Wednesday, September 10, 2014

vivekananda chicago speech ....September 11

    શિકાગો પ્રવચન - સિંહગર્જના

હેલો યંગ ફ્રેન્ડ્ઝ !
કેમ છો ?
49.jpgતમે સૌ જાણતા હશો કે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતી સમગ્ર વિશ્ર્વમાં આ વર્ષે ઉજવાઈ રહી છે. તેમનો સંદેશ આજે પણ તેટલો જ પ્રસ્તુત, જરૂરી અને તાજગીભર્યો છે.
મિત્રો, તમે સૌ જાણતા જ હશો કે 1893ના સપ્ટેમ્બરની 11 તારીખે સ્વામીજીએ શિકાગો ખાતે યોજાયેલ વિશ્ર્વની ધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે આપેલા વ્યાખ્યાનથી તેઓ સમગ્ર વિશ્ર્વ પર છવાઈ ગયા અને ભારતની સાચી ઓળખાણ સમગ્ર વિશ્ર્વને તેઓ આપી શક્યા.
તેમનું વ્યાખ્યાન એ ભારતના ઇતિહાસનું સુવર્ણપ્રકરણ છે. તેમનું વ્યાખ્યાન ભારતનો સાચો પરિચય આપ્નારું છે. જે પોતાને ભારતીય માને છે અથવા ભારતીય કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે તેણે આ વ્યાખ્યાન વાંચેલું હોવું જ જોઈએ.
મિત્રો, શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ‘હાલ આફ કોલંબસ’માં સ્વામી વિવેકાનંદે વિશ્ર્વભરના વિદ્વાન પ્રતિનિધિઓ સમક્ષ આપેલું પ્રભાવશાળી, યાદગાર અને ઐતિહાસિક વ્યાખ્યાન યંગ ફ્રેન્ડ્ઝ માટે અક્ષરશ: રજૂ કરીએ છીએ.
વિશ્ર્વધર્મ પરિષદ; 11 સપ્ટેમ્બર, 1893
અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ,
તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. જગતના અતિ પ્રાચીન ઋષિમુનિઓ વતી હું તમારો આભાર માનું છું; સર્વ ધર્મોની જનેતા વતી હું તમારો આભાર માનું છું; અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું.
વળી, આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપ્ને કહ્યું કે દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્ર્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ વિશ્ર્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના પીડિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં લવાયેલા એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપ્ને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપ્નાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે.
ભાઈઓ ! મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંનાં થોડાં ચરણો હું આપ્ની સામે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે : ‘જેમ જુદા જુદા સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ ! જુદા જુદા માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેટલા ભિન્ન હોય, સરલ યા અટપટા હોય તો પણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.’
રુચીનાં વૈચિત્ર્યાદ્ ઋજુકુટિલનાનાપથજુષામ્નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પચસામર્ણવ ઈવ ॥- શિવમહિમ્ન : સ્તોત્ર : 7
આવી મહત્ત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેલા અદ્ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્ઘોષણા કરતા શ્ર્લોક છે : ‘ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવા મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.
યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥- ગીતા : 4.11.
પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસોથી આવરી રહ્યા છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત પણ હવે એનો સમય ભરાઈ ગયો છે. આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝૂનનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ બની રહે, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’
મિત્રો ! આ પ્રવચન પછી સમગ્ર સભામાં કેવો સન્નાટો વ્યાપી ગયો હશે તેની તો કલ્પ્ના જ કરવી રહી. પ્રવચનનો પ્રત્યેક શબ્દ મૂલ્યવાન છે. પ્રવચનનું રસદર્શન હું કરાવવા માંગતો નથી, અને હું તો શું કોઈની પણ પહોંચની બહારની તે વાત છે. વળી, મિષ્ટાન્નની મધુરતાનું વર્ણન હોય જ નહીં, જે ખાય તે સમજી જ લે.
મિત્રો, તમે પણ તે શબ્દોને માણો, તમારી રીતે સમજો અને ધન્યતાની અનુભૂતિ કરો.
દિગ્વિજયદિનની શુભેચ્છાઓ !

ચલતે... ચલતે...
આ પ્રવચનનું તટસ્થ મૂલ્યાંકન કરતાં
સ્વામીજીએ જ ભારતના મિત્રને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે -
‘બીજે દિવસે અખબારોએ જાહેર કર્યું કે મારું વ્યાખ્યાન સર્વશ્રેષ્ઠ હતું.’

No comments:

Post a Comment