Wednesday, October 1, 2014

માઁ દુર્ગાના 51 શક્તિપીઠ

નવરાત્રિ - માઁ દુર્ગાના 51 શક્તિપીઠ 



નવરાત્રિમાં હાલ દુર્ગા માતાની ઉપાસના ચાલી રહી છે ત્યારે અનેક જગ્યાએ માતાના મંદિરોમાં તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે. ત્યારે દુર્ગાની 51 શક્તિપીઠોમાં પણ હાલ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આ શક્તિપીઠ વિશે જાણો તમામ માહિતી.
 
સમગ્ર બ્રહ્માંડમાં વિવિધ સ્વરૂપે શક્તિ વિદ્યમાન છે. આખાયે જગતમાં અનેકવિધ પ્રકારે શક્તિની ઉપાસના થઇ છે... થાય છે... અને થતી રહેશે. આ સચરાચર જગતનું નિર્માણ પણ શક્તિને આધિન નિર્મિત થયું છે. અદ્યિશક્તિ, વાયુ શક્તિ અને જળ શક્તિ વડે જ સમગ્ર સંસારનું સંચાલન થઇ શકે છે. કલ્પના તો કરો-પ્રત્યેક પળે-આ પૃથ્વી પર વસતા લોકો, પશુઓ, પ્રાણીઓ અને સજીવ વનસ્પતિને જો પૃથ્વી પરથી વાયુ શક્તિ અદ્રશ્ય થઇ જાય તો એમનું અસ્તિત્વ ક્યાં રહ્યું ? આવી જ રીતે જળશક્તિ અને આદ્યશક્તિનું આવરણ માનવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ભિન્ન-ભિન્ન પ્રકારની શક્તિઓ એકબીજામાં પરિર્વતિ થઇ શકે છે. અને બે શક્તિઓનાં મિલનથી એક નવી શક્તિનો પ્રાર્દુભાવ પણ થઇ શકે છે. વિજ્ઞાને આ સત્યનો સ્વીકાર કર્યો છે. આપણે જેને જાણીએ છીએ, અનુભવીએ છીએ-એવી શક્તિનો સ્વીકાર કર્યા પછી પણ એક પરમ શક્તિ જે આ સંસારને જીવંત રાખે છે. સતત ચેતનાનાં સ્પંદનો કરાવે છે, એ પરમ શક્તિને આપણા શાસ્ત્રો 'નવદુર્ગા’નાં નામથી સ્મરે છે. શક્તિપીઠ એટલે ઉર્જા‍નું કેન્દ્ર. જ્યાંથી ઉર્જા‍નાં સ્પંદનો વહેતા થાય છે. સમગ્ર જીવ સૃષ્ટિ ઉર્જા‍ને આધિન છે. પ્રત્યેક પ્રાણી ઉર્જા‍નું કેન્દ્ર છે. માત્ર મનુષ્યો જ એને ઓળખી શકવાની, એના સુધી પહોંચી શકવાની અને પહોંચ્યા પછી એમાં વિલીન થઇ જવાની ક્ષમતા ધરાવે છે.
પોતાના પિતાના યજ્ઞમાં પતિનું અપમાન થતા સતિ યજ્ઞકુંડમાં કૂદી પડ્યાઃ
 
દક્ષ પ્રજાપતિએ શિવજીને યજ્ઞનું આમંત્રણ ન આપી તેમનું અપમાન કર્યું. કૈલાસનાથે ના પાડી છતાં દેવી પિતાના યજ્ઞમાં ગયા. યજ્ઞકુંડમાં પડી દેવીએ પ્રાણ ત્યાગ કર્યો તે સૌ કોઇ જાણે છે. સતીના પ્રાણ ત્યાગથી શિવજી ક્રોધાયમાન થયા સતિ‌નું મૃત શરીર ખભા પર મૂકી તાંડવ શરૂ કર્યું. પૃથ્વી ડોલવા લાગી. ભગવાન શ્રીધરે સુદર્શન ચક્ર વડે દેવીના દેહના પ૧ ટુકડા કર્યાં. જ્યાં જ્યાં ટુકડા, અવયવ આભુષણો પડયા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું.
દેવી મહાન સતી હતા તેમના પ્રત્યેક અવયવ, આભૂષણોમાં વિશિષ્ઠ શક્તિ હતી. અષ્ટસિદ્ધિના રૂપે ઇન્દ્રણી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, વારાસિંહી, વારાહી, માહેશ્વરી અને ભૈરવી આ આઠ પ્રકારની શક્તિ છે.
સામાન્ય માનવીથી લઇ યાંત્રિકો, યોગીઓ, ઋષિમુનિઓ સૌપોતપોતાની કક્ષા અનુસાર શક્તિની આરાધના કરે છે.
તંત્ર ચુડામણીમાં પ૧ શક્તિપીઠનું વર્ણન નીચે મુજબ કરેલ છે.
 
 પ૧ શક્તિપીઠોઃ-
 
(૧) કોટરી (ભૈરવી) હિંગલાજ બલુચિસ્તાનમાં, કરાંચીથી વાયવ્ય દિશામાં ૯૭ માઇલ દૂર હિંગલાજ સ્થાન આવ્યું છે. લાસબેલામાં હિંગોસ નદીના કિનારે ગુફામાં જ્યોતના દર્શન થાય છે. શક્તિનો પ્રકાર કોઠરી, ભીલોચન ભૈરવ ગણાય છે.(અવ્યય કે આભુષણ-બ્રહ્મ)
(૨) વિમલા (ભુવનેશી) ગંગાનદીના કિનારે બરદરવા પાસે દાબરા બરદરવા ફાટા પર ખંગરાઘાટ રોડ સ્ટેશનથી ચાર માઇલ પલ લાલ બાગ કોર્ટ રોડ સ્ટેશન છે, ત્યાંથી ત્રણ માઇલ દૂર આ પીઠ છે. સતીના કીરીટ-આભૂષણ પડેલ ભૈરવ સંવતે (કીરીટ) ગણાય છે.
 
(૩) ઉમા (વૃંદાવન) મથુરા વૃંદાવનના રસ્તા પર આ પીઠ આવેલ છે. સતીના કેશકલાપ અત્રે પડેલ, વૃંદાવનથી બે કિલોમીટરના અંતરે ભૂતેશ્વર મહાદેવના મંદિરમાં આ સ્થાન છે. શક્તિનો પ્રકાર ઉમા, ભૈરવ-ભૂતેશ ગણાય છે.
 
(૪) કરવીર પીઠ (મહિ‌ષાસુર મર્દિની) કોલ્હાપુરમાં મહાલક્ષ્મીનું મંદિર એજ મહિ‌ષાસુર મર્દિની પીઠ છે. આ મહાલક્ષ્મીના મંદિરને પાંચ શિખર છે. મહાલક્ષ્મીની મૂર્તિ‌ લગભગ ચાર ફૂટ જેટલી ઉંચી પથ્થરમાં કોતરેલી છે. કરવીર પ્રીંદશમાં રાજા કર્ણદેવનું રાજ્ય હતું. ત્યારે સ્થાપના કર્યાનો ઉલ્લેખ છે.
 
પછીના શાસનકર્તાઓ પણ મહાલક્ષ્મીના અનન્ય ભક્ત હતા.
આ પીઠમાં સતીના ત્રણ નેત્રો પડેલ શક્તિનો પ્રકાર મહિ‌ષાસુરમતીંર્‍ની કોલ્હાપુરમાં મહાલક્ષ્મી તરીકે ઓળખાય છે. ભૈરવ-ક્રોધિશ ગણાય છે. એક બાજુ દેવી મહાકાલી તથા બીજી બાજુ દેવી સરસ્વતીનું મંદિર છે.
(પ) સુનંદા-સુગંધા સતીના નાસિકા નાક જ્યાં પડયાં તે પીઠ સુગંધા-બાંગ્લાદેશમાં આવ્યું છે. સુનંદા નદીના કિનારે સુનંદા દેવીનું મંદિર છે. આ સ્થળ ભૈરવ-ત્ર્યંબક છે.

(૬) અપર્ણા સતિ‌ના વામતલ્ય પડેલ તે સ્થળ બાંગ્લાદેશમાં બોગડા સ્ટેશનની નૈઋત્યમાં આવેલ ભવાનીપુર ગામમાં આવેલ છે. શક્તિનો પ્રકાર-અપર્ણા, ભૈરવ-વામન ગણાય છે.

(૭) શ્રી સુંદરી સતીના દક્ષિણ તલ્ય જ્યાં પડયા ત્યાં શ્રી સુંદરી શક્તિપીઠ ગણવામાં આવે છે. આ પીઠનો ભૈરવ સુંદરાનીંદ છે. આ પીઠના સ્થાન માટે બે મત છે. આસામમાં સિલહટ નજીક જૈનપુરના શ્રીપર્વન કોઇ કહે છે. જ્યારે બીજો મત કાશ્મીરમાં લડાખ માટેનો છે.
 
(૮) વિશાલાક્ષી (વારાણસી-કાશી)દેવીના કર્ણકુંડલ જ્યાં પડયા હતા ત્યાં વિશાલાક્ષી શક્તિનો પ્રકાર ગણાય છે. ભૈરવ-કાલભૈરવ છે. મણિકર્ણિકા ઘાટ પાસ વિશાલાક્ષી માતાજીનું મંદિર છે.
(૯) વિશ્વેશી સતિ‌ના કપાળનો કાળો ભાગ પડેલ તે સ્થળ પર વિશ્વેશી શક્તિ રહેલી છે. ગોદાવરી નદીના કોટી તિ‌ર્થમાં આ સ્થાન હોવાનું મનાય છે.

(૧૦) ગંડકી સતીના કપાળનો જમણો ભાગ જ્યાં પડયું ત્યાં ગંડક/ગંડકો શક્તિનો પ્રકાર તથા ભૈરવ-ચદ્રપાણી ગણવામાં આવે છે. નેપાળમાં ગંડકીનદીના ઉગમસ્થાને મુક્તિનાથ મહાદેવની જગ્યામાં આ પીઠ આવેલી છે.

(૧૧) નારયણી શક્તિપીઠ સતીના ઉપરના દાંત પડય તે સ્થળ શુચીન્દ્ર કન્યાકુમારી નજીક આવેલું છે.

(૧૨) વારાહી પીઠ સતીના નીચેના દાંત જ્યાં પડયા ત્યાં વારાહી શક્તિ ગણાય છે. આ પીઠના મહારૂદ્ર ભૈરવ આ સ્થાન પંચસાગર તરીકે કહેવાય છે.
(૧૩) સિદ્ધિદા સતીની જીભ જ્યાં પડેલ તે હિ‌માચલ પ્રદેશનું જવાલાજી. અત્રે સિદ્ધિ-અંબિકા શક્તિ તથા ઉન્મત ભૈરવ ગણાય છે.

(૧૪) અવંતી શક્તિ પીઠ સતીનો ઉપલા હોઠ જ્યાં પડયો તે સ્થળ અત્રીના ભૈરવ લંબકર્ણ ગણાય છે.

(૧પ) કુલ્લરા શક્તિપીઠ સતીનો નીચેનો હોઠ જ્યાં પડયો ત્યાં કુલ્લરા શક્તિનો વાસ મનાય છે.

(૧૬) ભ્રામરી શક્તિ પીઠ સતીના જનસ્થાન ચિબુંક જ્યાં પડયું તે સ્થળ પર ભ્રામરી શક્તિ છે. આ સ્થળે ત્રિકૃતાર્થ ભૈરવનું આધિપત્ય ગણાય છે. નાસિક-પંચવટીમાં ભદ્રકાલી માતાના મંદિરમાં ભ્રામરી શક્તિ ગણાય છે.

(૧૭) મહામાયા શક્તિપીઠ કાશ્મીરમાં અમરનાથની ગુફામાં પાર્વતીની બરફકૃતિનેઅ મહામાયા ગણવામાં આવે છે. સતીનો કંઠ-ગળુ અત્રે પડેલ આ સ્થળ પર ત્રિસયેશ્વરભૈરવનો અમલ કહે છે.
(૧૮) નંદિની શક્તિ પીઠ સતીનો કંઠહાર જ્યાં પડયો ત્યાં નંદીની શક્તિ તથા ભૈરવ નંદિકેશ્વર ગણાય છે. કલકત્તા પાસે આ પીઠ છે.

(૧૯) શ્રીશૈલ-મહાલક્ષ્મી શક્તિ પીઠ કર્ણાટકમાં શ્રીશૈલ પર્વતમાં મહાલક્ષ્મી શક્તિ રહેલી છે. અત્રે સતીની ગ્રીવા પડેલ આ સ્થળનો ભૈરવ સંવરાનંદ ગણાય છે. મલ્લિકાર્જુન જ્યોતિલિંગના મંદિર નજીક ભ્રમરાંબાદેવીનું મંદિર તે શ્રીશૈલ-મહાલક્ષ્મી શક્તિપીઠ છે.

(૨૦) કાલિકા શક્તિપીઠ સતીના ઉદરની નળી જ્યાં પડેલ તે સ્થળમાં કાલિકાની શક્તિ છે. તથા યોગેશ નામના ભૈરવનો અમલ રહે છે.

(૨૧) મહાદેવી શક્તિપીઠ સતીનો ડાબો ખભો જ્યાં પડયો તે સ્થળ મિથિલા નગરીમાં આવેલું છે. મહાદેવી શક્તિ તથા મહાદેવ ભૈરવ ગણાય છે.
(૨૨) કુમારી શક્તિપીઠ સતીનો જમણો ખભો પડયો તે સ્થળ મદ્રાસમાં રત્નાવલિને આ પીઠનું સ્થળ ગણવામાં આવે છે.

(૨૩) ચંદ્રભાગ શક્તિપીઠ સતીના પેટનો ભાગ પ્રભાસક્ષેત્ર નજીક પડયો છે. આ ક્ષેત્રમાં ચંદ્રભાગ શક્તિ રહે છે તથા વક્રતુંડ ભૈરવનો અમલ છે.

(૨૪) ત્રિપુરમાલિની શક્તિપીઠ સતીનું ડાબુ સ્તન જ્યાં પડયું તે જલંધર-પંજાબમાં ત્રિપુરમાલિની શક્તિપીઠ છે.

(૨પ) શિવાની શક્તિપીઠ સતીનું જમણું સ્તન ચિત્રકુટની રામગીરી ટેકરી પર પડયું ત્યાં શિવાની શક્તિપીઠ માનવામાં આવે છે.

(૨૬)જયદુર્ગા શક્તિપીઠ સતીનું હ્યદય જ્યાં પડયું તે વદ્યનાથ ધામમાં આ પીઠની ગણત્રી થાય છે.
(૨૭) મહિ‌ષમર્તીની શક્તિપીઠ દુબરાજપુર પાસે સ્મશાનમાં મહિ‌ષમર્તીની શક્તિપીઠ છે. સતીનું મન અત્રે પડયું છે. મહિષમર્તિની શક્તિ તથા વક્રત્રનાથ ભૈરવનો અત્રે વાસ છે.

(૨૮) શર્વાણી શક્તિપીઠસતીની છાતી જ્યાં પડી છે. તે કન્યકાશ્રમ કન્યાકુમારીમાં શર્વાણી શક્તિપીઠ ગણાય છે.

(૨૯) બહુલા શક્તિપીઠ સતીનો ડાબો હાથ બંગાળમાં કેતુ બ્રહ્મ ગામે ચંડિકા પીઠ પાસે પડયો તે સ્થળ બહલા ચંડિકા પીઠ ગણાય છે.

(૩૦) ભવાની શક્તિપીઠ પૂર્વ બંગાળમાં ચંદ્રશેખર પહાડ પર ભવાની મંદિ રમાં આ પીઠ ગણવામાં આવે છે. સતીનો જમણો હાથ અત્રે પડેલ.

(૩૧) માંગલ્ય ચંડિકા શક્તિપીઠ સતીની કોણીઓ ઉજ્જન ક્ષેત્રમાં રૂદ્રસાગર નજીક પડેલ ત્યાં પીઠ ગણાય છે.
(૩૨) માનસ શક્તિપીઠ સતીની જમણી હથેળી પડેલ તે ટિબેટનું માનસરોવરમાં માનસ શક્તિપીઠ ગણાય છે.

(૩૩) યશોરેશ્વરી શક્તિપીઠ સતીની ડાબી હથેળી (યશોધર-જસર)માં પડેલી. ત્યાં યશોરેશ્વરી શક્તિપીઠ છે.

(૩૪) મણિવૈદિક શક્તિપીઠ સતીના બન્ને મણિબંધ જ્યાં પડયા તે સ્થળ, રાજસ્થાનમાં પુષ્કર તિ‌ર્થ પાસે ગાયત્રી પર્વત પરનું માન સરોવર પાસે આ પીઠ છે.

(૩પ) લલિતા શક્તિપીઠ સતીના હાથની આંગળીઓ જ્યાં પડી તે જગ્યા લલિતા શક્તિપીઠ ગણાય છે.

(૩૬) વિરજાક્ષેત્રની શક્તિપીઠ સતીનું નાભિકમળ જગન્નાથપુરી પાસે પડેલ, ત્યાં વિમલાદેવીનું મંદિર છે. તે જ આ શક્તિપીઠ ભૈરવનું નામ જગન્નાથ છે.
(૩૭) દવગર્ભા શક્તિપીઠ દક્ષિણભારતમાં શિવકાંચીમાં આવેલ કાલીમંદિર આ શક્તિપીઠમાં ગણત્રી થાય છે.

(૩૮) કાલીશક્તિપીઠ સતીનું ડાબુ નિતંબ જ્યાં પડયું ત્યાં કાલી શક્તિપીઠ મનાય છે.

(૩૯) શૌક્ષાણી (નર્મદા) શક્તિપીઠ સતીનું જમણું નિતંબ જ્યાં પડયું ્રતે અમરકંટક સોણનદીના ઉદ્દભવસ્થાને નર્મદા શક્તિપીઠ આવેલ છે.

(૪૦) કામાખ્યા શક્તિપીઠ સતીની યોની આસામ ગૌહાતી પાસે કામગીરી નીલગીરી પર પડેલ જેથી કામાખ્યા મંદિરમાં આ શક્તિપીઠ છે.

(૪૧) મહામાયા શક્તિપીઠ સતીના બન્ને ઘુંટણ પડયા હતા તે સ્થાન પર મહામાયા શક્તિપીઠ આવેલ છે. નેપાળમાં પશુપતિનાથમાં આ પીઠ છે.
(૪૨) જ્યંતિ શક્તિપીઠ સતીના ડાબુ સાથળ જ્યાં પડયું તે આસામમાં આ પીઠ આવેલ છે.

(૪૩) સર્વાનંદકારી શક્તિપીઠ સતીનું જમણું સાથળ (મગધ) બિહારના પટણામાં પડેલ.

(૪૪) ભ્રામરી શક્તિપીઠ સતીના ડાબો પગ બંગાળમાં પડેલ ત્યાં ભ્રામરી શક્તિપીઠ છે.

(૪પ) ત્રિપુર સુંદરી શક્તિપીઠ સતીનો જમણો પગ ત્રિપુરા રાજ્યમાં પડેલ ત્યાં ત્રિપુર સુંદરી પીઠ છે.

(૪૬) કપાલિની શક્તિપીઠ સતીનો ડાબો ગાલ બંગાળમાં પડેલ ત્યાં કાલીમંદિરમાં કપાલિની શક્તિપીઠ છે.

(૪૭) સાવિત્રી શક્તિપીઠ સતીનો જમણો ગાલ કુરૂક્ષેત્રમાં દૈપાયન સરોવર નજીક પડેલ ત્યાં સાવિત્રિ શક્તિપીઠ છે.
(૪૮) ઇંદ્રાક્ષી શક્તિપીઠ સતીના નુપુર-ઝાંઝર જ્યાં પડયા હતાં તે લંકાદ્રિપમાં ઇંદ્રાક્ષી શક્તિપીઠ છે.

(૪૯) ભૂધિ‌।ત્રી શક્તિપીઠ સતીના જમણા પગનો અંગૂઠો ક્ષીર ગામમાં પડેલ ત્યાં ભૂધિ‌।ત્રી શક્તિપીઠ છે.

(પ૦) સંબિકા શક્તિપીઠ સતીના ડાબા પગનો અંગૂઠો રાજસ્થાનમાં પડેલ ત્યાં અંબિકા શક્તિપીઠ ગણવામાં આવે છે.

(પ૧) કાલિ શક્તિપીઠ સતીના બન્ને પગની આંગળીઓ જ્યાં પડી છે ત્યાં કાલિ શક્તિપીઠ થઇ છે. તેમજ નકૂલેશ ભૈરવનો વાસ છે. કલકત્તાનું સુપ્રસિદ્ધ કાલિમંદિર એ જ આ શક્તિપીઠ છે.

No comments:

Post a Comment