Tuesday, September 15, 2015

ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન બાબતે રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ ડૉ. મનમોહન વૈદ્ય સાથે વાર્તાલાપ

"સમરસતાથી જ સમાજ શક્તિશાળી બનશે"
ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન બાબતે
રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ
ડૉ. મનમોહન વૈદ્ય સાથે વાર્તાલાપ
                                      - કિશોર મકવાણા તથા શિરિષ કાશીકર

ડૉ. મનમોહન વૈદ્ય 

* લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં    કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન          કરનારું ન હોઈ શકે.


* મા.ગો. વૈદ્ય સંઘના પદાધિકારી નથી, એ એમના પોતાના વિચારો છે. સંઘને એમના              વિચારો સાથે જોડીને કોઇ મનઘડંત અહેવાલ છાપવો યોગ્ય નથી.


* સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે, "જે લોકો સામાજિક           ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી         અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ.


* આર્થિક રીતે પછાત છે એવા બધા જ વર્ગના લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.    પરંતુ સમગ્ર સમાજમાં આત્મસન્માનનો ભાવ વધવો જોઈએ, કે જેથી આવી કોઈ                    વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહે.


* બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ     દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ           સ્વીકારવો જોઈએ.



1) ગુજરાતમાં ચાલી રહેલા અનામતની માંગણીના આંદોલનને

     સંઘ કયા દૃષ્ટિકોણથી જુએ છે ?

લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન કરનારું ન હોઈ શકે. અત્યારનું આંદોલન ચાલે છે એમાં સમાજમાં ભાગલા પાડનારા અને અરાજક્તા નિર્માણ કરનારા તત્ત્વો ભળી ન જાય એની કાળજી રાખવી જોઈએ. કારણ હાર્દિક પટેલે મહારેલીમાં ઉચ્ચારેલા શબ્દો : ‘હિન્દુસ્થાન કો અપની ઓકાત દિખા દેંગે...’ અને ‘રાવણ કી લંકા જલા દેંગે...’ આવી ભાષાથી કોઈપણ દેશભક્તોને ચિંતા થાય છે. આવું આંદોલન સમાજ માટે ઘાતક બની શકે છે.

2) અનામત વ્યવસ્થા બાબતે સંઘ શું માને છે ? સમાજના કેટલાક સમુદાય જાતિ આધારિત અનામત સામે અણગમો વ્યક્ત કરી તેને રદ કરવાની માંગણી કરે છે, આ સંદર્ભે સંઘનું શું વલણ છે ?

ભારતમાં કોઇક કારણસર અસ્પૃશ્યતાની વિકૃતિ પ્રવેશી. આપણા જ એક વર્ગના લોકોને અન્યાયપૂર્વક, અપમાનિત રીતે અનેક સામાજિક સુવિધાઓ અને સન્માનથી વંચિત રાખવામાં આવ્યા. સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતા આપણા સમાજની વિષમતાનું એક અત્યંત દુ:ખદ અને દુર્ભાગ્યજનક પાસુ છે. આવા આપણા બાંધવોને સમાજના અન્ય વર્ગની સાથે લાવવા માટે આપણા બંધારણ નિર્માતાઓએ અનામતની વિશેષ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા સાથે સંઘ સંપૂર્ણપણે સહમત છે અને સમાજમાં જ્યાં સુધી સામાજિક વિષમતા અને અસ્પૃશ્યતા હયાત છે ત્યાં સુધી એસ.સી., એસ.ટી. માટેની અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ, જે દિવસે સમાજમાંથી સામાજિક અસમાનતા અને આભડછેટ નાબૂદ થશે સમાજમાં સમાનતા-સમરસતાનું વાતાવરણ નિર્માણ થશે ત્યારે અનામતની જરૂરિયાત જ નહીં રહે. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમણે પોતે પણ આવી સામાજિક વિષમતા અને અન્યાયની વેદના અનુભવી હતી એ પણ માનતા હતા કે અનામત વ્યવસ્થા કાયમ રાખવી યોગ્ય નથી. અનામતની જરૂર જ ન રહે એવી સ્થિતિ સમાજમાં નિર્માણ થવી જોઈએ. સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે "જે લોકો સામાજિક ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ. હવે હિન્દુ સમાજની જવાબદારી છે કે અસમાનતા દૂર કરી સમાજમાં સમતા-સમરસતા પ્રસ્થાપિત કરે. અનામતની જરૂરિયાત નહીં રહે, એટલે સૌ પહેલા સામાજિક વિષમતા દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
દુર્ભાગ્યે આ વિષયની રાજનીતિ શરૂ થઇ ગઇ અને જાતિ વ્યવસ્થાને વોટબેંક તરીકે જોવાની વૃત્તિ વધી રહી છે એટલે અનામત વ્યવસ્થામાં નવા-નવા સમાજના સંપન્ન વર્ગને પણ અનામત આપવાની કે માગવાની માંગણી જોર પકડી રહી છે. રાજનીતિથી પ્રેરિત નેતાઓ વોટબેંકની લાલચના કારણે આવી માગણીને વશ થઈ રહ્યા છે. વાસ્તવમાં અનામત વ્યવસ્થાનો લાભ જેમને મળે છે, એમની સમગ્ર સ્થિતિનો અભ્યાસ થાય એ માટે બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. આ સમિતિને બધા જ અધિકારો આપવા જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ સ્વીકારવો જોઈએ.

- આર્થિક રીતે પછાત છે એમના માટે કંઇ વિચાર થવો જોઈએ કે નહીં ?

આર્થિક રીતે પછાત છે એવા બધા જ વર્ગના લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ સમગ્ર સમાજમાં આત્મસન્માનનો ભાવ વધવો જોઈએ, કે જેથી આવી કોઈ વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહે. જેમને લાભ મળ્યા છે એમણે પણ પોતાની ભવિષ્યની પેઢીનો વિચાર કરવો જોઈએ, પોતાના ગરીબ બંધુઓના કલ્યાણ માટે સમાજના સંપન્ન લોકોએ આવી વ્યવસ્થામાંથી બહાર આવવું જોઈએ. રાષ્ટ્ર કલ્યાણનો ભાવ સમાજમાં વધે એવો પ્રયત્ન સૌએ કરવો જોઈએ.

- ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિમાં હિન્દુ સમાજ અને સામાજિક સંસ્થાઓનું વલણ શું હોવું જોઈએ ?

આવેગ અને આવેશમાં આવીને રાષ્ટ્રની એકતા અને સામાજિક સમરસતાને હાનિ પહોંચે એવું કોઈ કામ, આચાર કે ઉચ્ચાર ન થાય એની તકેદારી રાખવી જરૂરી છે. સમાજના પ્રશ્ર્નો એક જ્ઞાતિના નથી સમગ્ર સમાજના છે, એ ધ્યાનમાં રાખી એના ઉકેલ માટે બધાએ પ્રયત્નો કરવા જોઈએ. સમાજના તાણાવાણા નષ્ટ કરવાના કોઈપણ પ્રયત્નો સમાજ અને સરકારે સહન ન કરવા જોઈએ. સમાજમાં શાંતિ, સૌહાર્દ અને સમરસતા જળવાય એ જ સૌનો વિચાર રહેવો જોઈએ.

- અમુક સમાચારપત્રોએ શ્રી મા.ગો. વૈદ્યની મુલાકાતને ટાંકીને એવા અહેવાલ પ્રસિદ્ધ કર્યા કે આ આંદોલન પાછળનો સંઘનો દોરીસંચાર છે. તથ્ય શું છે ?

મા.ગો. વૈદ્ય સંઘના પદાધિકારી નથી, એ એમના પોતાના વિચારો છે. સંઘને એમના વિચારો સાથે જોડીને કોઇ મનઘડંત અહેવાલ છાપવો એ યોગ્ય નથી. અમે એ વાત સાથે સહમત નથી. મા. ગો. વૈદ્યે પણ એસ.સી. અને એસ.ટી. અનામત વ્યવસ્થા જ્યાં સુધી આવશ્યક જણાય ત્યાં સુધી ચાલુ રાખવા કહ્યું છે. સામાજિક એકતા - સમરસતા માટે, ભવિષ્યમાં ક્યારેક મૂલ્યાંકન કરવાની વાત પણ એમણે કરી હતી.’ પરંતુ સમાચારપત્રો ક્યારેક વાતને અડધી-પડધી - અર્ધસત્ય છાપી ભ્રમ પેદા કરે છે. સંઘ કોઈ જ આંદોલનનું સમર્થન કરતો નથી.

- કોઈ પણ સામાજિક કે રાષ્ટ્રીય મુદ્દા પર સંઘનો સત્તાવાર મત કોણ વ્યક્ત કરે છે?

મોટે ભાગે સરસંઘચાલક, સરકાર્યવાહના વક્તવ્યમાં એ પોતાનો મત પ્રગટ કરે છે. ઉપરાંત સંઘની અખિલ ભારતીય કાર્યકારિણી, પ્રતિનિધિસભામાં ઠરાવ અથવા સંઘના પ્રચાર પ્રમુખ દ્વારા જાહેર કરાયેલ નિવેદન સંઘના અધિકૃત વિચાર સત્તાવાર રીતે વ્યક્ત કરે છે.

- સામાજિક સમતા-સમરસતા લાવવા સંઘ દ્વારા શું પ્રયત્નો થઈ રહ્યા છે?

સંઘે એના સ્થાપના કાળથી જ સામાજિક સમરસતાનું સદંતર આચરણ કર્યું છે, એવો બધાનો અનુભવ છે. સંઘે સામાજિક વિષમતાને અમાન્ય કરી છે. સમગ્ર હિન્દુ સમાજ એક છે એવા ભાવથી કાર્ય કરે છે. સંઘની પ્રેરણાથી ૧૯૬૯માં વિશ્ર્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ધર્માચાર્યોએ અસ્પૃશ્યતાને ધર્મનો કોઈ આધાર નથી એવો ઠરાવ પસાર કર્યો. ત્યાર પછી અનેક સાધુસંતોનો સમાજના બધા જ વર્ગોમાં સંપર્ક થયો. સંઘના તૃતીય સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે પણ વસંત વ્યાખ્યાનમાળામાં સ્પષ્ટ પણે કહ્યું હતું કે ‘અસ્પૃશ્યતા એ એક વિકૃતિ છે, આથી એને સમાપ્ત કરવી જોઈએ.’ જો અસ્પૃશ્યતા અયોગ્ય નથી તો દુનિયામાં કશું જ અયોગ્ય નથી. આથી આપણા સૌના મનમાં સામાજિક વિષમતાને નાબૂદ કરવી એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. સમાજના નબળા વર્ગનું આત્મબળ વધે એવા પ્રયત્નો થવા જોઈએ.’ તો આ જ સંઘની માન્યતા છે. સમરસતાથી જ સમાજ મજબૂત બનશે. સંઘના વર્તમાન સરસંઘચાલક મોહનજી ભાગવતે વિજયાદશમીના જાહેર ઉદ્બોધનમાં પણ કહ્યું છે કે, ભારતના દરેક ગામમાં બધા જ હિન્દુઓ માટે એક જળાશય - પીવાના પાણીની જગ્યા, એક મંદિર, એક સ્મશાનની વાત કરી છે. સરસંઘચાલકજીના આહ્વાનને સ્વીકારી સંઘના સ્વયંસેવકો બધા જ રાજ્યોમાં સક્રિય થઈ રહ્યા છે.

No comments:

Post a Comment