Monday, March 23, 2015

બેકર ઇચ્છતા હતા કે ગાંધીજી ખ્રિસ્તી બને

જ્યારે બ્રિટિશરોએ ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા...
09.jpgગાંધીજી સ્વીકારે છે કે નાનપણથી જ એમણે હિન્દુ ધર્મના વિવિધ પંથો પ્રત્યે ઉદાર આત્મીય ભાવ કેળવ્યો હતો. તેમનો આખો પરિવાર વૈષ્ણવ હવેલી, શિવમંદિર તથા રામમંદિર રોજ જતો હતો. પિતાના મુસ્લિમ તથા પારસી મિત્રો પણ હતા, જે પોતપોતાના ધર્મો વિશે વાતો કરતા. ગાંધીજી આ બધી ચર્ચાઓ ધ્યાનથી સાંભળતા.
ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે, ‘‘આ બધી ચર્ચાઓના લીધે મારામાં બધા પંથો પ્રત્યે સહિષ્ણુતાની વૃત્તિ આવી ગઈ. ફક્ત ખ્રિસ્તીપંથ એક અપવાદ હતો, કારણ કે એ દિવસોમાં ખ્રિસ્તી મિશનરીઓ હાઈસ્કૂલ પાસે એક નુક્કડ પર ઊભા રહી હિન્દુ દેવ-દેવીઓ પર ગાળો વરસાવી પોતાના પંથનો પ્રચાર કરતા. હું આ સહન ના કરી શક્યો.’’
ગાંધીજી ઇંગ્લેન્ડમાં
વીસ વર્ષની ઉંમરે ગાંધીજી ઇંગ્લન્ડ ગયા. ત્યાં ગાંધીજી ખ્રિસ્તી સજ્જનોને પ્રેમથી મળતા. માન્ચેસ્ટરમાં એક શાકાહારી ભોજનાલયમાં તેમને એક ખ્રિસ્તી સજ્જન મળ્યા, જેઓ માંસ કે શરાબ લેતા ન હતા. તેમણે ગાંધીજીને બાઇબલ વાંચવા ખાસ ભલામણ કરી. ગાંધીજીએ આલ્ડ ટેસ્ટામેન્ટ, જેનેસિસ, ધ લુક આફ નંબર્સ, ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચ્યાં. ગાંધીજીએ કહ્યું, ‘‘ગિરિ પ્રવચન મને ગમ્યાં પણ તેમાં મને ક્યાંક ક્યાંક ગીતાની સમાનતા જેવું લાગ્યું.’’
બેકર ઇચ્છતા હતા કે ગાંધીજી ખ્રિસ્તી બને
થોડા સમય પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકા વકીલાત માટે ગયા. પ્રિટોરિયામાં જે મુખ્ય વકીલ હતા તેમના એટર્ની હતા એ. ડબલ્યુ. બેકર. તેમણે ગાંધીજીને ખ્રિસ્તીઓની પ્રાર્થનાસભાઓમાં લઈ જવાનું શરૂ કર્યંુ. તેમનો પ્રયાસ હતો કે ગાંધીજી ખ્રિસ્તી બની જાય. ગાંધીજીનો વિચાર હતો કે પહેલાં પોતાના હિન્દુ ધર્મને બરાબર જાણી લેવો તે પછી વિચારવું કે એને છોડવો કે નહીં.
ખ્રિસ્તીઓ ગાંધીજીને ચર્ચમાં લઈ ગયા
ખ્રિસ્તી પ્રાર્થના -સભાઓમાં ગાંધીજીનો કુમારી હેરિસ, કુમારી ગબ અને મિ. કાટ્સ સાથે પરિચય કરાવવામાં આવ્યો. પ્રાર્થનાસભામાં ગાંધીજીના પહોંચ્યા પછી એ પ્રાર્થના પણ સૌ ખ્રિસ્તી સજ્જનો કરતા કે, ‘અમારા આ ‘નવા ભાઈ’ (એમ. કે. ગાંધી)ને પણ પ્રભુ ઈશુ રસ્તો બતાવે. પ્રભુ ઈશુ, જેણે અમને સૌને બચાવ્યા છે તેઓ આમને (એટલે કે ગાંધીજીને) પણ બચાવે.’
કાટ્સે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મનાં ઘણાં બધાં પુસ્તકો વાંચવા આપ્યાં. ગાંધીજી લખે છે કે, ‘1893માં હું આમાંના ઘણાં પુસ્તકો વાંચી ગયો. આ પુસ્તકોનો એ તર્ક હતો કે, ‘‘ઈશુ એ જ ઈશ્ર્વરનો એકમાત્ર અવતાર છે, વળી તે ઈશ્ર્વર અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાવાળો છે.’ પણ એ વાત મને જરા પણ પ્રભાવિત ના કરી શકી.
આ માળા તો મારા માતાની ભેટ છે
ગાંધીજી લખે છે કે મિ. કાટ્સ મેં પહેરેલી તુલસીની માળાની પાછળ પડી ગયા. કાટ્સે મને પૂછ્યું, ‘‘શું તમે આ માળામાં આસ્થા રાખો છો ? ગાંધીજીએ કહ્યું કે આ માળા મારાં માતાની પવિત્ર ભેટ છે. હું આના રહસ્યમય મહત્ત્વને જાણતો નથી, પરંતુ પર્યાપ્ત કારણ ના હોય ત્યાં સુધી હું આ માળાને ફેંકી ના શકું.’’
ગાંધીજી આગળ લખે છે કે, ‘‘કાટ્સને મારા ધર્મ પ્રત્યે કોઈ આદર ન હતો. તેઓ મને આમાંથી ઉગારવા માંગતા હતા. તેઓ કહેતા કે અન્ય ધર્મોમાં કદાચ થોડું ઘણું સત્ય હોય તો પણ સત્યનો વાસ્તવિક પ્રતિનિધિ તો ખ્રિસ્તીધર્મ જ છે. એને અપ્નાવું તો જ મારો ઉદ્ધાર થશે. ફક્ત ઈસા મસીહની મધ્યસ્થતાથી જ મારાં પાપ દૂર થઈ શકશે. ઈશુના શરણમાં આવ્યા વગર અને ખ્રિસ્તી બન્યા વગર ભલે ગમે તેટલાં સદાચારપૂર્ણ કાર્ય કરો, બધું વ્યર્થ છે.’
કોટ્સના ધમપછાડા
ગાંધીજી લખે છે કે કાટ્સે મને અનેક કટ્ટરપંથી ખ્રિસ્તીઓનો મેળાપ કરાવ્યો. એમાંના એક Plya-mouth Borther નામના ખ્રિસ્તી સમુદાયના અનુયાયીઓનો પરિવાર પણ હતો. આ સંગઠનના વડાએ મને સમજાવતાં કહ્યું કે, ‘‘(હિન્દુ ધર્મના) આ ચક્કરમાં પડ્યો રહીશ તો તારો ક્યારેય છુટકારો નહીં થાય. અમારો વિશ્ર્વાસુ પંથ એટલો પરિપૂર્ણ છે કે અમારાં બધાં પાપોનો ભાર ઈસા મસીહ પર નાખી દઈએ છીએ, કારણ કે તે જ એક પ્રભુ-પુત્ર છે. ભગવાનના આ એક માત્ર પુત્રનું વચન છે કે જે મારા પર વિશ્ર્વાસ કરશે તેને અનંત જીવન મળશે.’’
ગાંધીજી કહે છે કે, ‘આના પર મેં વિનમ્ર જવાબ આપ્યો કે, ‘હું પાપ કરું અને એનું ફળ મને ના મળે ? મારી સાધના તો પાપ-કર્મ અને પાપ્ના વિચારમાત્રથી મુક્તિ મેળવવાની છે. આ લક્ષ્ય સિદ્ધ થાય ત્યાં સુધી તો હું વ્યગ્ર રહીશ જ.’’
ગાંધીજી લખે છે કે, ‘મારા ભવિષ્ય માટે બેકર ચિંતિત હતા. તેઓ મને વેલિંગ્ટન સમારંભમાં લઈ ગયા. બેકરને આશા હતી કે ત્યાંના ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈને હું ખ્રિસ્તી ધર્મને ગળે લગાવી દઈશ. પ્રાર્થનાસભામાં બધા લોકોએ પ્રાર્થના કરી કે મારામાં ઈશુનો પ્રકાશ પ્રકાશિત થાય. સમારંભ ત્રણ દિવસ ચાલ્યો. એમની આસ્થા માટે મારા મનમાં પ્રશંસાનો ભાવ જાગ્યો, પરંતુ મારો ધર્મ જ હું બદલી નાખું એનું તો કોઈ કારણ મારી નજરમાં ન આવ્યું. તેઓ લખે છે કે, ‘ખ્રિસ્તી ધર્મ અનુસાર ફક્ત મનુષ્યોમાં જ આત્મા છે અને બીજા પ્રાણીઓમાં નહીં’ એ વાત મારી શ્રદ્ધાથી વિપરીત છે. વળી ખ્રિસ્તીપંથનું માનવું છે કે સ્ત્રીઓમાં આત્મા નથી હોતો. સ્ત્રીઓમાં માત્ર સામાન્ય મન અને ભાવના હોય છે એ વાત પણ માની શકાય તેમ નથી.
મિશનરીઓના ક્ષુલ્લક પ્રયત્નો
ગાંધીજીને પ્રભાવિત કરવા માટે મિશનરીઓએ કેટલાક ક્ષુલ્લક પ્રયત્નો પણ કર્યા. એક ઉદાહરણ જોઈએ.
સન 1924માં ત્રીજી નવેમ્બરે એક સ્વિસ મિશનરી ગાંધીજીને મળ્યા. મહાદેવભાઈ દેસાઈએ એમની ડાયરીના ચોથા ખંડના પાના 86 ઉપર એનું વર્ણન આવું કર્યંુ છે -
મિશનરી બોલ્યા :     ‘આપ્ને જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને આખાય યુરોપ્ના લોકો ઓળખે છે, કેમકે તમે એક શ્રેષ્ઠ ખ્રિસ્તી છો.’’
ગાંધીજી હસ્યા અને બોલ્યા    :    ‘હું ખ્રિસ્તી નથી.’
પાદરી બોલ્યા : ‘પણ તમે ખ્રિસ્તી સિદ્ધાંતો(સત્ય, અહિંસા)નું પાલન કરો છો.’
ગાંધીજી બોલ્યા : ‘એ સિદ્ધાંતો મારા ધર્મમાં પણ નિરૂપિત કરવામાં આવ્યા છે.’
પાદરી બોલ્યા : ‘પણ ખ્રિસ્તી પંથમાં એનું સવિશેષ નિરૂપણ કરવામાં આવ્યું છે.’
ગાંધીજીએ કહ્યું : ‘એ તો શંકાસ્પદ છે.’
25 વર્ષની ઉંમરના ગાંધીજી લખે છે કે, ‘જેવી રીતે ખ્રિસ્તી મિત્રોનો પ્રયાસ હતો કે હું ખ્રિસ્તી બની જાઉં, તેવી રીતે મુસલમાન મિત્રોનો પ્રયાસ હતો કે હું મુસ્લિમ બની જાઉં. આફ્રિકામાં અબ્દુલ્લા શેઠ કાયમ ઇસ્લામની ખૂબસૂરતી બતાવતા.
આમ, ગાંધીજીને સનાતન ધર્મમાં વિશ્ર્વાસ હોવા છતાં તેમના મનમાં આપણા ધર્મ વિશે જાણવાની ખૂબ જિજ્ઞાસા ઊભી થઈ હતી. તેમના મનમાં અનેક પ્રશ્ર્નો હતા જેના તેઓ સમાધાનકારી ઉત્તરો ઇચ્છતા હતા, જેમાંથી એમને સાચું માર્ગદર્શન મળે.
ગાંધીજીને મળેલું રાયચંદભાઈનું માર્ગદર્શન
10.jpgગાંધીજી લખે છે કે, આ બધા પ્રયાસોથી મને જે મુશ્કેલી થઈ એ માટે મેં રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર)ને 20 પ્રશ્ર્નોનો એક પત્ર લખ્યો. બીજા અધિકૃત વિદ્વાનોને પણ લખ્યું. રાયચંદભાઈનો જવાબ મને સંતોષકારક અને શાંતિકારક લાગ્યો. અવારનવાર રાયચંદભાઈએ આપેલા માર્ગદર્શનથી મારા મનની શંકાઓ નિર્મૂળ થઈ ગઈ.’’ આમ, રાયચંદભાઈના સંસર્ગથી ગાંધીજીના મનમાં જાગેલા પ્રશ્ર્નોના જવાબ તેમને મળી ગયા. મિશનરીઓએ સનાતન ધર્મની વિરુદ્ધમાં જગાવેલી શંકાઓ ધીમે ધીમે શાંત થવા લાગી. સનાતન ધર્મની આધ્યાત્મિક વાતોમાં રહેલી નક્કરતા અને સત્ય તેમના મનમાં વધુ ને વધુ દ્ઢ થતાં ગયાં. અને તેના પરિણામરૂપે જ ગાંધીજી બોલેલા કે, ‘‘હું હિન્દુ છું એટલું જ નહિં પણ હું શુદ્ધ સનાતની છું.’’
મનોમંથન પછી મેળવેલા સત્યને આધારે તેમની દ્ષ્ટિ સાવ સ્પષ્ટ થઈ ગઈ. 1લી માર્ચ, 1929ના રોજ વરિષ્ટ પાદરી મોટ ગાંધીજીને મળ્યા. મોટે કોશિષ કરી કે ગાંધીજી ખ્રિસ્તી પંથની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી લે. પાદરી મોટે કહ્યું, ‘‘અમારું કર્તવ્ય છે કે અમે અમારી પાસેથી ‘અધિકતમ સત્ય’નો વિચાર અમારા ભારતીય સાથીઓમાં વહેંચીએ.’’ ગાંધીજીએ પાદરીના આ વિચારોને કપટવાણી કહી.
ગાંધીજીએ એ પણ જોયું કે ભારતમાં સામાન્ય રીતે ખ્રિસ્તીપંથ સ્વીકારવાનો અર્થ એ છે કે ભારતીયને રાષ્ટ્રિયતાવિહીન બનાવવા અને તેમનું યુરોપીયકરણ કરવું.
સન 1935માં એક મિશનરીએ ગાંધીજી સાથેની મુલાકાતમાં પૂછ્યું, ‘‘શું તમે ધર્માંતરણ માટે મિશનરીઓના ભારત આગમન પર પ્રતિબંધ મૂકવા ઇચ્છો છો ?’’
ગાંધીજીએ જવાબ આપ્યો, ‘‘જો સત્તા મારા હાથમાં હોય અને હું કાયદો બનાવી શકું તો ધર્માંતરણનો આ બધો ધંધો જ બંધ કરાવી દઉં.’’
(નોંધ : જીજ્ઞાસુવાચકને વિશ્ર્વસંવાદ કેન્દ્ર અમદાવાદ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગાંધીજી અને ખ્રિસ્તીપંથ - લેખક : રામેશ્ર્વર મિશ્ર અને કુસુમલતા કેડિયા - વાંચવા વિનંતી.)’
સંદર્ભ ગ્રંથો
(1)   ‘ગાંધીજી અને ખ્રિસ્તીપંથ’ - રામેશ્ર્વર મિશ્ર અને કુસુમલતા કેડિયા. પ્રકાશન : વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, અમદાવાદ.
(2)   સત્યના પ્રયોગો - ખંડ - 1, ખંડ - 2 એમ. કે. ગાંધી
(3)   ‘સંપૂર્ણ ગાંધી વાઙ્મય ખંડ - 64’

No comments:

Post a Comment