Wednesday, September 24, 2014

જય હો જય હો મા જગદંબે.....આરતીના રચયિતા કોણ ? ખબર છે ?........

ભણે શિવાનંદ સ્વામી...

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરીમા મંછાવટી નગરી સોળ સહસ્ર ત્યાં સોહેક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી
જય હો જય હો મા જગદંબે
31.jpg
આજે ગુજરાતભરમાં નવરાત્રિની રમઝટ જામી છે. રાત્રિના બાર કે બે વાગ્યા સુધી. ગુજરાતણો અને ગુજરાતી પુરુષો ગરબે ઘૂમે છે.
પહેલાં તો શેરીએ શેરીએ ગરબા થતા. મોહલ્લામાતા (મલ્લામાતા)ની દીપમાળ અને આરતી માટે તથા ગરબાના ખર્ચ માટે શેરી કે સોસાયટીમાં ફાળો ઉઘરાવાતો. શેરીની બહેનો અને વહુઆરુઓ ગરબે ઘૂમતી. માતાની ભક્તિમાં રમમાણ થઈને ઘૂમતી ગુજરાતણોએ આખા દેશમાં નવરાત્રિની એક જુદી જ ભાત પાડી છે.
આ દિવસોમાં જે કુટુંબો પોતાને ત્યાં ગરબો લ્યે છે ત્યાં અને મોહલ્લામાતામાં દીવાઓ પ્રગટાવી આરતી ગાય છે. આ આરતી કોણે લખી, તેના શબ્દોના અર્થ શું વગેરેની ચર્ચા બહુ ઓછી થાય છે. પણ શ્રદ્ધાભક્તિથી આરતી ગવાય છે. આરતીના અંતમાં ગવાય છે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશેમા જે ભાવે ગાશે....ભણે શિવાનંદ સ્વામી (2)સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે.મારી અંબા દુ:ખ હરશે
જય હો જય હો મા જગદંબે
આમ આરતી ગાનારનું ભલું થાય તેવું ગાનાર વાંછે છે પણ આવી હલકભરી, જીભલડીએ રમતી, ભાવભરી આરતીના રચયિતા કોણ ? તેની કદાચ બહુ ઓછાને જાણ છે.
આપણે આરતીના અંતમાં શિવાનંદ સ્વામીનું નામ લઈએ છીએ પણ એ શિવાનંદ કોણ અને ક્યાંના એની ઘણા ઓછા લોકોને ખબર છે. કોઈક વળી જરા મગજ કસે તો કહે કે આ આરતી ગુજરાતીમાં છે માટે કોઈ ગુજરાતી જ આનો રચનાકાર હોવો જોઈએ પણ તેની પાસે પણ આથી વધુ કશી જ માહિતી નથી હોતી.
આ આરતીના કવિ છે શ્રી શિવાનંદ પંડ્યા. તેમનું મૂળ વતન સુરત. સુરતના અંબાજી રોડ પર આવેલા નાગર ફળિયામાં શ્રી વામદેવ પંડ્યાના ઘેર વિક્રમ સંવત 1597માં તેમનો જન્મ થયો.
બાળપણથી જ ભક્તિનો રંગ
આમ તો સુરતની ગણના મોજીલા માનવીઓની નગરી તરીકે ત્યારે પણ થતી, અને આજે પણ થાય છે. તેમાં શ્રી વામદેવ પંડ્યાનો પરિવાર નોખો તરી આવતો. શ્રી શિવાનંદ નાનપણથી જ ભક્તિના રંગે રંગાયા. ભણતર દરમિયાન પણ તેઓ ભક્તિરસની વાતોમાં વધારે દિલચશ્પી ધરાવતા. ધીરે ધીરે તેઓ ભક્તિ - ભજનો તરફ ઢળ્યા.
તેઓ એક સારા કવિ અને સાહિત્યકાર હતા. તેમના જીવનની મોટા ભાગની માહિતી ઉપલબ્ધ નથી; પણ સુરતના ઇજનેર શ્રી ગણપતલાલ ઠાકોરદાસ પચ્ચીગરે આ અંગે ઊંડું સંશોધન કર્યું.
શ્રી પચ્ચીગર 1956માં બી.ઈ. (સિવિલ) થયા અને નર્મદા પ્રોજેક્ટમાં મુખ્ય ઇજનેર તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે. ઇજનેર હોવા છતાં ભક્તહૃદયી શ્રી પચ્ચીગરને સાહિત્ય તરફ પણ વિશેષ અભિરુચિ હતી. તેમના સંશોધન પ્રમાણે શ્રી શિવાનંદ પંડ્યા ભગવાન શંકરના પરમ ઉપાસક હતા અને તેમણે ભગવાન શંકરની પણ આરતીની રચના કરી છે.
જયદેવ જયદેવ, જય હરિહરા શિવજય હરિહરાગંગાધર, ગિરિજાવર ઈશ્ર્વર ઓમ્કારા
ઓમ હર હર મહાદેવ
આજે પણ આ આરતી અનેક શિવમંદિરોમાં ગવાય છે અને માત્ર ભગવાન શંકર માટે જ નહીં પણ અન્ય દેવી-દેવતાઓ માટે પણ તેમણે આરતી લખી છે. એક એવો તર્ક પણ થાય છે કે કેટલાક ઊગતા કવિઓએ પોતાની આરતી પ્રચલિત થાય તે માટે ‘શિવાનંદ સ્વામી’ના નામે આરતીઓ લખી છે. એ જે હોય તે પણ તેમના નામે લખાયેલી આરતીઓએ માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય પ્રાંતોમાં અને અમેરિકા, ઇંગ્લન્ડ, ફ્રાંસ, જર્મની જેવા દેશોમાં પણ આ આરતી ધૂમ મચાવે છે. આવા માતબર દેશોમાં વસતા ગુજરાતીઓએ લોકપ્રિય બનાવી છે. ખરેખર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
માતાજીની ઉપાસના એ જાણે શિવાનંદ પંડ્યાનું જીવનકાર્ય થઈ ગયું. તેમણે પચ્ચીસ વર્ષની યુવાન વયે દેવી ભગવતીની ઉપાસના આદરી. સતત પાંત્રીસ વર્ષની ઉપાસના - કઠિન ઉપાસનાએ સંવત 1657માં રેવા (નર્મદા) તીરે તેમની આરાધનાની પૂર્ણાહુતિ થઈ.
કહેવાય છે કે ચતુર્ભુજા માતા મહાલક્ષ્મીએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધાં અને માતાજીની પ્રાર્થના કરતાં જે આરતી તેમના કંઠમાંથી વહેવા માંડી તે જ આ આરતી....
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિઅખિલ બ્રાંડ નિપજાવ્યા પડવે પંડ્ય થયાં
જય હો... જય હો... મા જગદંબે - 1 -
અને અંતમાં પોતાના માતાજીના સાક્ષાત્કારને અજરામર કરવા કવિ શિવાનંદ પંડ્યા મુક્ત કંઠે ગાય છે.
સંવત સોળ સત્તાવન સોળસેં બાવીસમાં (બે વાર)સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે
ઓમ જય હો જય હો મા જગદંબે.
હા, સમયે સમયે આરતીના શબ્દોમાં અપભ્રંશ થતો રહ્યો છે. જેમ કે ‘જય હો’ને બદલે હવે ‘જયો’ શબ્દ બોલાય છે.
મૂળ આરતીમાં 18 કડીઓ છે. માતાજીના પરમધામ મણિદ્વીપ, માણેકધામમાં 18 કિલ્લા છે. જોકે કાળક્રમે આરતીમાં ક્ષેપકરૂપે બીજી કડીઓ ઉમેરાતી ગઈ છે. આરતીના રચયિતા શિવાનંદ પંડ્યા પણ સમય જતાં ‘ભણે શિવાનંદ સ્વામી’ એ નામે એટલે કે શિવાનંદ સ્વામી તરીકે જ ઓળખાવા લાગ્યા.
શિવાનંદ સ્વામી ગૃહસ્થ હતા. તેમને ત્રણ પુત્રો હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમના પુત્ર ચંદ્રવિદ્યાનંદ અને દીકરી ડાહીગૌરી થયાં. ચંદ્રવિદ્યાનંદને બ્રિટિશ સરકાર તરફથી રાવ બહાદુરનો ઇલ્કાબ મળ્યો હતો, તેમના પુત્ર શ્રી પુષ્પેન્દ્ર પંડ્યાએ ભારતના લશ્કરમાં આર્મી આફિસર તરીકે સેવાઓ આપી.
શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમની દીકરી ડાહીગૌરીનાં લગ્ન કવિ નર્મદાશંકર સાથે થયાં. કવિ નર્મદનાં આ બીજાં લગ્ન હતાં.
શિવાનંદ સ્વામીના વારસોએ અખિલ ભારતીય સ્તરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની સાતમી પેઢીએ થયેલા પુષ્પેન્દ્ર આર્મી આફિસર હતા.
પુષ્પેન્દ્રના પુત્ર હરીન પંડ્યા નૌકાદળમાં કેપ્ટન હતા. બીજા પુત્ર ક્ષીતીનભાઈ મેજર જનરલ હતા. કારગીલ યુદ્ધ વખતે ક્ષીતીનભાઈ નિવૃત્ત હોવા છતાં દેશભક્તિથી પ્રેરાઈને સામે ચાલીને પોતાની સેવાઓ લશ્કરને આપી. ભારત સરકારે પણ તેમને ‘વિશિષ્ટ સેવાપદક’ દ્વારા સન્માન્યા.
આ પરિવારની છઠ્ઠી પેઢીના જમાઈ કવિ નર્મદે કહ્યું છે કે, ‘શિવાનંદની પાંચમી પેઢીએ ગૌરીનંદ થયા. તેઓ રાગ-રાગિણીઓમાં કથાવાર્તા કરતા. તે સમયમાં તેમના જેવો કથાકાર બીજો કોઈ હતો નહીં એવું છૂટથી બોલાય છે.
ગૌરીનંદ ભરૂચની અદાલતમાં શાસ્ત્રી (નાજર) હતા. તેમને ત્રણ પુત્રો હતા. મોટો પુત્ર મણીનંદ પૂનાની અદાલતમાં શાસ્ત્રી હતો. વચેટ ત્રિપુરાનંદ કવિ નર્મદાશંકરના સસરા અને ત્રીજા લલિતાનંદ સુરતની અદાલતમાં શાસ્ત્રી હતા.
સ્વામી શિવાનંદે ઉત્તરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કર્યો. પંચ્યાશી વર્ષની પાકટ વયે વિ. સં. 1682 (ઈ. સ. 1626)માં સમાધિ લીધી.
આજે પણ ગુજરાત અને ગુર્જરભાષીઓ. શિવાનંદ સ્વામીની આરતીઓ ગાઈ તેમનું ઋણ અદા કરે છે.                                                         - ભાસ્કર વા. પંડ્યા

1 comment: