાર્યવાહ શ્રી તુષારભાઈ મિસ્ત્રી તથા પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાન હાજર રહ્યા હતા. આ વર્ગમાં શિક્ષાર્થીઓને શારીરિક, સેવા, શ્રમાનુભવ, બૌદ્ધિક જેવા વિષયો પર પ્રશિક્ષણ અપાયું હતું. વર્ગમાં અ.ભા. સેવાપ્રમુખ સુહાસરાવ હિરમેઠજી તથા ગૌસેવા પ્રમુખ શંકરલાલજીનું માર્ગદર્શન પણ શિક્ષાર્થીઓને મળ્યું હતું. આ ઉપરાંત ગુજરાતભરમાંથી પ્રશિક્ષણ અર્થે આવેલા સંઘ શિક્ષાર્થીઓ, શિક્ષકો, પ્રબંધકો, સંઘના અધિકારીઓ, રાજકીય આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં સંઘપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



0 હળવદ ખાતે પહેલી વાર યોજાયો રા.સ્વ.સંઘનો પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગ.
0 ગુજરાતના વિવિધ ૨૯૬ સ્થાન પરથી ૪૮૪ શિક્ષાર્થીઓ આ વર્ગમાં જોડાયા.
0 ૩૨૦ વિદ્યાર્થીઓ અને ૧૬૪ વ્યવસાયી શિક્ષાર્થીઓ આ વર્ગમાં હતા.
0 શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવા ૬૦ જેટલા શિક્ષકો.
0 ૬૦ જેટલા પૂર્ણસમયના પ્રબંધકો.
0 વર્ષ ૨૦૧૩માં પીરાણા ખાતે યોજાયેલ પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં ૩૪૨ શિક્ષાર્થીઓ તથા ૨૦૧૪માં ભુજ ખાતે યોજાયેલ વર્ગમાં ૪૩૩ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. ૨૦૧૫માં આ સંખ્યા વધીને ૪૮૪ સુધી પહોંચી છે.

- ગુજરાતમાં સિંહોની સંખ્યા ૫૦૦ કરતા વધી ગઈ છે. આ સંઘ શિક્ષા વર્ગમાં નવા ૫૦૦ સિંહો તૈયાર થઈને સમાજ વચ્ચે જવાના છે. અહીં શ્રેષ્ઠ સ્વયંસેવકોનું નિર્માણ થયુ છે જે સમાજ ઉપયોગી બની રહેશે.
                                                                 - મા. મુકેશભાઈ મલકાન (પ્રાંત સંઘચાલક, ગુજરાત પ્રાંત)
- સગવડતા - અગવડતા વચ્ચે ખુશ રહી શકાય છે તેનો અહેસાસ શિક્ષાર્થીઓને આ સંઘ શિક્ષાવર્ગમાં થાય છે. તેમનામાં અનુશાસનના ગુણ આવે છે. સંઘકાર્ય, સમાજકાર્ય કરવાની તેમનામાં ક્ષમતા વધે છે.
                                                               - તુષારભાઈ મિસ્ત્રી (વર્ગકાર્યવાહ, પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગ)
વર્ગમાં તાલીમાર્થીઓને જીવન જીવવાની કેળવણી મળે છે. આ ૨૦ દિવસ તેઓ મોબાઈલથી દૂર રહે છે. અહીં તેમને સંઘના ઋષિતુલ્ય જીવન જીવતા પ્રચારકો સાથે રહેવાનો તેમના આદર્શ જીવન પરથી પ્રેરણા લેવાનો અવસર મળે છે. અહીં મળેલું માર્ગદર્શન તેમના માટે જીવન ઉપયોગી બની રહેશે.
                                                                                           - મા. પ્રફુલ્લગિરિ ગૌસ્વામી (વર્ગાધિકારી)

રાષ્ટ્ર ઉપાસનાનો માર્ગ આપણને
ડૉક્ટર સાહેબે બતાવ્યો છે :ડૉ. કે. એમ. આચાર્ય

સમારોપમાં પ્રારંભમાં પોતાના વિચારો પ્રગટ કરતાં પદ્મશ્રી ડૉ. કે. એમ. આચાર્યએ કહ્યું કે, ડૉ. હેડગેવારજીએ વિપરીત પરિસ્થિતિમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના કરી હતી જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. રાષ્ટ્ર ઉપાસનાનો માર્ગ ડૉક્ટર સાહેબે આપણને બતાવ્યો છે. ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય એ સાધનો છે. ઉપાસક એટલે આપણે સૌ, ઉપાસના એટલે સેવા, માનવ સેવા, જે સમર્પણ, અર્પણ અને તર્પણની ભાવનાથી આપણે કરવાની છે અને ઉપાસ્ય એટલે રાષ્ટ્ર. આ ભૂમિનો ટૂકડો નથી, ચેતનાથી ભરેલો પ્રદેશ છે. અહીંી પરંપરા, ઇતિહાસ, માનવીય ચેતનાથી અજોડ બીજું કશું નથી. અહીંની તેજસ્વી પરંપરા છે, જેનું રક્ષણ આપણે કરવાનું છે. ડૉક્ટર સાહેબે આ કામ કર્યંુ છે આપણા ઘડતર અને ચણતર દ્વારા.
ડૉક્ટર સાહેબે આપેલ મંત્ર ‘સંઘકાર્ય એ જ જીવનકાર્ય’ હૃદયમાં લઈને આપ સૌ અહીંથી સમાજમાં જશો. અહીં તમે માત્ર શિક્ષિત થયા નથી, પણ દિક્ષિત પણ થયા છો. માનવતા, દયા, ભાઈચારો વગેરેની તમે દિક્ષા લીધી છે. તેમણે કહ્યું કે માનવી માનવીના કામમાં આવે તેનાથી મોટો કોઈ ધર્મ નથી, તેનાથી મોટી કોઈ પ્રાર્થના નથી. ડૉક્ટર સાહેબ જીવતો ધર્મ છે અને જીવતી પ્રાર્થના છે.
ડૉક્ટર સાહેબે સંઘની શરૂઆત કરી હતી ત્યારે કહ્યું હતું કે સંઘના સ્થાપક આપ સૌ છો. તમારી આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે સંઘ આગળ ચાલશે. હું માત્ર નિમિત્ત છું, સંઘમાં વ્યક્તિનું મૂલ્ય નથી, સંઘકાર્યનું મૂલ્ય છે. સ્વયં અનુશાસન સ્વયંસેવકનું કર્તવ્ય હશે. ડૉક્ટર સાહેબના આ શબ્દો આજે સંઘનો મુદ્રાલેખ બની ગયો છે. તેમણે સંઘકાર્ય અને સ્વયંસેવકના ઉદાહરણો દ્વારા સેવાકાર્યનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અંતમાં કહ્યું કે સંઘ કાર્ય જ આપણું જીવન કાર્ય છે. આ મંત્ર લઈ સમાજ વચ્ચે જઈ આપણે સેવા કરવાની છે.

વિશ્ર્વના લોકો હિન્દુ જીવનશૈલીને આદર્શમાની અપનાવી રહ્યા છે : મહેશભાઈ જીવાણી


સમારોપમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા
 ગુજરાત પ્રાંતના સહ પ્રાંતપ્રચારક મા. મહેશભાઈ જીવાણીના ઉદ્બોધનના મહત્ત્વના  અંશો
- ડૉક્ટર હેડગેવારજીના સમયમાં પોતાને ‘હિન્દુ’ કહેવાની કોઇ હિંમત નહોતુ કરતું. આવા સમયે ડૉક્ટર સાહેબે સમાજ જીવનના ઉત્થાન માટે એક શસ્ત્રનું નિર્માણ કર્યુ... જેનું નામ છે શાખા. તેમણે સંપૂર્ણ વિશ્ર્વમાં કલ્યાણની કામના કરનારી હિન્દુ વિચારધારાને સમાજમાં પુનર્જીવિત કરી. 
- કીડીને કણ અને હાથીને મણ આપવાની કલ્પના આપણી જીવનશૈલીમાં છે. પર સેવા કરવી એ વિશ્ર્વના લોકો માટે કલ્પના સમાન હતી ત્યારથી આ દેશમાં સેવાનો ધોધ વહી રહ્યો છે. આજે અનેક લોકો સેવા કરી રહ્યા છે અને તેના મૂળમાં હિન્દુ જીવનશૈલી જ છે. આ હિન્દુ વિચારધારાને આજે વિશ્ર્વના લોકો સ્વીકારતા થયા છે.
- આજે વિશ્ર્વ આખામાં પર્યાવરણ દિવસ મનાવવાની જરૂર પડી છે, પરંતુ હિન્દુ જીવન પદ્ધતિમાં પર્યાવરણ પ્રત્યેનો આદર પ્રેમ કોઈને શીખવવાની જરૂર નથી. પર્યાવરણ પ્રેમ અહીં જીવનશૈલીમાં છે.
- આપણી પરિવારની વ્યવસ્થા આદર્શ વ્યવસ્થા ગણાય છે. આજે વિશ્ર્વ આખુ આ વ્યવસ્થાને સ્વીકારી રહ્યું છે. આપણા પરિવારમાં સંપૂર્ણ સમાજનું હિત જોવા મળે છે.
- આવનારા સમયમાં એક બીજી સામાજિક ક્રાંતિની આજે જરૂર છે અને તે ક્રાંતિ છે સામાજિક સમરસતાની ક્રાંતિ... આજે વિશ્ર્વની કોઈ શક્તિ ભારતને તોડી શકતી નથી. પણ સમરસતા નહીં હોય તો આપણે જરૂર તૂટી જઈશું.
- ભગવાન રામે જે શબરીના એઠાં બોર ખાધા હતા તે શબરીના વંશજોના ઘરે શું આપણે જઈએ છીએ?
- આપણે નરસિંહ મહેતાના ભજન ગાઈએ છીએ પણ શું આપણે તેમના જેવી સામાજિક ક્રાંતિનો વિચાર કરીએ છીએ? આજે ભગવાન રામ, નરસિંહ મહેતા, વીર સાવરકરની જેમ સામાજિક સમરસતા માટે સમાજને ઊભો કરવાની જરૂર છે. ડૉ. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી પર આ સંદર્ભે આપણે તેમના આદર્શોને યાદ કરવાની જરૂર છે.
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશભક્તિ, સમરસતા, સેવાનો ભાવ જગાડવાનું કાર્ય કરે છે. આ બધુ જ શાખાના માધ્યમથી થઈ રહ્યું છે. આજે વિશ્ર્વ આખુ ભારતીય યોગ, પર્યાવરણની રક્ષા, હિન્દુ જીવનશૈલી, આયુર્વેદ વગેરેને સ્વીકારી રહ્યુ છે ત્યારે, વર્તમાન સમાજજીવનમાં આ બધી જ શૈલીને વણવાનું કામ સંઘ દ્વારા થઈ રહ્યું છે.
- સંઘનું કાર્ય દિશા આપવાનું છે. આપ સૌ સામાજિક સમરસતા, પર્યાવરણની રક્ષા, હિન્દુ જીવનશૈલીનું જતન જેવા કાર્યમાં જોડાવ. આ સામાજિક યજ્ઞમાં સહયોગ આપશો તો જ ભારતમાતાનો જય-જયકાર કરી શકીશું.



૪૧થી ૬૫ વર્ષના શિક્ષાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો રહ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - પશ્ર્ચિમ ક્ષેત્રનો ૪૦ વર્ષથી ઉપરના આયુગુટના સ્વયંસેવકો માટે વિશેષ વર્ગ પણ હળવદ ખાતે યોજાયો હતો. આ પશ્ર્ચિમ ક્ષેત્ર (ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર)ના વિશેષ પ્રથમવર્ષ શિક્ષાવર્ગમાં ગુજરાતના ૧૦૦ સહિત ૧૯૮ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે આ વિશેષ વર્ગ દર બીજા વર્ષે (એક વર્ષ છોડીને બીજા વર્ષે) યોજાતો હોય છે પણ આ વખતે મા. સરસંઘચાલક મોહનજી ભાગવતની ઇચ્છાથી સળંગ બીજા વર્ષે આ વર્ગ યોજાયો હતો. મહત્ત્વની વાત એ છે કે ગયા વર્ષ કરતા આ વિશેષ વર્ગમાં શિક્ષાર્થીઓની સંખ્યા વધી છે. ગયા વર્ષે ૧૩૦ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો પણ આ વર્ષે આ સંખ્યા વધીને ૧૯૮ સુધી પહોંચી હતી. મહત્ત્વની વાત એ છે કે ૪૧ થી ૬૫ વર્ષની ઉંમરના આ શિક્ષાર્થીઓએ ૨ કિ.મી.નું પથસંચલન પણ કર્યુ હતું. આ વિશેષવર્ગના વર્ગાધિકારી દેવગિરિ પ્રાંતના મા. સંઘચાલક વેંકટેશસિંહ ચૌહાણ, વર્ગના પાલક અધિકારી વિદર્ભ પ્રાંતના મા. સહસંઘચાલક રામભાવુ વરકરે તથા તથા વર્ગકાર્યવાહ તરીકે કૈલાશભાઈ ત્રિવેદીએ જવાબદારી નિભાવી હતી.


- આ વિશેષ વર્ગમાં પ્રબુદ્ધ અને નવા શિક્ષાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં
   ઉત્સાહપૂર્વક જોડાયા - ભાગ લીધો જે મહત્ત્વની વાત કહેવાય.
                                                                                - કૈલાશભાઈ ત્રિવેદી(વર્ગકાર્યવાહ- વિશેષ વર્ગ)


પ્રથમ વર્ષના શિક્ષાર્થીઓના અભિપ્રાયો

અહીં મને એક વિશેષ પાઠ એ શીખવા મળ્યો કે આપણે આપણા શુદ્ધ વાણી અને વર્તનથી કોઈપણ કઠોરમાં કઠોર માણસનાં હૃદયને પણ જીતી શકીએ છીએ.
- સોહિલ પરમાર
(સુરત મહાનગર, કતાર ગામ) તાનાજી રાત્રી શાખા

૨૧ દિવસ પૂર્ણ હિંદુ અને ભારતીય સંસ્કૃતિની રીતે જીવવાનું, સંઘને વધુને વધુ જાણવા, જીવવા અને માણવાનું. એક રીતે કહીએ તો પ્રથમ સંઘશિક્ષાવર્ગમાં આખા ગુજરાતને જાણી તેમજ માણી શકાય. અલગ-અલગ શિક્ષાર્થી તેમજ શિક્ષકો સાથે વાત-વાતમાં સંઘ અને ભારતની આગવી સંસ્કૃતિને તો જાણવા મળે જ છે સાથે સાથે સંઘ વિશે વધુ અને વધુ વિષયો સ્પષ્ટ થતા જાય છે અને સંઘ અને હિંદુ સંસ્કૃતિ વિશે અંત:કરણથી ભાવના જાગે છે.
- શ્રીમ્ ધર્મેન્દ્રભાઈ વાંસરાજ (રાજકોટ)

ઘરે ચપ્પલ લાઇનમાં પડ્યા હોય એટલે ખબર પડી જાય કે છોકરો વર્ગમાં જઈને આવ્યો છે. અમારા ભાગે સ્વચ્છતા વિભાગ છે. હું ઘરે કદી કચરો વળતો નથી, અહીં આવી સ્વચ્છતાનું મૂલ્ય અને પાઠ ખબર પડી.
- સંદીપ સતીષભાઈ સનુરા (પ્રબંધક-હળવદ)

વૈદિક સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ વગેરેનું વિશેષ મહત્ત્વ સમજાયુ. ઉપરાંત અનુશાસન, શિસ્ત, સામાજિક સમરસતા કેવી રીતે કેળવવી તેનું પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું.
- તારકભાઈ મહેશભાઈ પંડ્યા
 (ભાડભૂત-ભરૂચ) વીર શિવાજી રાત્રી શાખા
વંશી વાદનનું જ્ઞાન મેં છ માસ પહેલાં ભાગનાં ઘોષ વર્ગમાં પ્રાપ્ત કર્યું. આજે મને વંશી વાદનમાં સાત રચનાઓ આવડે છે. - ધ્યાન ત્રિવેદી (વડોદરા)
સરદાર પટેલ સાયં શાખા
નિયમિતતા ઘટે ત્યારે ઘણું બધું અટકી જતુ હોય છે. અહીંથી અમે નિયમિતતા અને અનુશાસનના પાઠ શીખ્યા છીએ. આ ૨૦ દિવસ પછી એક નવી દૃષ્ટિ સાથે અમે સમાજમાં જઈશું.
- હર્ષ ભક્ત (શિક્ષાર્થી, વડોદરા વિભાગ)
માનવસેવાનું મહત્ત્વ અહીં સમજાયુ. વહેલા ઊઠવાનું મહત્ત્વ આ ૨૦ દિવસમાં ખબર પડી. અહીં શીખેલું અનુશાસન હું ઘરે જઈને પણ પાળીશ.
- વિજય ગૌસ્વામી
(શિક્ષાર્થી, પ. કચ્છ વિભાગ)
શારીરિક, બૌદ્ધિક, યોગ, સમૂહભોજન, સંગઠન... આ ૨૦ દિવસમાં આ સંદર્ભે ઘણું બધું જાણવા મળ્યું જેનો મારા જીવન પર સારો પ્રભાવ રહેશે...
- અજયપુરી ગૌસ્વામી
(શિક્ષાર્થી, કચ્છ વિભાગ)
જીવનમાં ઘણા કામો જાતે થઈ શકે તેવા હોય છતાં આપણે તે કામ બીજા પાસે કરાવીએ છીએ. પોતાનું કામ જાતે કરવાનો ગુણ અમે અહીં શીખ્યા જે જીવન ઉપયોગી છે. હવે હું ઘરે જઈને મારું કામ જાતે જ કરીશ.
- વર્શિત પટેલ
(શિક્ષાર્થી, કપડવંજ)

 હું અહીં વર્ગમાં છું અને મારા ઘરે (રાજસ્થાન) દીકરીનો જન્મ થયો છે. 

રામરાજ મીના છે તો રાજસ્થાનના વતની પણ નવસારી વિભાગ તરફથી પ્રથમ વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષાર્થી તરીકે હાજર રહ્યાં હતાં. તેમનું કહેવું છે કે આજે હું આ વર્ગમાં આવીને ખૂબ ખુશ છું. હું અહીં વર્ગમાં છું અને મારા ઘરે (રાજસ્થાન) દીકરીનો જન્મ થયો છે. અહીં મારી સાંસ્કૃતિક, શારીરિક, બૌદ્ધિક કેળવણી થઈ જે જીવન ઉપયોગી બની રહેશે. હું એક કંપનીમાં સેફ્ટી મેનેજર તરીકે નોકરી કરતો હતો પણ મને અહીં આવવાનો સમય ન મળતા હું નોકરી છોડીને અહીં શિક્ષા લેવા આવ્યો છું. મારા મતે આ એક ઈશ્ર્વરીય કાર્ય છે. સારા કાર્યકર્તાઓનું અહીં નિર્માણ થાય છે. આ ૨૦ દિવસના અનુભવ પછી નોકરી છોડવાનો કોઈ રંજ નથી. જીવનપયોગી ઘણું બધુ શીખીને જઈ રહ્યો છું.