Wednesday, September 24, 2014

જ્યાં આજે પણ પુરુષો દ્વારા ગરબી ગવાય છે

ઝાલાવાડની પરંપરા 

જ્યાં આજે પણ પુરુષો દ્વારા ગરબી ગવાય છે

36.jpgઆજે ઝાલાવાડમાં પુરુષો દ્વારા જ ગરબી ગાવાની પરંપરા અકબંધ છે, જેમાં સુરેન્દ્રનગરના વાદીપરા ચોક (હવે બાબુ રાણપુરા ચોક)ની ગરબી અને વઢવાણ વાઘેશ્ર્વરી ચોકની ગરબી મુખ્ય ગણાવી શકાય.
આજે 72 વર્ષની ઉંમરે પહોંચેલ કંઠ, કહેણી અને કવિતાની ત્રિવિધ શક્તિ ધરાવતા અલગારી લોકગાયક બાબુ રાણપુરા ચોકની નાનકડી હનુમાનજીની દેરીએથી પોતાની 24-25 વર્ષની ઉંમરથી રમવા જતા. વાદીપરા ગરબી અંગે વાત કરતાં તેઓ કહે છે કે, ‘કોઈપણ જાતનાં ઉપકરણો વિના માત્ર પ્રકૃતિનો પ્રકાશ લઈ જમણો પગ ઉપર લઈ જઈ ઠેક મારી અહીં માત્ર પુરુષો જ ગરબી રમે છે. શિવનો ડમરૂનો રૂદ્રતાલનો ભાગ નૃત્યમાં આવે તે અહીં જોઈ શકાય છે. અહીં તિથિ પ્રમાણે ગરબી ગવાય છે.’
‘લગભગ સો વર્ષ પહેલાં કેશવલાલ પરીખે આ ગરબીની શરૂઆત કરેલી. આજે પણ તેમના પરિવારને ત્યાંથી જ ગરબીની પધરામણી થાય છે. માત્ર એક વીજળીના બલ્બના પ્રકાશે કોઈપણ વાદ્ય, માઈક કે શણગાર વિના ગરબીમાં માતાજીનો ફોટો અને દીવો રાખી ગરબી પુરુષો દ્વારા જ લેવાય છે.’
પહેલે દિ’ ઘટસ્થાપ્નનો ગરબો, સોમવારે શંકર વિવાહ, બુધવારે બ્રાનો ગરબો, શનિવારે હનુમાનજીનો ગરબો, રવિવારે આનંદનો ગરબો, આઠમના દિ’ ધનુષધારીનો ગરબો એવા પ્રાચીન ગરબા તેમજ ભટ્ટ વલ્લભ ધોળા રચિત ગરબા જ ખાસ ગવાય છે. રાત્રે 10 વાગ્યે શરૂ થતા ગરબા એકાદ વાગ્યે સામાન્યત: પૂરા થઈ જાય છે.

વઢવાણમાં વાઘેશ્ર્વરી ચોકમાં પણ માત્ર પુરૂષો જ ગરબી  ગાય  છે

આવી જ એક બીજી પ્રાચીન ગરબી જ્યાં પુરુષો દ્વારા જ ગવાય છે તે વઢવાણના વાઘેશ્ર્વરી ચોક નવરાત્રી યુવક મંડળની ગરબી છે. જ્યાં કોઈ હોદ્દેદાર નથી. આ ગરબી અંગે વાત કરતાં વઢવાણના કલાકાર શ્રી કિરણભાઈ ત્રિવેદી કહે છે કે, ‘સો વર્ષથી વધુ પુરાણી આ ગરબી અગાઉ બ્રાણની ગરબી ગણાતી, જ્યાં પરંપરાગત પિતાંબર (મુકુટો) કે ધોતી પહેરીને ભૂદેવો ગરબા ગાતા. આજે અન્ય જ્ઞાતિના લોકો પણ ગરબા ગાવા આવે છે.’
શરૂઆતમાં ફાનસ અને મશાલના પ્રકાશમાં અહીં  ગરબા ગવાતા, હવે એક બલ્બનું અજવાળું હોય છે. સુશોભનમાં માત્ર ગરબી અને ચાચર અને વાજિંત્રમાં માત્ર તબલાં. માઇકનો ક્યારેય ઉપયોગ અહીં નથી કર્યો. અહીં માત્ર પુરાતન ગરબા જ ગવાય છે અને તે પણ દિવસ-દિવસ મુજબના ખાસ ગરબા. ચોથા અને છઠ્ઠા નોરતાના દિ’ શિવવિવાહ, પાંચમા નોરતે શણગારનો ગરબો, સાતમા નોરતે બ્રાનો ગરબો, આઠમના દિ’ ધનુષધારીનો ગરબો, પાંચ કડા, ચાચર વધાવવાના તથા ક્ષમાપ્ના ગરબા ગવાય છે. કોરડા લેવાની પ્રથા આજે પણ ચાલુ છે.
કોરડા એટલે લોખંડની પાંચ સાંકળોની સેર જે હવામાં વીંઝી વ્યક્તિ પોતાના બરડા પર મારતા હોય છે. યુવાનો પણ આમાં ઉમંગથી ભાગ લે છે.
છઠ્ઠા નોરતાના દિ’ શુદ્ધ શાસ્ત્રીય રાગ પર આધારિત ‘લોલનો ગરબો’ ગાવાની પ્રથા હતી જે આજે હયાત નથી રહી, કારણ કે આ પ્રકારનો ગરબો ગવરાવનાર લાયક વ્યક્તિઓ હયાત નથી. બે કે ત્રણ વ્યક્તિ ગરબો ગવરાવે અને બાકીના બધા ફેર ફરતા ગરબો ઝીલે. બહેનો ફરતી જગ્યામાં બેસીને ગરબા જુએ છે.
આઠમા નોરતાને દિ’ ધનુષધારીનો ગરબો તેમજ અન્ય ગરબા બીજે દિ’ સૂર્યોદય સુધી ચાલે છે. અહીં દર્શનાર્થે આવતા દરેકને પાયેલા સીંગદાણા (ખાંડની ચાસણી ચડાવેલા) તેમજ રેવડીનો પ્રસાદ શરૂઆતથી અપાય છે. આજે પણ આ પરંપરા ચાલુ છે.
આમ ઝાલાવાડ તેની વિશિષ્ટ પરંપરા સાથે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નવરાત્રીમાં પુરુષો દ્વારા પરંપરાગત રીતે કરાય. બાહ્ય આડંબર વિના ગવાતા ગરબા એમાં એક છે. 

No comments:

Post a Comment