Tuesday, September 15, 2015

ઇસ્લામ અને ગાય... હદીસમાં હિદાયત : ગાયની ઇજ્જત કરો

ઇસ્લામ અને ગાય
હદીસમાં હિદાયત : ગાયની ઇજ્જત કરો
                                          - રાજ ભાસ્કર





મુસ્લિમોના ધર્મગ્રંથ કુરાને શરીફમાં ગૌરક્ષા માટે ઉપદેશ આપવામાં આવ્યો છે એવી જાહેરાત કરતાં હોર્ડિંગ્સ સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગયા અઠવાડિયે કર્ણાવતી શહેરમાં લગાવવામાં આવ્યા હતા. આ હોર્ડિંગ્સ મુકાતાં જ કેટલાક મુસ્લિમ આગેવાનોએ વિરોધ કરતાં કહ્યું કે ‘કુરાનને ટાંક્યું છે તે વાત ખોટી છે!’આ ચર્ચા અને વિવાદ ઉઠતાં સમાજના નાગરિકોને પ્રશ્ર્નો થયા કે ખરેખર ઇસ્લામમાં ગાય અંગે શું કહેવામાં આવ્યું હશે ? હદીસ અને કુરાન શું છે ? અને તેમાં ગાય વિશે કોઇ ઉલ્લેખ છે કે નહીં ? નાગરિકોના મનમાં ઉપસ્થિત થયેલાં આવા અનેક પ્રશ્ર્નોનું સમાધાન કરવા માટે, ઇસ્લામ અને ગાય વિશે એક વિચારપૂર્ણ તથા સંશોધનાત્મક લેખ અહીં પ્રસ્તુત છે...


મોટાભાગના મુસલમાનો અને હિન્દુઓમાં પણ એવી ધારણા છે કે, ‘મુસલમાનોમાં ગૌવધની છૂટ આપવામાં આવી છે.’ પણ આ ધારણા ખોટી છે. પયગમ્બર સાહેબની પવિત્ર વાણી ગણાતા મુસ્લિમોનાં ધર્મગ્રંથ હદીસમાં લખ્યું છે કે, "અકર મુલ બકર ફાઈનાહા સૈયદુલ બહાઇમા - ગાયની ઇજ્જત કરો કેમ કે ગાય ચોપાયોની સરદાર છે. ગાયનું દૂધ, ઘી અને માખણ શિફા (અમૃત) છે. ગાયનું માંસ બિમારીઓનું કારણ છે. એટલે કે મુસ્લિમ ધર્મના સંસ્થાપક સ્વયં મહંમદ પયગંબર સાહેબે ગાયને "જાનવરોની સરદાર, એટલે કે તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણી ગણાવી છે અને એની ઇજ્જત કરવાની આજ્ઞા આપી છે.
સ્વયં મહંમદ સાહેબે કદી ગાયની કુરબાની આપી નથી અને ન તો આજ દિન સુધી મક્કા શરીફમાં ગાયની કુરબાની અપાઈ હોવાનો દાખલો સામે આવ્યો છે. ઘણા બધા મુસ્લિમ ગ્રંથોમાં ગાયના દૂધને અમૃત અને ગાયના માંસને વિષ કહેવામાં આવ્યું છે. તેમ છતાં એ લાગે છે કે, ભારતના કેટલાક અબુધ મુસલમાનો ગાયનું માંસ ખાય છે. ખાય છે એટલું જ નહીં, આ ગૌ-વિષ પેટમાં પધરાવવા માટે મહંમદસાહેબનો વાસ્તો આપે છે અને એમની પ્રેરણાથી ખાતા હોવાનું ફરમાવે છે.
કેટલાક વિચારશીલ મુસ્લિમ પંડિતો આ વાત જાણે છે. એટલે અનેકવાર તેમણે પોતાની કોમના લોકોને ગૌમાંસ ન ખાવાની સલાહ આપી અને ગૌવધ બંધ કરવા માટે ફતવા પણ જારી કર્યા છે.

શું કહે છે પયગંબર સાહેબ?

પયગંબર સાહેબનો ‘તર્જે અમલ’ એટલે કે વ્યવહાર આ વિષયમાં પ્રમાણભૂત છે.
હજરતે ખુદ એમની બેગમ આયેશાને કહ્યું હતું કે, ‘ગાયનું દૂધ શરીરની શોભા છે અને આરોગ્ય સારું રાખવાનું સૌથી પ્રધાન સાધન છે.’
ગાય સુંદરતાનું મૂળ છે એ વાતની પુષ્ટી હજરતના ચાચા અને તેમના સાથી જાબીરે પણ કરી છે.
હજરતના દામાદ અલી અને મુસ્લિમ ધર્મના એ વખતના એક પ્રધાન મૌલાનાને ગાય માટે એટલું બધું માન હતું કે તેમણે પોતાના જીવનમાં કદી ગાયના માંસનો સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો.
હા, કેટલાક ખણખોદિયાઓ ગમે ત્યાંથી ગોતીને, મારીમચડીને કદાચ એવું સાબિત પણ કરી દે કે ફલાણી જગાએ પયગંબરે ગાયનું ગોસ્ત ખાધું હતું, પણ એ વાત સાચી નથી.
કેટલાક લોકો એવી પણ દલીલ કરે છે કે, શરિયતમાં અનેક ચીજો ખાવા માટે કાબેલ ગણાવાઈ છે. એટલે શું બધું જ ખાઈ જવાનું? એમ તો ઘણી જગાએ વિકૃત માનવીઓ બીજા માનવીઓનું માંસ પણ ખાય છે. તો શું તમે પણ?
પ્રશ્ર્ન કડવો છે. પણ દિમાગથી વિચારવા જેવું છે. પયગંબર સાહેબે શા માટે ગોવધની અને ગાયનું માંસ ખાવાની મનાઈ ફરમાવી છે? કારણ કે હર હલાલ ચીજને હલાલ સમજીને ખાઈ લેવી એ બુદ્ધિનું પ્રદર્શન છે. જે જાનવરો સાથે જરૂરતો જોડાયેલી છે એ કોઈ ખાવાને લાયક નથી. મુસલમાનો ઘોડાનું માંસ નથી ખાતા. શા માટે? ગધેડાનું માંસ નથી ખાતા. શા માટે? કારણ કે એ એમના માટે ખૂબ જ ઉપયોગી છે. પણ એમણે વિચાર કરવો જોઈએ કે એક સમયે મુસ્લિમ કોમ પણ ગાય પર જ જીવનનિર્વાહ કરતી હતી. અને આમ પણ ગાય સમગ્ર માનવજાતિ માટે જીવનદાયિની છે. એનું દૂધ અમૃત છે. એમાંથી બનતી બધી જ ચીજોથી માનવી સુખેથી જીવી શકે છે.

આ બાબતે મુસ્લિમ દેશોનો રવૈયો પણ જાણવા જેવો છે

જ્યાં તમામેતમામ લોકો મુસલમાન હોય એવા દેશોમાં ગાય પ્રત્યે કેવો વ્યવહાર થયો છે ? એની પણ થોડી જાણકારી મેળવવી આવશ્યક છે.
ઈ.સ. ૧૯૧૦માં મિસર - ઇજિપ્તની સરકારે એક ફતવો જાહેર કર્યો હતો કે, ‘કોઈ પણ માણસ બકરી ઈદના દિવસે ભેડ સિવાય કોઈ પ્રાણીનો બલી ના ચડાવે.’ એટલું જ નહીં મિસર સરકારે એકવાર ગાય અને ભેંસના વધ પર બે વર્ષ માટે સંપૂર્ણ પાબંદી પણ લગાવી દીધી હતી. (‘પ્રતાપ’ - માર્ચ ૧૯૧૮)
મધ્ય પૂર્વ એશિયામાં ગોહત્યા ભાગ્યે જ થતી હતી. એક અફઘાન લેખક લખે છે કે, ‘અમે નવ વર્ષ અરબ દેશમાં રહ્યા અને ચાર વર્ષ દમિશ્કમાં; ત્યાં શાહના કયાલ બજારમાં ગાયના માંસની ફક્ત એક જ દુકાન હતી. હું જેટલાં વર્ષ રહ્યો એટલા વર્ષમાં મેં એક પણ મુસલમાનને ત્યાંથી ગાયનું માંસ ખરીદતાં જોયો નથી. ત્યાંથી ફક્ત અંગ્રેજો અને યહૂદીઓ જ માંસ ખરીદતા હતા.
ઈ.સ. ૧૯૧૧માં અમીર હિન્દુસ્થાન આવ્યા હતા. દિલ્હીના મુસલમાનો એમને ખુશ કરવા માટે ગાયનું માંસ બનાવવા માટે તૈયારી કરવા લાગ્યા. ક્યાંકથી ગાય મારી લાવવા માટે સંપર્ક કરવા માંડ્યા. પણ અમીરને જાણ થતાં જ એ ઊકળી ઊઠ્યા અને બોલ્યા, ‘જો ગોવધ કરશો તો હું પાછો ચાલ્યો જઈશ.’
ત્યાંના ભૂતપૂર્વ અમીર અમાનુલ્લાખાં એકવાર આવ્યા હતા. ત્યાં એમણે કહ્યું હતું કે, ‘મુસલમાન ભાઈઓ મુલ્લાઓ અને પીરોની વાતોમાં ન આવે અને હિન્દુઓ સાથે શાંતિ જાળવી રાખે. હિન્દુસ્થાનીઓ માટે ગાય અને બળદ બહુ જ ઉપકારી જીવ છે. મુસલમાનોએ પણ એમના વંશની વૃદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ.’

મુસ્લિમ બાદશાહો - શાસકો અને ગાય

એવું નથી કે બધા જ મુસલમાનો ગાય ખાય છે. અનેક મુસ્લિમ બાદશાહોએ પોતાના શાસનમાં ગૌવધ પર પાબંદી લગાવી હતી.
પ્રસિદ્ધ બાદશાહ બાબરે પોતાના રાજ્યમાં ગૌહત્યા બંધ કરાવી દીધી હતી, જેનો પુરાવો આજે પણ મોજૂદ છે. ભોપાલના કુતુબનામા ખાસમાં મોજૂદ વસિયતનામામાં આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. (અખબાર તોહફ-એ-હિંદ ૯ જુલાઈ, ૧૯૨૩).
જે બાબરને આજે મુસ્લિમો પોતાનો પ્રેરણાસ્રોત પણ માને છે એ જ બાબરે એના મૃત્યુ સમયે એના પુત્ર હુમાયુને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. એ પત્ર એના જ હસ્તાક્ષરમાં ભોપાલના નવાબ સાહેબના પુસ્તકાલયમાં હતો. કોંગ્રેસના એક નેતા ડૉ. સૈયદ મહેમુદે એનો ફોટો લઈને ‘મોડર્ન રિવ્યૂ’માં એક વિસ્તૃત લેખ લખ્યો હતો, જેનો અનુવાદ આ મુજબ છે,
બાબરે એના પુત્રને લખ્યું હતું કે, ‘હે મારા પુત્ર! ભારતવર્ષમાં ભિન્ન-ભિન્ન સંપ્રદાયના લોકો રહે છે. પરમાત્માને ધન્યવાદ છે કે એણે તારા હાથોમાં આ દેશનું શાસનસૂત્ર સોંપ્યું. તારે તારા મનમાંથી ધાર્મિક પક્ષપાતને અલગ કરી દેવો જોઈએ. પ્રત્યેક ધર્મના નિયમો અનુસાર એ લોકો સાથે ન્યાય કરવો જોઈએ, વિશેષ કરીને ગૌ-હત્યાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આમ કરવાથી જ તું ભારતવાસીઓના હૃદય પર વિજય પ્રાપ્ત કરી શકીશ.’
યાદ રહે કે હુમાયુએ એના પિતાની આજ્ઞાનું પાલન કર્યંુ હતું. પણ આજના મુસલમાનો શું કરે છે એ એમણે જ વિચારવું રહ્યું.
એટલું જ નહીં અકબર વિશેના પ્રખ્યાત અને અધિકૃત પુસ્તક ‘આઈને અકબરી’ના પહેલા ભાગના પાના નંબર ૧૧૨ થી ૧૧૪માં લખ્યું છે કે, ‘એ સમયે ગુજરાતમાં ગાયની જોડીના દામ ૯૦૦ રૂપિયા સુધીના હતા. ગોપાલકોને ખૂબ બધી ગાયો આપવામાં આવતી હતી, કારણ કે એમનું રક્ષણ થઈ શકે. ખુદ અકબર બાદશાહે પણ એક ગૌશાળા બનાવી હતી. એની વ્યવસ્થા ખૂબ સારી હતી. અકબર પાસે જે ગાયની જોડી હતી એનું મૂલ્ય એ વખતે પાંચ હજાર મોહરનું હતું.
વાલી હૂકુમત અફઘાનિસ્તાન ઉલમાં અહલ સુન્નતના એક ફતવા મુજબ ગાયની કુરબાની બંધ કરાઈ હતી, (૧૧૦, ૧૧-૧૨, ૧૯૨૩)
અકબર, જહાંગીર, શાહજહાં, મોહમ્મદ શાહ, ઉપરાંત નવાબ સાહેબ રાધનપુર, નવાબ સાહેબ માંગરોલ, કરનાલ જિલ્લાના દરજાનાના નવાબ સાહેબ બહાદુર, નવાબ સાહેબ ગુડગાંવ, નવાબ સાહેબ મુર્શિદાબાદ અને નિજામ સહિત અનેક મુસ્લિમ બાદશાહોએ એમના સમયમાં ગાયની હત્યા બંધ કરવા માટે ફતવા જારી કર્યા હતા. આનો ઉલ્લેખ ૨ નવેમ્બર, ૧૯૨૪ના હિન્દુસ્થાન અખબારમાં જોવા મળે છે.

ગૌહત્યા રોકવા માટે મુસલમાનોના ફતવાઓ

મુસ્લિમ શાસનના અંત પછી પણ ઇસ્લામ ધર્મના નેતાઓએ જે ફતવા જાહેર કર્યા હતા એ પણ સંપૂર્ણ રીતે ગૌ-હત્યા નિષેધ માટેના હતા. થોડાક પર નજર કરીએ...
- ગાયની કુરબાની આપવી એ ઇસ્લામ ધર્મનો નિયમ નથી. (ફતવે હૂમાયુની - ભાગ ૧, પૃષ્ઠ ૩૬૦)
- કુરાન કે અરબની કોઈ પ્રથા ગાયની કુરબાનીનું સમર્થન નથી કરતી. (હકીમ અજમલ ખાં)
- મુસલમાનો ગાય ન મારે, કારણ કે એ હદીસ વિરુદ્ધ છે! (મૌલાના હયાત સાહબ, ખાનખાના હાલી, સમદ સાહબ)
- કોઈ મુસલમાન ગાયની કુરબાની ન આપે તો એ કોઈ ગુનો નથી બનતો. કોઈ મુસલમાન ગાય ન કાપે અને ગૌમાંસ ન ખાય તો એના મજહબમાં કોઈ ફર્ક પડતો નથી. કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો સબક ઇસ્લામ નથી આપતો. (મૌલાના અબ્દુલ હસન, મહમ્મદ અબ્દુલ અહમદ, કાજી મોહમ્મદ હુસૈન વગેરે)
- લખનૌના ફિરંગી મહાલના મૌલાના અબ્દુલ બારીએ ગૌવધ વિરુદ્ધ એક જબરદસ્ત ફતવો બહાર પાડ્યો હતો. એની અસર એવી થઈ કે એ વખતે દિલ્હીમાં બકરી ઈદના દિવસે ૫૦૦ ગાયો કપાતી હતી. પણ એ વરસે માત્ર એક જ ગાય મારવામાં આવી હતી. એ સમયે મહાત્મા ગાંધીએ એ મૌલાનાને તાર કરીને એમનો આભાર માન્યો હતો.
- મૌલાના શમશુદ્દીન કમરુદ્દીનની ગૌ-ભક્તિ પ્રખ્યાત છે. તેઓ કહેતા હતા કે, ‘હિન્દુસ્થાનમાં ગૌ જાતિ અરબના ઊંટોથી ક્યાંય વધારે પ્રિય છે. ગૌવધથી દૂધનો અભાવ થશે. મુસલમાનો ગાયનો વધ ન કરે.’

તો પછી મુસ્લિમો ગૌહત્યા કરવા કેમ માંડ્યા ?

ઈ.સ. ૧૭૦૦ની સાલમાં અંગ્રેજો હિન્દુસ્તાનમાં વેપારી બનીને આવ્યા એ વખતે ગાય અને સૂવર બંનેનો વધ થતો ન હતો કારણ કે ગાય હિન્દુઓને માટે પૂજનીય હતી અને મુસલમાનો માટે સૂવર હરામ હતું. હિન્દુ અને મુસલમાન બંને એકબીજાની ભાવનાનો આદર કરતા હતા. પણ ગાય અને સૂવર બંનેનું માંસ અંગ્રેજોને પ્રિય હતું. અંગ્રેજોને લાગતું હતું કે જો હિન્દુ-મુસલમાન વચ્ચે ભાઈચારો રહેશે તો રાજ નહીં કરી શકાય. આથી એમણે ભાગલા પાડવા મુસલમાનોને ભડકાવ્યા કે કુરાને શરીફમાં લખ્યું છે કે ઘાસ ખાવાવાળા અને દૂધ દેનારા ચાર પગવાળા જનાવર હલાલ છે. તેની કુરબાની જાયઝ (વ્યાજબી) છે, એથી ગાય હલાલ છે. તેની કુરબાની કરો. છતાં પણ મુસલમાનો માન્યા નહીં. ત્યારે તેમને લાલચ આપવામાં આવી અને ગાયને કપાવી. આમ, ધીમે ધીમે અંગ્રેજોએ મુસલમાનોને ચડાવીને ગાયોની હત્યા કરતાં કરી દીધાં.

બહાદુરશાહ ઝફરનું એલાન

૧૮૫૭ની પહેલી આઝાદીની લડાઈનું મુખ્ય કારણ હતું સૂવર અને ગાયની ચરબી લગાડેલા કારતૂસો બહાદુરશાહ ઝફર જે આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા હતા એમણે તેમના પહેલા એલાનમાં કહ્યું હતું કે, "જે કોઈ પણ ગોહત્યા કરશે કે કરાવવા માટે દોષી જણાશે તેને મોતની સજા કરવામાં આવશે. તે પછી ૧૮૯૨ની શરૂઆતમાં પંજાબના અલગ અલગ વિસ્તારોમાંથી ગોહત્યાની વિરુદ્ધમાં અરજીઓ સરકારને મોકલવામાં આવી. આ અભિયાનમાં આર્ય-સમાજની મહત્ત્વની ભૂમિકા રહી. મેરઠ, ગુડગાંવ, ફિરોઝપુર, મુલ્તાન, લાહોર, શિયાળકોટ, રાવલપિંડી, દિલ્હી, ગુજરાવાળા, હિસ્સાર, સિરસા અને રોહતક વગેરેમાંથી આ અરજીઓ કરવામાં આવી. તેમાં લાખો લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવી પણ સાબિતી મળે છે કે આ અરજી કરનારાં ઘણાં સ્થાનોમાં હિન્દુઓની સાથોસાથ મુસલમાનોએ પણ હસ્તાક્ષર કર્યા હતા.
ગો-વધની વિરુદ્ધમાં જ્યારે હિન્દુઓનાં આંદોલન વધ્યાં ત્યારે ડિસેમ્બર ૧૮૯૩માં મહારાણી વિક્ટોરિયાએ વાઇસરૉય લેન્સ ડાઉનને એક પત્ર લખ્યો; જે આ પ્રમાણે હતો :
‘જો કે મુસલમાનોની વિરુદ્ધમાં કરવામાં આવતાં ગોવધ વિરોધ આંદોલનોનું ખરું કારણ એ આંદોલન આપણી વિરુદ્ધ છે. મુસલમાનો કરતાં ઘણી વધારે ગોહત્યા આપણે કરાવીએ છીએ કારણ કે તે દ્વારા આપણે આપણા સૈનિકો અને અધિકારીઓ માટે ગો-માંસ મેળવીએ છીએ.’
૧૮૮૦થી ૧૮૯૩ના સમય દરમિયાન પંજાબ, ઉત્તરપ્રદેશના અને મુસલમાનો અંગેના અંગ્રેજોની જાસૂસી વિભાગના દસ્તાવેજોનો બારીકાઈથી અભ્યાસ કરતાં જાણવા મળે છે કે મુસલમાનો કોમી-ઈત્તેહાદ (એખલાસ) માટે ગોહત્યા છોડવા માગતા હતા પણ અંગ્રેજોના દબાણથી તેઓ એવું કરી શક્યા નહીં. એથી એમ કહી શકાય કે ૧૮૮૦માં ગોહત્યા માટે મુસલમાનોનું જે જોર વધ્યું તે અંગ્રેજો દ્વારા પ્રોત્સાહનનું પરિણામ હતું.
* * *

ઇસ્લામમાં ગાયના માંસ અને એની હત્યાનો નિષેધ છે એવી અનેક નોંધો મળે છે. હદીસથી માંડીને અનેક પુસ્તકો, ગ્રંથો અને મૌલવીઓના બયાનોથી એ વાત ફલિત થાય છે. અહીં માત્ર એના અંશો જ રજૂ કર્યા છે. આ તથ્યો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ઇસ્લામમાં ગાયનો વધ એ ગુનો છે. એની મનાઈ ફરમાવવામાં આવી છે. અને અનેક મુસલમાન મહાનુભાવોએ પણ એનું પાલન કર્યંુ છે. કોઈક બદનસીબ ક્ષણે અંગ્રેજોએ હિન્દુ - મુસલમાનોમાં ભાગલા પાડવા આ બંને કોમ વચ્ચે ગાયની ગરદન મૂકી દીધી. અને ભાવુક પ્રજા આજ સુધી લડી રહી છે. કેટલાક કટ્ટર મુસલમાનોને ગાય ખાઈને હિન્દુઓની લાગણી દુભવવાની મજા આવે છે! તો કેટલાક ગાયની ગરદન પર છૂરી ચલાવીને પોતાનો ધર્મ નિભાવ્યાનો પિશાચી આનંદ મેળવે છે. હિન્દુ વિરોધી માનસ ત્યજીને સ્વસ્થપણે વિચારશો તો ગાય જ નહીં કોઈ પણ જીવની કુરબાની ન થવી જોઈએ.
કુરાનમાં ગૌવધની મનાઈ હતી કે નહીં? પયગંબર સાહેબ ગાયનું માંસ ખાતા હતા કે નહીં? મુસ્લિમ બાદશાહે ગૌ-વધ વિરુદ્ધ ફતવા જાહેર કર્યા હતા કે નહીં? આ બધી બાબતો અને વિવાદો અહીં અસ્થાને છે. શહેરની સડક પર જીવહત્યા રોકવા માટે કોઈએ એક હોર્ડિંગ લગાવી દીધું
અને લખી દીધું કે, ‘કુરાનમાં ગૌરક્ષાનો ઉપદેશ છે.’ તો એમાં કયો મોટો પહાડ તૂટી પડ્યો છે?
એમાં તો મુસલમાનો એમના પર તૂટી પડ્યા. પોતાને બુદ્ધિશાળી ગણાવતા મુસલમાનોનું ટોળું કુરાનનાં પાનાં લઈને બતાવવા લાગ્યું, ‘જુઓ જુઓ, આમાં ક્યાંય મનાઈ નથી ફરમાવી. આ તો હદીસનું વાક્ય છે!’
અરે, ભલા માણસ! હદીસ હોય કે કુરાન! વાત તો એક જ છે. શો ફેર પડે છે? અને હોર્ડિંગમાં જે વાત કરી છે એ સારી કરી છે કે ખરાબ? એમાં આખરે તો જીવહત્યા રોકવાની જ વાત છે ને? મુસલમાન બંધુઓએ એ વાત વધાવી લેવાની હોય કે એનો વિરોધ કરવાનો હોય? - એ મુસલમાન બંધુઓ જ નક્કી કરે.
મીડિયામાં પણ આના વિશે ડિબેટ શરૂ થઈ ગઈ. હિન્દુ અને મુસલમાન અગ્રણીઓને ભેગા કરીને ચર્ચાઓ ચલાવવામાં આવી, પણ વ્યર્થ અને ટાઇમનો બગાડ કરનારી. બંને પક્ષે મૂળ મુદ્દે ચર્ચા જ ના થઈ કે અને આખરે જીવહત્યા રોકવા માટે કોઈએ પણ એકે સ્તુત્ય પગલું ભર્યંુ ન હતું.
ખેર, જે થયું તે થઈ ગયું. પણ એક વાત નક્કી છે કે કોઈ ધર્મ કોઈ જીવની હત્યા કરવાની પરવાનગી આપતો નથી. ઇસ્લામમાં પણ ગાયનો વધ એ પાપ છે. આપણાં મુસ્લિમ બંધુઓ આ પાપ ન કરે એ જ એક વિનંતી.
* * *
સંદર્ભ :
(૧)
પુસ્તક : હઝરત મોહમ્મદસલ૦ નો ગાય ઉપરનો દૃષ્ટિકોણ
લેખક : મોહમ્મદ અફઝાલ
પ્રકાશક : માય હિન્દુસ્થાન દિલ્હી
સંયોજક : યાસીન અજમેરવાલા
(૨)
પુસ્તક : કલ્યાણ અંક
પ્રકાશન : ગીતા પ્રેસ ગોરખપુર

ગાય ઉપર હઝરત મોહમ્મદ સલ૦ નો દૃષ્ટિકોણ

હઝરત મોહમ્મદસલ૦ જ્યારે આ દુનિયામાંથી સિધાવી ગયા તે પછી તેમના જીવન, તેમની દિનચર્યા અને તેમના ઉપદેશોને લઈને અનેક પુસ્તકો લખવામાં આવ્યાં, જેને આપણે સહેલા શબ્દોમાં ‘હદીસ’ કહીએ છીએ. આજે પણ મોટા મોટા મદરેસાઓમાં તેનું શિક્ષણ આપવામાં આવે છે અને જે આ પુસ્તકોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે તે મૌલવી કે આલિમ કહેવાય છે. હઝરત મોહમ્મદસલ૦ ને ક્યારેય પણ પોતાના જીવનમાં એવું જાણવા મળ્યું ન હતું કે હિન્દુસ્તાનમાં ગાયની પૂજા થાય છે અને તેને માતા માનવામાં આવે છે છતાં એમની ગાય માટેની અનેક હદીસો મળી આવે છે તેમાંથી અમુક નીચે લખી છે :
(૧) ઉમ્મુલ મોમીનીન (હઝરત મોહમ્મદસલ૦ ની પત્ની) ફરમાવે છે કે નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે ગાયનું દૂધ, ઘી, શિફાબક્ષ (લાભદાયક) છે અને ગોસ્ત (માંસ) બીમારકુન (બીમારી વધારનારું) છે.
(મુસ્લિમ શરીફ અને હયાતુલ હૈવાન પુસ્તક પાના નં. ૩૯૭)
(૨) નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે તમે ગાયનું દૂધ અને ઘી ખાધા કરો. અને ગોસ્ત (માંસ)થી બચ્યા કરો. તે એટલા માટે કે ગાયનું દૂધ અને ઘી એ ઇલાજ (દવારૂપ) છે જ્યારે ગોસ્ત (માંસ) એ બીમારી છે.
(ઈમામ તિરબરાની વ હયાતુલ હૈવાન પુસ્તક પાના નં. - ૩૯૮)
(૩) નબી-એ-કરીમ હઝરત મોહમ્મદસલ૦ ફરમાવે છે કે અલ્લાહે દુનિયામાં જે કાંઈ બીમારી ઉતારી છે તેમાંથી દરેકનો ઇલાજ પણ નાજિલ (રજૂ) કરવામાં આવેલ છે. જે તેનાથી નાવાકિફ છે (અજાણ્યો છે) તે નાવિકફ જ રહેશે. અને જે વાકિફ (જાણકાર) છે તે જાણતો જ રહેશે. ગાયના ઘી થી વધારે કોઈ ચીજ શિફા (સ્વાસ્થ્યવર્ધક) નથી.
(અબ્દુલ્લાબિ મસૂદ હયાતુલ હૈવાન - પાના નં. ૩૯૮)
ઉપર લખેલી હદીસોથી માલૂમ પડે છે કે ગાયના માંસમાં રોગ છે અને જે કોઈ મુસલમાન ગાયની હત્યા કરે છે તેના ભાગે તો માત્ર રોગયુક્ત માંસ જ આવે છે. ગાયના ચામડી, વાળ, પૂંછડી, શીંગડાં, હાડકાંઓ તથા લોહી ગાયની હત્યા પછી જે પ્રાપ્ત થાય છે તેનો વેપાર માત્ર મુસલમાન જ નથી કરતા પણ બીજા ભારતીય નાગરિકો પણ કરે છે તેથી મઝહબવાળાને મળે છે માત્ર માંસ જે પણ રોગયુક્ત છે.


ઇસ્લામ અને ગૌ વિશે વિવાદ થતાં દરિયાપુરના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ તથા મુસ્લિમ સમાજનાં અન્ય આગેવાનો અને અધિકારીઓએ મુસ્લિમ સમાજને ગૌ માંસ ન ખાવા અને ગાયની કુર્બાનીથી પરહેઝ કરવા જાહેર અપીલ કરી હતી અને એ અંગેનું એક આવેદનપત્ર અમદાવાદના પોલીસ કમિશ્ર્નરશ્રી શિવાનંદ ઝાને આપ્યું હતું.


કુર્આન શરીફની આયતનું નામ સુરાએ - બકરા છે
સુરા એટલે આયત અને બકરા એટલે ગાય : યાસીન અજમેરવાલા (હજ કમિટી સદસ્ય - ગુજરાત)

- શું ખરેખર કુરાનમાં ગાય વિશે કંઈ કહેવાયું છે?
કુર્આન પાક સમગ્ર માનવજાત માટે ખુદાએ આકાશમાંથી પોતાના નબી મોહંમદ પયગંબર (સ.અ.વ) ઉપર પોતાના ખાસ દૂત (ફરિશ્તા) મારફતે ઉતારેલો પવિત્ર ગ્રંથ છે. કુર્આનમાં સૌથી પહેલી આયત (સુરા) છે. જેમ સંસ્કૃતમાં શ્ર્લોક હોય તેમ પહેલી આયત (સુરા) છે. જેનો અર્થ અભ્યાસ (શિક્ષણ) માટેનો ખુદાનો આદેશ હતો. કુર્આને શરીફની શરૂઆતની આયતનું નામ સુરાએ - બકરા છે જે સત્ય છે. સુરા એટલે આયત અને બકરા એટલે ગાય થાય છે.
કુર્આન શરીફમાં ગાય માટે ઉલ્લેખ નથી પણ આ પવિત્ર ગ્રંથ સમગ્ર માનવજાત માટે હોવાથી ઘણી વસ્તુઓનું આપણને જ્ઞાન આપે છે. દા.ત. કુર્આન શરીફમાં લખેલુ છે કે, ‘હમને ઇન્સાનોંકી ગીઝા (જમણ) કે લીયે ચૌહ પાયે જાનવર કો દુનિયામેં પૈદા કિયે હૈં. હું કબૂલ કરું છું’ કેમકે હું એક મુસ્લિમ છું, પરંતુ માંસ, મટન ખાવું તે ફરજિયાત નથી. હું મુસ્લિમ થઈને માંસ, મટન નહીં ખાઉં તો હું મઝહબે ઇસ્લામમાંથી નીકળી જતો નથી.

મુસ્લિમ બંધુઓને વિનંતી કે ગૌરક્ષા બાબતને ધાર્મિક રીતે ન જુએ : અરુણ ઓઝા

(હાઈકોર્ટના એડવોકેટ તથા ‘હિંસા વિરોધ’ સામયિકના તંત્રી)
કુરાને શરીફમાં સુરે - બકરામાં હજનું વર્ણન કરતાં લખ્યું છે કે, પશુઓની કતલ કરવી અને ખેતરોનો નાશ કરવો તે પૃથ્વી ઉપર વિનાશ લાવવા સમાન છે. અલ્લાહ આવા વિનાશને પસંદ કરતા નથી.
મહંમદ પયગંબરના ગ્રંથ હદીસમાં હુકમ કરતાં જણાવ્યું છે કે, તમારાં પશુઓ પર દયા કરો, કારણ કે અલ્લાહે પોતાની કરુણા તમારા પર વરસાવી છે.
પશુહત્યા થાય તો માનવજાતનું નિકંદન નીકળી જાય. મુસ્લિમ બંધુઓને નમ્ર વિનંતી કે ગૌરક્ષાના પાસાને કોઈ ધાર્મિક રીતે જોવાને બદલે માનવજાતને ટકાવવા પશુરક્ષા અનિવાર્ય છે એ સંદર્ભમાં વિચારે અને વિવેકબુદ્ધિ વાપરે.



મહંમદ પયગંબર સાહેબે ખુદ ગાયની પવિત્રતાની વાત કરી છે : વલ્લભ કથીરિયા (અધ્યક્ષ, ગૌસેવા - ગોચર વિકાસ બોર્ડ - ગુજરાત)

- કુરાનનો ઉપદેશ ટાંકીને આવું હોર્ડિંગ્સ મૂકવા પાછળનો આપનો હેતુ શો હતો?
અમારો આશય પવિત્ર હતો. બધા જ ધર્મોમાં ગાયનું મહત્ત્વ છે અને ગાયને પવિત્ર માનવામાં આવે છે. એ દર્શાવવા અમે એ હોર્ડિંગ્સ લગાવ્યું હતું. આ જ નહીં આ પ્રકારના જુદા જુદા વિષયોના
૧૬ જેટલાં હોર્ડિંગ્સ અમે શહેરભરમાં અને ગુજરાતમાં ઠેરઠેર લગાવ્યાં હતાં, જેમાં બૌદ્ધ ધર્મમાં ગાય વિશેની વાત, મહાવીર ભગવાને ગાય વિશે કરેલી વાત અને અન્ય ઉપયોગી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
- પણ મુસલમાનોનું કહેવું છે કે કુરાનમાં ક્યાંય ગાય વિશે ઉપદેશ આપવામાં આવ્યો નથી.
હોર્ડિંગ્સમાં લખેલો ઉપદેશ હદીસનો છે. ભૂલથી કુરાન લખાયું હતું, પણ અહીં મહત્ત્વની વાત એ છે કે હદીસ એ મહંમદ પયગંબર સાહેબની પવિત્ર વાણી છે. મુસલમાનો એમની વાણીને પવિત્ર માની સર આંખો પર ચઢાવે છે. એમની આજ્ઞાનું પાલન કરે છે. અહીં મહંમદ સાહેબે ખુદ ગાયની પવિત્રતાની વાત કરી છે, તેથી મુસ્લિમોએ જે ઊહાપોહ મચાવ્યો તે મચાવવાની જરૂર જ નહોતી.
- આ નાનકડા વિવાદથી બે કોમ વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી થઈ છે ?
ના, બિલકુલ નહીં. ઊલટાનું હિન્દુ અને મુસલમાનોમાં સમરસતા વધે તેવું કાર્ય થયું છે. મુસ્લિમો પણ જાણે કે એમના પયગંબર સાહેબે ખુદ ગાયને માન આપ્યું છે અને હિન્દુઓનું માન પણ મહંમદ પયગંબર માટે વધ્યું છે. એમને જાણીને આનંદ થયો કે મુસ્લિમોના શ્રેષ્ઠ ધર્મગુરુ ગાય વિશે આટલા સુંદર વિચારો ધરાવતા હતા.
હું હજુ પણ હિન્દુ - મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકોને કહેવા માંગું છું કે, ગાય સમગ્ર માનવજાતિ માટે પવિત્રતમ છે. માટે એને માન આપો, એનો વધ અટકાવો.

1 comment:

  1. સાચી માહિતી આપવા બદલ આભાર,

    ReplyDelete