Wednesday, September 24, 2014

ભક્તિ અને શક્તિનું પર્વ નવરાત્રી

ભક્તિ અને શક્તિનું પર્વ નવરાત્રી


તહેવારોના ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ સાથે-સાથે વર્તમાન સંદર્ભમાં સામાજિક પાસા સાથે જોડીને તેને ઊજવવામાં આવે તો સમાજ સોળે કળાએ ખીલી ઊઠે છે. આજે નવરાત્રીના પ્રસંગે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે ત્યારે આપણે  નવરાત્રી અને વિજ્યાદશમીના પૌરાણિક મહત્ત્વ, ધાર્મિક મહત્ત્વ અને વર્તમાન સામાજિક જવાબદારી વિશે ચર્ચા કરીશું.


ભારતીય સંસ્કૃતિ વિશાળ છે. અનેક ધર્મના લોકોને પોતાની છત્રછાયામાં સમાવીને બેઠેલો આ દેશ હંમેશાં તહેવારોની ઉજવણીથી ધમધમતો રહે છે. વર્ષ દરમિયાન અનેક નાના-મોટા તહેવારો ઉજવાતા રહે છે અને આ તહેવારો જ દેશના લોકોને હંમેશાં ઉત્સાહિત અને શક્તિથી ભરપૂર રાખે છે.
એક રીતે જોઈએ તો આ તહેવારોની ઉજવણીનું એક આગવું કારણ છે, માત્ર મોજ-મસ્તી ખાતર આ તહેવારોની ઉજવણી નથી થતી. દરેક તહેવારની ઉજવણી પાછળ એક સામાજિક કારણ હોય છે.
નવરાત્રી - દશેરાનું પૌરાણિક માહાત્મ્ય
આજે આપણે વાત કરવી છે ગુજરાતનાં અને હવે દેશની સીમાઓ પાર કરીને ઠેર-ઠેર પ્રસરી ગયેલા નવરાત્રીના તહેવારની. આ નવરાત્રીનું પૌરાણિક મહત્ત્વ જોઈએ તો પૃથ્વી, પાતાળ અને બ્રાંડ સમગ્ર જગ્યાએ મહિષાસુર નામનો એક રાક્ષસ ત્રાહિમામ્ વરસાવતો હતો. પાછું ખુદ બ્રાજીએ એને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી નહીં શકે. માટે તેનો નાશ કરવા બ્રા, વિષ્ણુ અને મહેશે તેમની જુદી જુદી શક્તિઓ સંકલિત કરીને દુર્ગામાતાનો અવતાર ધરતી પર ઊતાર્યો. પૂરા નવ દિવસ એક પ્રચંડ યુદ્ધ ખેલાય છે અને છેલ્લે દસમા દિવસે દુર્ગામાતાનો વિજય થાય છે. જેને આપણે દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઊજવીએ છીએ. દશેરા સાથે રામના રાવણ પરના વિજયની વાત પણ જોડાયેલી છે. એ વખતે સંરક્ષણ મંત્રાલય કરતાં યુદ્ધ મંત્રાલયનું મહત્ત્વ વધારે હતું. શિવાજીએ પણ આ જ દિવસે ઔરંગઝેબ સામે સૈન્ય દોર્યું હતું.
શૂરાતન પ્રગટાવવા ઉજવાય છે દશેરા
સમાજના લોકોમાં શૂરાતન પ્રગટાવવા માટે દશેરાનો ઉત્સવ ઊજવાય છે. આ પર્વમાં સીમોલ્લંઘનનું પણ ખૂબ મહત્ત્વ છે. સીમોલ્લંઘન એટલે બીજો કોઈ આપણી સીમામાં દખલગીરી કરે તો એનો જડબાતોડ જવાબ આપવો. યુદ્ધ જો અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વિના જ આક્રમણ કરી તેને પરાસ્ત કરવો. આ પ્રસંગે રઘુરાજા અને કૌત્સની એક કથા યાદ આવે છે. કૌત્સ એક ગરીબ ઘરનો યુવાન હતો. આશ્રમમાં અનેક ધનવાન શિષ્યોની વચ્ચે રહી ગુરુજી પાસે જ્ઞાન મેળવતો હતો. જ્યારે રઘુરાજા ખૂબ જ ભાવુક રાજા હતા. તે દર બાર વર્ષે પોતાનું તમામ ધન સમાજના કલ્યાણ માટે દાનમાં આપી દેતા અને પોતાની પાસે ફક્ત એક ધોતી રાખીને શમીના વૃક્ષ નીચે તપ કરવા બેસતા.
હવે બન્યું એવું કે કૌત્સની વિદ્યા પૂર્ણ થઈ. વિદાય લેતી વખતે તમામ ધનવાન શિષ્યોએ ગુરુને સારી એવી દક્ષિણા આપી પણ ગુરુજીએ કૌત્સ પાસેથી કંઈ પણ લેવાની ના પાડી. કૌત્સે ગુરુજીને દક્ષિણા આપવાની જીદ કરી. લાખ આનાકાની બાદ પણ એ ના માન્યો એટલે ગુરુજીએ ગુસ્સે થઈને ગરીબ કૌત્સને 14 કરોડ સુવર્ણમુદ્રા દક્ષિણામાં આપવા જણાવ્યું. ફરતો - ફરતો કૌત્સ રઘુરાજા તપ કરવા બેઠા હતા તે શમીના વૃક્ષ તરફ આવ્યો. જેવી જાણ થઈ કે રઘુરાજા તેમનું તમામ ધન દાનમાં આપીને બેઠા છે એટલે એ પાછો વળવા જતો હતો ત્યાં જ રઘુરાજાએ એને રોક્યો અને કહ્યું કે, ‘‘તું અવશ્ય મારી પાસે કંઈ લેવા આવ્યો હોઈશ...’’ મારી પાસેથી કોઈ પાછું જાય એ મને મંજૂર નથી. માગ વત્સ તારે શું જોઈએ છે ? અને કૌત્સે 14 કરોડ સુવર્ણમુદ્રા માગી.
રઘુરાજા પાસે તો કંઈ જ હતું નહીં. એમણે કુબેર પાસે 14 કરોડ સુવર્ણમુદ્રા ઉધાર માગી. કુબેરે ના પાડી એટલે એમણે એમની સીમા ઉલ્લંઘીને કુબેર પર બાણ ચઢાવ્યું અને શમી પર સુવર્ણમુદ્રાઓનો વરસાદ થયો. આખા ઢગલામાંથી કૌત્સે ફક્ત 14 કરોડ મુદ્રા લીધી. જરૂરથી વધારે ન લેવું એવો કૌત્સનો આગ્રહ હતો તો સામે રાજકોષમાં આ ધન ન સમાવવા માટે રઘુરાજાનો આગ્રહ હતો. આજે પણ ઘણી જગાએ શમીનાં પાંદડાંઓ સુવર્ણમુદ્રાના પ્રતીકરૂપે ભેટમાં અપાય છે.
આમ દશેરા એટલે સમાજમાં રહેલી દીન, હીન, લાચાર મનોદશા અને ભોગવૃત્તિને ખતમ કરવા કેડ કસવાનો દિવસ. ધન-વૈભવ અને અલબત્ત સુખ પણ વહેંચીને ભોગવવાનો દિવસ. દશેરા એટલે નવ-નવ નોરતાંની આરાધના બાદ આવતો વીરતાનો વૈભવ, શૌર્યનો શણગાર અને પરાક્રમનું પર્વ.

અનિષ્ટોનો નાશ કરવાનું પર્વ

નવરાત્રીનો ઉત્સવ મહિસાસુર જેવા દેશનાં અનિષ્ટોના નાશ માટે  શક્તિ સંકલિત કરવાનું પર્વ છે. નવરાત્રી એ આસુરી વૃત્તિ પર વિજય મળે તેવી પ્રાર્થના કરવાનો અવસર છે.
અસુર એટલે ‘અસુષુ રમન્તે ઇતિ અસુરા:’ એટલે કે ભોગોમાં જ રમમાણ - આત્મલક્ષી વ્યક્તિ. ભોગોમાં જ અસુર રહેલો છે. નવરાત્રી એના નાશ માટે સંઘબળનું પર્વ છે. સંગઠનનું પર્વ છે. સ્ત્રીશક્તિ એ માનવજાતનું ગર્ભસ્થળ છે, માટે સ્ત્રી સૌ પ્રથમ મા છે, શક્તિ છે, જગતજનની છે, આદ્યશક્તિ છે. નવ મહિનાના ગર્ભાધાનકાળના પ્રતીકરૂપે આ શક્તિપૂજન નવ દિવસ ઉજવાય છે. માટીના કાચા ઘડામાં એકાવન શક્તિ, આહ્વાન છિદ્રો વચ્ચે પ્રગટાવેલી જ્યોત સાથે મૂકી, શક્તિની આરાધનાનું આ નવરાત્રી પર્વ દુનિયાની તમામ સંસ્કૃતિથી ભારતીય સંસ્કૃતિને જુદી તારવે છે. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં સ્ત્રી પ્રત્યેનો આવો પૂજનીય ભાવ અકલ્પ્નીય છે.
નવી પેઢીનાં નોરતાં
ખરેખર તો આ નવ દિવસ એ શક્તિની આરાધનાના દિવસ છે. તમે વર્ષો પહેલાં રમાતા ગરબાના સ્ટેપ્સ જોશો તો ખ્યાલ આવશે કે એ શરીરમાં ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર હતા. જૂના - જમાનાના રાસ, રાસડો, ગરબા, ગરબી, હિંચ, ટીટોડો વગેરેનાં સ્ટેપ્સથી શરીરને એક અનેરી ઊર્જા પ્રદાન થતી હતી. નવરાત્રીના નવે - નવ દિવસ ચાલતા આ ગરબાનું મૂળભૂત ધ્યેય અનેક આયામોથી ભરપૂર હતું. તેમાં નૃત્યના આનંદની સાથે સાથે ભક્તિ, આરાધના અને સમાજસુરક્ષા પણ જોવા મળતી હતી. આ નવ દિવસમાં ગરબા ગાઈ અને રમીને લોકો સમગ્ર શરીરમાં શક્તિનો સંચાર કરતા અને એ શક્તિનો સમાજસુરક્ષા માટે ઉપયોગ કરતા. વધુમાં મનને એક આનંદ પણ પ્રાપ્ત થતો. આજકાલ આનંદના નામે થતી મસ્તીનો પ્રભાવ વધતો દેખાય છે. બાકી નવરાત્રીની ઉજવણી પાછળના મોટાભાગના આશયો લાઉડસ્પીકરોના ઘોંઘાટમાં ચગદાઈને પ્રભુને પ્યારા થઈ ગયા છે.
જનરેશન ફશન : એક ટેન્શન
એક વાત સમજીએ કે જનરેશન બદલાય એટલે ફશન બદલાય, પણ જે ફશન સંસ્કૃતિના ભોગે બદલાતી હોય તેે ફશન ના કહેવાય પણ ટેન્શન કહેવાય. એમાંય છેલ્લાં દસ - પંદર વર્ષમાં તો લોકોએ જડમૂળથી એની કાયાપલટ કરી નાખી છે. જૂના-જમાનાની નવરાત્રી, ત્યારના રાસ ગરબા, બધું ભૂલી જઈએ. નવા જમાનાનો બદલાવ સ્વીકારી લઈએ. છતાં છેલ્લાં થોડાંક વર્ષોમાં તો ગરબાના પટમાંથી ગવાતા અને રમાતા બંને ગરબાઓ અદ્શ્ય થઈ જાય છે. એમાંય જ્યારથી શેરી ગરબાનું સ્થાન પાર્ટી-પ્લોટોએ લીધું છે ત્યારથી તો ગરબો ‘ગરબો’ જ નથી રહ્યો. આખા - ગામ કે સોસાયટીના તમામ યુવક-યુવતીઓના સર્કલથી બનતા મોટા ગોળ ગરબાને બદલે આજકાલ બે-પાંચ જણાનાં ગ્રૂપ મનફાવે એવી અંગભંગિમાઓ આદરીને ગરબાની આખી શૈલીને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
ગરબા ગુમ... ગીતો ગાજ્યાં
ગવાતા ગરબામાં પણ ‘મા પાવા તે ગઢથી...’’ ‘‘ચપટી ભરી ચોખાને...’’ ‘‘ખોડિયાર છે જોગમાયા...’’ જેવા અનેક ગરબાઓ માત્ર કસેટની પટ્ટી પર ફેરફૂદરડી ફરી રહ્યા છે અને ક્યારેક કોઈ પાર્ટી પ્લોટમાં એ ગવાય છે તો એને રિ-મિક્સ કરીને એના શબ્દો સુધ્ધાંમાં ફેરફાર કરીને ખૂબ જ બેહૂદી રીતે રજૂ કરાય છે. એમાંય હમણાં થોડાં વર્ષોમાં હિન્દી ફિલ્મી ગીતોએ, અને બે-ચાર ગરબા ગાઈને ગાયક બની બેઠેલા ગાયકોએ તો નવરાત્રીને સાવ ઉઘાડી કરી નાખી. બે-ચાર વર્ષ પહેલાં જ નવરાત્રીમાં એક પાર્ટી પ્લોટમાં ‘‘ભીગે હોઠ તેરે... પ્યાસા દિલ મેરા... કભી કોઈ રાત મેરે સાથ ગુજાર...’’ એ ગીત પર જુવાનિયાઓ ગરબા રમી રહ્યા હતા. વિચાર કરો માતાજીના પટમાં માતાજીની છબી સામે રાત ગુજારવાની વાત થાય છે.
ઉપરાંત, ‘‘મધરો દારૂડો મેં... પીધો...’’ ‘‘જલસા કર બાપુ જલસા...’’ જેવાં કેટલાંય ગરબાના પટની ગરિમાને અયોગ્ય એવાં ગીતોએ ધૂમ મચાવી છે. ગઈ સાલની જ વાત કરીએ તો નવરાત્રીના નવે... નવ દિવસ તમામ પાર્ટી પ્લોટોમાં ‘‘સનેડો’’ ધૂમ મચાવતો રહ્યો. એક વાર આ ગીતના ‘અંતરા’ સાંભળ્યા પછી ખબર પડે કે ખરેખર આ ગીત માતાજીના પટમાં ગવાય જ નહીં...
એ જ રીતે વસ્ત્રોમાં પણ ઘણો ચેન્જ આવી ગયો છે. જો કે પહેલાંના જમાનાની જેમ અત્યારે પણ યુવકો કેડિયાં પહેરે છે અને યુવતીઓ ઘેરદાર ઘાઘરો પહેરે છે. પણ પ્રશ્ર્ન છે એમના ટોપ્નો. પેલી માથાના વાળથી લઈ હાથના કાંડા સુધીના અંગો ઢાંકતી ચૂંદડી ફશનના વાયરામાં ક્યાંક ઊડી ગઈ છે. એના બદલે પૂરી પીઠ અને અડધી છાતી દેખાય એવી બેકલેસ ચોલી આવી ગઈ છે.
એક સમયે માતાજીના ગરબા થતા હોય તે પટમાં ચપ્પલ પહેરીને જવાની પણ મનાઈ હતી જ્યારે આજે મેચિંગની મોજડી અને ચમકતા ચપ્પલ ફશનનો એક ભાગ બની ગઈ છે.
મોટાં શહેરોનો નવરાત્રી ઉત્સવ એક ફશન પરેડ બનીને રહી ગયો છે. જાણે વસ્ત્ર પરંપરાનું સંકરણ થઈ ગયું છે. પેન્ટ ઉપર સાડી, કેડિયા ઉપર સનગ્લાસ ચશ્માં (હા, અંધારામાંય), કાળા થવાનો મેકઅપ, અવનવા ટેટુ અને વહેલી સવાર સુધી એક પાર્ટી પ્લોટથી બીજા સુધીની દોડધામ.
આપણાં શાસ્ત્રોમાં ચૈત્રી નવરાત્રી કે આસો નવરાત્રીમાં રાત્રીના બીજા પ્રહર પછી ખુલ્લા આકાશમાં સૂવું કે બેસવું નિષેધ ગણાયું છે. જ્યારે અહીં તો બીજા પ્રહર પછી જ બહાર  નીકળાય છે. બારના ટકોરે રાગડા ખેંચવાનો પ્રથમ સૂર ખેંચાય છે.
ગરબાનું વ્યવસાયીકરણ
જ્યારથી ગરબા શેરીમાંથી હટીને પાર્ટી-પ્લોટ્સમાં ઊજવાતા થયા છે. ત્યારથી એનું વ્યાવસાયીકરણ થઈ ગયું છે. ભક્તિનું આ પર્વ નવરાત્રી અગાઉ ગરબાના  વર્ગો  શરૂ થઈ જાય છે. જેમાં હજારો રૂપિયાની ફી લઈને નાસ્તા પાણીનાં સ્ટોલ્સ ઊભા કરીને ત્રણ-ત્રણ ચાર-ચાર ગણા ભાવ લઈ રીતસરની લૂંટ ચલાવવામાં આવે છે. ગરબા શીખવાના પણ પૈસા, ગરબા ગાવા માટે પણ પૈસા અને ગરબાના સ્થળે ઊભા રહેવા માટેના પણ પૈસા. આજકાલ ગરબો આર્થિક બોજ બની ગયો છે. બને ત્યાં સુધી એનું વ્યાવસાયીકરણ અટકાવીએ તો સારું.
07.jpg
ભક્તિ અને શક્તિના પર્વને મસ્તીનુંપર્વ બનતાં અટકાવો
ઘણા લોકો કહેશે કે નવી પેઢી એમના જમાના મુજબ હરે-ફરે, કપડાં પહેરે એમાં ખોટું શું છે ? એમાં ખોટું તો કંઈ જ નથી. પણ નવરાત્રીના નામે યુવાપેઢી કુછંદે ચઢે એ અયોગ્ય છે.
જો કે સાવ એવું પણ નથી. આખી ને આખી નવી પેઢીને દોષ દેવો એ ભૂલ કહેવાય. કહેવાનું એેટલું જ કે નવરાત્રીના નામે આપણી સંસ્કૃતિમાં કેટલાંક દૂષણો ભળી રહ્યાં છે. હજુ મોડું નથી થયું, સમય છે.  યુવાનીના થનગનતા ઘોડા પર સહેજ લગામ રાખી નવી પેઢીની ઘોડાગાડીને કાબૂમાં કરી શકાય તેમ છે. બસ લગામ હાથમાં રાખો પછી એને જે રીતે મનફાવે તેમ જ્યાં વિહરવું હોય ત્યાં વિહરવા દો, જેથી એ ખોટા માર્ગે પહેલું જ ડગલું માંડે ત્યાં એને રોકી શકાય.
બીજી એક વાત કાનની બૂટ પકડીને કબૂલવી પડે કે નવરાત્રીના પર્વને ભક્તિભાવથી ઊજવે છે એવા લોકો પણ ઓછા નથી. આ બગાડનું બીજ તો હજુ મોટાં શહેરોમાં જ રોપાયું છે એમ કહી શકાય. બાકી હજુ એવાં કેટલાંય ગામડાંઓ અને કેટલીય સોસાયટીઓ, શેરીઓ કે ફળિયાંઓ મોજૂદ છે જ્યાં માતાજીની છબી આગળ મૂકેલા ગરબાનાં છિદ્રોમાંથી રેલાતા પ્રકાશના અજવાળામાં ભારતની સંસ્કારિતા પૂરેપૂરી શાલીનતા અને ભક્તિભાવથી ગરબે ઘૂમતી જોવા મળે છે. હોમ, હવન, યજ્ઞ, ચંડીપાઠ, અનુષ્ઠાન, ઉપવાસ, આરતી, ભક્તિ વગેરે કરીને માતાજીના પર્વની પૂરેપૂરી ગરિમા જાળવનારો પણ એક મોટો વર્ગ છે. જેને લીધે જ આપણી સંસ્કૃતિ હજી ટકી રહી છે.
આ લેખ લખવા પાછળનો હેતુ માત્ર નવરાત્રીના પાવન પર્વમાં ઘૂસણખોરી કરવા મથી રહેલા કેટલાંક અનિષ્ટો તરફ ધ્યાન દોરવાનો અને માત્ર એટલું કહેવાનો છે કે આ પાવન પર્વ ભક્તિ અને શક્તિનું છે. એના બદલે માત્ર મસ્તીનું બનીને ના રહી જાય એનું ધ્યાન રાખવાની ફરજ આપણી છે. નવરાત્રીના આ ગરબાની સાચી ગરિમા જાળવવાનું ભગીરથ કાર્ય યુવાવર્ગને સોંપતા પહેલાં તેમને ગરબાની સાચી ગરિમા સમજાવવા માટે છે.
આપણે નવ દિવસમાં નવ મિનિટ ખર્ચીશું તો પણ ઘણો... ઘણો... ઘણો ફરક પડશે. બાકી નવે નવ રાત્રીને પૂરેપૂરા થનગનાટ... તરવરાટ... રણઝણાટ... ધમધમાટ અને ઝગમગાટથી માણવામાં કશો વાંધો નથી.       - રાજ ભાસ્કર

No comments:

Post a Comment