Thursday, October 1, 2015

‘હું પોતાને સનાતની હિંદુ કહું છું’ - મો. ક. ગાંધી

૨જી ઑક્ટોબર, ૨૦૧૫ : ગાંધીજયંતી નિમિત્તે
સનાતન હિન્દુધર્મ વિશે મહાત્મા ગાંધીજીના
પ્રેરક વિચારો...

‘હું પોતાને સનાતની હિંદુ કહું છું’ - મો. ક. ગાંધી

‘રેંટિયા બારશ’ તરીકે જેમનો જન્મદિન સમસ્ત ભારતવર્ષમાં વિખ્યાત થયો; એ સુદામાપુરી-પોરબંદરના વૈષ્ણવ-વણિક પરિવારમાં જન્મેલ, મોહનદાસમાં એવું તે શું હતું કે; સ્વયં નેતાજી સુભાષચંદ્ર બોઝે એમને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સન્માનેલા?! એકતરફ ઘરઆંગણે લાલ-બાલ-પાલના નેતૃત્વમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) સ્વાતંત્ર્ય આંદોલન-યજ્ઞને પ્રજ્જ્વલિત કરી રહી હતી... અને સ્વામી વિવેકાનંદ ‘શિકાગો’ વ્યાખ્યાન થકી જાગતિક મંચ ઉપર ભારતવર્ષની વૈશ્ર્વિક - સંવાદિતાની આધ્યાત્મિક-જ્યોત પ્રગટાવી રહ્યા હતા; તો આ તરફ શ્રી અરવિંદ માતૃભૂમિની પુકાર પર વડોદરા રાજની માન-અકરામવાળી નોકરીને તિલાંજલિ આપી, બંગભંગ વિરોધી સ્વાધીનતા સંગ્રામના મહાનાયક બનવા કલકત્તા જઈ પહોંચેલા! ત્યારે બીજીતરફ બૅરિસ્ટર મોહનદાસ ગાંધી, દક્ષિણ આફ્રિકામાં માનવગૌરવ અને માનવમાત્રની સમતામૂલક સ્વાધીનતાના સત્યાગ્રહી-સંગ્રામની મશાલ પ્રદીપ્ત કરી રહ્યા હતા. બૅરિસ્ટર મોહનદાસ પણ વિવેકાનંદ - અરવિંદની પરંપરામાં ભારતમાતાના મહાન સપૂત હતા... જેમણે સનાતન હિંદુધર્મના મહાન આદર્શોને જીવનમાં આચરીને ન કેવળ ભારતમાં, પરંતુ વૈશ્ર્વિક-સ્તરે પણ ‘મહાત્મા’નું ગૌરવપદ પ્રાપ્ત કરીને... સુદૂર સંયુક્ત-રાજ્ય અમેરિકામાં પણ; અબ્રાહમ લિંકનની હરોળનું સન્માન પ્રાપ્ત કરી, માર્ટીન લ્યૂથર કિંગ (જુનિયર), જ્હોન કેનેડી અને બરાક ઓબામાનું પણ ગુરુપદ પ્રાપ્ત કર્યું. આ બીજી ઑક્ટોબરે ૧૪૭મી ગાંધી-જયંતીના સુમંગલ અવસરે; સનાતન હિન્દુધર્મ વિશેનાં તેમનાં વિચારો પ્રાસંગિક-પ્રેરણાદાયી બની રહેશે...
‘હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો  અનુભવ થાય છે.’... : મહાત્મા ગાંધી

ગાંધીજી સત્ય - અહિંસાના તેમના આદર્શોથી સમગ્ર રાષ્ટ્રના સન્માનિત ‘બાપુ’ તો બની રહ્યા... એ સાથે જ તેમની માનવીય સંસ્પર્શયુક્ત કરુણા અને સંવેદનશીલતાથી વિશ્ર્વવંદ્ય પણ બન્યા. એના મૂળમાં તેમના પ્રારંભિક જીવનમાં રહેલ ‘રામ નામ’માં શ્રદ્ધા અને ‘વૈષ્ણવજન’ ભક્તિ-કાવ્યમાં પ્રગટ થયેલ અને પાછળથી જેનો ‘એકાદશ-વ્રત’ તરીકે મહિમા થયો છે - એ સનાતન હિંદુધર્મનાં શાશ્ર્વત જીવનમૂલ્યો પ્રત્યેની ગાંધીજીની પરમનિષ્ઠા કારણભૂત છે. ગાંધીજીએ જરા પણ સંકોચ વગર ઉચ્ચાર્યું છે : ‘હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે.’ ... ‘વળી, હિંદુ સમાજ મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે છે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું... વહેવારની ભાષામાં કહીએ તો, જે ઈશ્ર્વરને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે અને જે વર્ણાશ્રમ-વ્યવસ્થા અનુસાર (તેના મૂળ સ્પિરિટમાં) કર્મ કરે છે, તે હિંદુ છે’... હિંદુ ધર્મનું એ સદ્ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પણ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો કોઈ મને હિંદુધર્મની વ્યાખ્યા આપવાનું કહે, તો હું એટલો જ જવાબ આપું કે હિંદુધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્ર્વરમાં માનતો હોય કે ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુધર્મ. જો આ ધર્મ હાલમાં મૃત:પ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ, પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્ર્વમાં ઝળકી ઊઠશે... હિંદુ ધર્મ બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એના સિદ્ધાંતો સર્વગ્રાહી છે.’ (‘હિંદુ ધર્મનું હાર્દ’ : સંપાદક : વિશ્ર્વાસ બા. ખેર, નવજીવન પ્રકાશન, પૃષ્ઠ ૩થી ૬... એપ્રિલ, ૨૪, ૧૯૨૪ના ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીના લખાણને આધારે...)

ઉપરોક્ત પુસ્તકમાં પ્રારંભમાં જ ગાંધીજી જણાવે છે કે, સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને ગ્રીક લોકો ‘સ’ને બદલે ‘હ’ ઉચ્ચારણ કરી, ‘હિંદુ’ કહેવા લાગેલા. તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે, એ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. ઇઝરાયલના યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે.’

સનાતન હિંદુ ધર્મ એ સંદર્ભમાં ‘સનાતન’ છે કે તેનું જીવનદર્શન, જીવનમૂલ્યો અને અધ્યાત્મ-દર્શન ચિરકાલીન છે. એ દેશાતીત, કાલાતીત છે... એટલે જ એ સાર્વદેશિક, સાર્વભૌમ અને અખિલાઈમાં વિહરતું સર્વોચ્ચ કોટિનું બૌદ્ધિક પ્રતિભાસંપન્ન ચિંતન છે... આ અર્થમાં ‘સનાતન’ એટલે યુનિવર્સલ... ઇટર્નલ વૈશ્ર્વિક... સાર્વદેશિક, સર્વકાલિક છે. તેથી જ તેનો કોઈ આદ્યસંસ્થાપક નથી... કે નથી કોઈ એનું એક માત્ર અધિકૃત પુસ્તક... ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ તેમના ‘હિંદુ વ્યૂ ઓફ લાઇફ’માં જણાવે છે : ‘હિંદુ ધર્મ એ કોઈ બંધિયાર સરોવર નથી, પરંતુ નિત્ય વહેતું ચૈતન્યમય ઝરણું છે. પરિપક્વ ફળ નહીં, પરંતુ વિકસતું વૃક્ષ છે. હિંદુધર્મ અને હિંદુદર્શન એ કોઈ અંધ-માન્યતાઓનું પોટલું નહીં; પરંતુ આકાશ સદૃશ વ્યાપક વિચાર છે...’ આવા સનાતન સિદ્ધાંતોથી પ્રેરિત હિંદુધર્મના વ્યવહારુ આયામો કયા છે? અને એ સંદર્ભમાં મહાત્મા ગાંધીજી એ વિશે શું વિચારતા અને આચરતા એ જાણવું હાલના સંદર્ભમાં અત્યંત પ્રાસંગિક છે. 

ગાંધીજીના મત મુજબ હિંદુ ધર્મના મુખ્ય આયામો... 

(૧) મત સહિષ્ણુતા કે ઉદારમતવાદ, (૨) પ્રકૃતિમાતા સાથેની આત્મીય-સંવાદી જીવનશૈલી, (૩) ઋષિ અને કૃષિ - સંસ્કૃતિના કેંદ્રમાં ગોરક્ષા અને ગો-સંવર્ધન, (૪) વ્યક્તિ-જીવન અને સામૂહિક જીવનમાં સદાચરણ અને નીતિમત્તા, (૫) સાધ્ય-સાધનમાં શુદ્ધિ અને નૈતિકતાની અનિવાર્યતા,
(૬) વૈષ્ણવજનનો આદર્શ : એકાદશ વ્રત, (૭) સ્વધર્મ અને સ્વરાજનું અભિન્નત્વ, (૮) ગીતાનું તત્ત્વજ્ઞાન : ભારતીય ચિંતનનું નવનીત, (૯) જાહેર જીવનમાં આદર્શવાદ : ‘રામરાજ્ય’ની સંકલ્પના, (૧૦) વિશ્ર્વ બંધુત્વ અને વૈશ્ર્વિક-સંવાદિતા (૧૧) ભારતની સમસ્યાઓનો ગાંધી ઉકેલ... (ક) સ્વદેશી (ખ) વિકેંદ્રીકરણ (ગ) ગ્રામ-સ્વરાજ (ઘ) અંત્યોદય (ચ) મનુષ્યકેંદ્રી કેળવણી વ્યવસ્થા અને તદ્અનુરૂપ વિકાસ-મૉડલ (છ) વસ્તી-વૃદ્ધિની સમસ્યાનો ઉકેલ... સંયમિત જીવન અને શક્ય હોય ત્યાં સુધી મશીનને સ્થાને વધુ હાથ દ્વારા વધુ ઉત્પાદન અને તેની ન્યાયી વહેંચણી. (જ) ભારતીય સંસ્કૃતિની મેઘધનુષી સંકલ્પનાનું સંરક્ષણ અને સંવર્ધન. (ઝ) સ્વતંત્ર - સશક્ત સુસંપન્ન ભારતવર્ષ - એકરસ-આત્મીયપૂર્ણ ભારતવર્ષ; વૈશ્ર્વિક સ્વાધીનતા - સમરસતા અને માનવની ઊર્ધ્વગતિ માટેનું સશક્ત-સંબલ...!
આ સંદર્ભમાં સ્વયં ગાંધીજીએ ઉચ્ચાર્યંુ છે : મારી વાતમાં નવું કાંઈ જ નથી. ભારતીય-દર્શન અને સનાતન હિંદુધર્મની પ્રાચીન પરંપરામાં એ સઘળું સુપેરે સમાવિષ્ટ છે જ. સાંપ્રત રાષ્ટ્રીય સમસ્યાઓ હોય કે આંતર્રાષ્ટ્રીય સમસ્યાઓ. ગાંધીદર્શનમાં એ સહુનો રચનાત્મક ઉકેલ જોવા મળે છે. વાત આપણી ઋષિ-કૃષિ સંસ્કૃતિના કેન્દ્રમાં રહેલ ગોરક્ષાની હોય કે, પર્યાવરણ-રક્ષાની, શોષણવિહીન ન્યાયી સમાજ-વ્યવસ્થાની વાત હોય કે, જાહેર-જીવન અને રાજનીતિમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોના સંરક્ષણ-સંવર્ધનની, મનુષ્યકેન્દ્રી આર્થિક વિકાસની બાબત હોય કે રાષ્ટ્રીય એકતાની... સ્વદેશી, સ્વાવલંબન, વિકેન્દ્રીકરણ કે ગ્રામ-સ્વરાજની વાત હોય કે, ખાદી, કુટીર-ઉદ્યોગ, ગ્રામોદ્યોગની બાબત હોય... આ સઘળી બાબતોના વિમર્શમાં આજે દેશમાં અને વૈશ્ર્વિક સ્તરે ગાંધીદર્શનમાં તે સઘળી સમસ્યાઓના ઉકેલની ગુરુચાવી છે. મહાત્મા ગાંધીજીની વાત આપણી સનાતન હિંદુ-સંસ્કૃતિ અને ભારતીય દર્શનના પાયા ઉપર જ સુપ્રતિષ્ઠ છે. એટલે તો ગાંધીજીએ સામાન્ય માનવીને અપીલ થાય એવા, વિદેશી અંગ્રેજ શાસનના મીઠા ઉપરના અન્યાયી કરવેરાને નિમિત્ત બનાવી, ઐતિહાસિક દાંડીકૂચ દ્વારા સ્વરાજ-સંઘર્ષને જનઆંદોલનમાં રૂપાંતરિત કરેલ. આ અર્થમાં ગાંધી-વિચાર એ સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, લાલ-બાલ-પાલની પરંપરાનો જ નવ- ઉન્મેષ છે. સાંપ્રત સંદર્ભમાં આ જ વાત પં. દીનદયાલ ઉપાધ્યાયજીના ‘એકાત્મ માનવ દર્શન’ રૂપે આજે આપણા વિમર્શનું કેન્દ્ર બનેલ છે. દીનદયાલજીનું દર્શન એ સનાતન ભારતીય દર્શનના ગાંધીમુકામથી, વિચાર-યાત્રાનું આગળનું સોપાન છે એમ નિ:શંક કહી શકાય...

‘સ્વદેશી’

આજે જ્યારે આપણે એફ.ડી.આઈ.ના માહોલમાં છીએ ત્યારે; ગાંધીજીની ‘સ્વદેશી’ની વિભાવનાની પ્રસ્તુતતા - રેલેવન્સ - કેવી? - કેટલી ?
ગાંધીજી ‘વિદેશી’ના વિરોધી નહોતા, પરંતુ એ ‘સ્વદેશી’ને ભોગે ન હોઈ શકે તેવું સ્પષ્ટ માનતા. ગાંધીજીની સ્વદેશીની સંકલ્પના એટલે : રોજબરોજના જીવનમાં આપણી આસપાસની સહજ ઉપલબ્ધ ચીજવસ્તુઓના ઉપયોગનો આગ્રહ એટલે : ‘સ્વદેશી’. આ સંદર્ભમાં આપણા નજીકના ખેતરમાં પાકતી સ્થાનિક શેરડીમાંથી બનતો દેશી ગોળ એ સુદૂર મહારાષ્ટ્રમાં બનતા કોલ્હાપુરી ગોળને મુકાબલે ‘સ્વદેશી’ની સંકલ્પનાની વધુ નજીક છે. એ જ રીતે ગુજરાત-૧૭ ચોખા એ દહેરાદૂની બાસમતી ચોખાને મુકાબલે સ્વદેશીની વધુ નજીક છે; એ થયો ગાંધીજીનો ‘સ્વદેશી’ વિચાર.

જાહેરજીવનમાં આદર્શવાદ - ‘રામરાજ્ય’ની સંકલ્પના...

ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વરાજની આપની સંકલ્પનાને આપ કઈ રીતે વર્ણવશો? પ્રત્યુત્તરમાં ગાંધીજીએ તત્કાળ જણાવ્યું, ‘મારે મન સ્વરાજ એટલે રામરાજ્ય.’ રામરાજ્યની સંકલ્પનામાં ગાંધીજી એવું સ્વપ્ન સેવે છે કે, રામરાજ્ય એટલે ન્યાયી-સમાજ, શાસનકર્તા અને જનતા વચ્ચેનો સ્નેહસેતુ... ઉભય વચ્ચે સંવાદ અને સુસંવાદિતા. શાસનકર્તાનો એક માત્ર ધર્મ - રાજધર્મ. એ રાજધર્મને નિભાવવા નિજી જીવનમાં શાસકને ગમે તેટલું વેઠવું પડે તો પણ (યાદ કરીએ રામનું હૃદય વલોવતો સીતા-ત્યાગ પ્રસંગ) કર્તવ્યભાવથી સર્વોચ્ચ આદર્શ માટે સમર્પિતભાવથી વર્તવું - જીવવું; એને ‘રાજધર્મ’ તરીકે ગાંધીજીએ સુપ્રતિષ્ઠ કર્યો છે.

ગાંધીદર્શન અને ગાંધીવિચારના આત્મીય મૂલ્યાંકન સંદર્ભમાં એમ કહી શકાય કે, ગાંધીજીનું સમગ્ર જીવન અને ચિંતન આપણી તળ ધરતીમાંથી પ્રગટ થયું છે. ગાંધીવિચાર-આચારમાં ભારતવર્ષની માટીની મહેંકની ઊંડી અનુભૂતિ થઈ આવે છે. હાલના માહોલમાં જ્યારે ‘સેક્યુલરિઝમ’ને નામે - કથિત ‘ધર્મનિરપેક્ષતા’ને નામે ક્યારેક રાજકીય સ્વાર્થવશ આપણા વિમર્શમાં આપણે જ્યારે ‘ગાંધીજી વિરુદ્ધ સાવરકરજી’ કે  ‘ગાંધીજી વિરુદ્ધ સુભાષબાબુ’ એવી પ્રસ્તુતિ કરીએ છીએ ત્યારે; આ મહાનુભાવો આપણી મૂર્ખામી ઉપર અવશ્ય હસતા હશે! ભારતમાતાના આ સઘળા મહાન સપૂતોએ એમની બુદ્ધિ-શક્તિ-કૌશલ્ય પ્રમાણે; તેમના સમર્પિત જીવનપુષ્પ દ્વારા ભારતમાતાના ચરણોમાં પુષ્પ-પૂજા કરી છે. ભારતમાતાને એ સઘળાં જીવનપુષ્પો એક સમાન વ્હાલાં છે એ રખે ભૂલીએ!
આ સંદર્ભમાં ‘ગાંધીવાદ’ જેવું કશું નથી. એ તો છે ભારતવર્ષની સનાતન ધારા... એની ‘હોલસેલ ડીલરશીપ’ ગાંધીજીએ કોઈને પણ આપી નથી! તેથી એક તરફ ‘ગાંધીવાદ’ વિરુદ્ધ ‘રાષ્ટ્રવાદ’ જેવું કશું હોઈ શકે નહીં. એવી જ રીતે મહાત્મા ગાંધીએ કાળજીથી ઉછેરેલી કોંગ્રેસ પણ; ‘નવા ગાંધી’ના પરિવારવાદમાં ગૂંગળામણ અનુભવે છે તેની વિમુક્તિ પણ અનિવાર્ય છે!
ભારતવર્ષ ‘અનેકાંત’ દર્શનમાં ઊછર્યું છે અને પાંગર્યું છે. અહીં ઈશ્ર્વરવાદી અને નિરીશ્ર્વરવાદીની સહોપસ્થિતિ અને સન્માન છે. એટલે તો ભારતીય સંસ્કૃતિને મેઘધનુષી-સંસ્કૃતિનું ગૌરવ મળ્યું છે. તેથી જ, ‘તેરે સૂર ઔર મેરે ગીત દોનોં મિલકર બનેગી પ્રીત!’ એ સુખ્યાત ગીતમાં સ્વર લતાજીનો છે... શરણાઈનું પાર્શ્ર્વસંગીત બિસ્મિલ્લાખાનનું છે! ઉભય ભારતમાતાનાં શ્રેષ્ઠ સંતાનો છે! આવો સૂરિલો સંવાદી - સમાજ ગાંધીજીનું સ્વપ્ન હતું !

ગાંધીજીના ચિંતનમાં ‘રાષ્ટ્રધર્મ’ અને ‘માનવધર્મ’ એ અલગ-અલગ સંકલ્પનાને બદલે પરસ્પર પૂરક - ધારક અને ઉદ્ધારક તત્ત્વરૂપ હતાં... એટલે તો ગાંધીજીએ તેમની વિખ્યાત ઉક્તિમાં કહ્યું છે : ‘હું મારા ઘરનાં તમામ બારી-બારણાં ખુલ્લાં રાખવા ઇચ્છું છું; જેથી સમગ્ર વિશ્ર્વના પવન મારા ઘરમાં પ્રવેશી શકે, પરંતુ એ સાથે જ મારા પગ હું મજબૂતાઈથી મારા ઘરમાં ખોડી રાખવા માગું છું; જેથી એ બહારના પવનથી, મારા પગ ઊખડી ન પડે!’ આવી હતી ગાંધીજીની ‘ઘરે-બાહિરે’ સંદર્ભમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ!

અંત્યોદય

મહાત્મા ગાંધીજીએ દેશજનતાને માર્મિક અપીલ કરતાં ઉચ્ચાર્યું છે કે, જ્યારે પણ તમને કોઈ કાર્ય કરવું યોગ્ય છે કે અયોગ્ય? - આવો પ્રશ્ર્ન મૂંઝવે ત્યારે એમ કરવાથી આપણા સહુથી છેવાડાના દીન-હીન-અકિંચનનું હીત થાય છે કે નહીં? એ બાબતને કસોટીનો પથ્થર સમજી, જે તે બાબતનો આખરી નિર્ણય કરવો રહ્યો. મહાત્મા ગાંધીજીને આ વિચાર રસ્કિનના ‘અન ટુ ધિસ લાસ્ટ’માંથી પ્રાપ્ત થયા છે. આજકાલ આપણે જે મહાન દાર્શનિકની જન્મશતાબ્દી ઉજવણીનો પ્રારંભ  કરી રહ્યા છીએ એ, પં. દીનદયાલ ઉપાધ્યાયજીએ તેને માટે ‘અંત્યોદય’ શબ્દપ્રયોગ કર્યો છે. ગાંધીદર્શનમાં આ વિભાવનાને સર્વોચ્ચ પ્રાથમિકતાનું સ્થાન પ્રાપ્ત થયેલ છે.